મમ્મી-પપ્પા પાસે જવાના પૈસા માટે ચોરી કરતો હતો રેલવેનો રેઇનકોટ રૉબર

05 July, 2022 09:37 AM IST  |  Mumbai | Mehul Jethva

એક જ દિવસમાં રેઇનકોટ પહેરીને ત્રણ રેલવે-સ્ટેશને ચોરી કરતા માઇનર આરોપીની પોલીસે ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં ત્રણ રેલવે-સ્ટેશન પર ગયા અઠવાડિયે એક જ દિવસમાં લાલ રંગનો રેઇનકોટ પહેરીને એક અજાણ્યા આરોપીએ સ્ટેશન પર ઊભેલી મહિલાઓની બૅગ, મોબાઇલ ચોર્યાં હોવાની ઘટના બની હતી, જેના પગલે રેલવે-પોલીસે તપાસ કરતાં આ કામ એક સગીર વયના ટીનેજરનું હોવાનું જાણવા મળ્યું હતું. તેની ધરપકડ કરીને ચોરીનું કારણ પૂછવામાં આવતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે મારાં માતા-પિતા પશ્ચિમ બંગાળમાં રહે છે. તેમની પાસે જવા માટે પૈસા ન હોવાથી મેં ચોરીનો રસ્તો અપનાવ્યો હતો.

ભાંડુપ-વેસ્ટમાં લેક રોડ પર રહેતાં આરતી ઢળે કરેલી ફરિયાદ અનુસાર રોજની જેમ સાંજના આઠ વાગ્યે કામેથી નીકળ્યા પછી પ્રભાદેવી રેલવે-સ્ટેશન પરથી લોઅર પરેલ રેલવે-સ્ટેશન તેઓ આવ્યાં હતાં એ દરમ્યાન એક રેઇનકોટ પહેરેલો ઇસમ તેમની બાજુમાં આવ્યો હતો, જે આરતી ઢળની બૅગ જોરથી છીનવીને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનામાં આરોપી આશરે ૩૨ હજાર રૂપિયાની માલમતા ચોરીને નાસી ગયો હતો.

આવી જ બીજી ઘટનામાં માહિમ રાહેજા હૉસ્પિટલ નજીક રહેતાં અપર્ણા દેસાઈએ કરેલી ફરિયાદ અનુસાર ૩૦ જૂને સાંજના નોકરી પરથી નીકળ્યા પછી સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર તેઓ આવ્યાં હતાં. એ પછી સાંતાક્રુઝથી માહિમ આવ્યા પછી રેલવે-સ્ટેશન પર તેઓ ચાલી રહ્યાં હતાં એ દરમ્યાન એક રેઇનકોટ પહેરેલો શખસ તેમની પાસે આવ્યો હતો અને તેમનો મોબાઇલ ઝૂંટવીને નાસી ગયો હતો, જેની ફરિયાદ મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.

ત્રીજી ઘટના ખાર રેલવે-સ્ટેશન પર બની હતી, જેમાં જવાહરનગરમાં રેલવે-કૉલોનીમાં રહેતાં મીના સોલંકી ૩૦ જૂને સાંજે મલાડથી ખાર રેલવે-સ્ટેશન આવ્યાં હતાં ત્યારે અજાણ્યો ઇસમ રેઇનકોટ પહેરીને તેમની પાસે આવ્યો હતો અને તેમનો મોબાઇલ ચોરીને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ બાંદરા રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી.

બાંદરા રેલવે પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી આર્ય દેવીદાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેઇનકોટ પહેરીને એક જ દિવસમાં ચાર ચોરીની ઘટના મુંબઈનાં અલગ અલગ રેલવે-સ્ટેશન પર નોંધાઈ હતી, જેમાંની એક અમારી હદમાં નોંધાઈ હતી એ જોતાં અમે ઘટનાને ગંભીરતાને લેતાં તરત સીસીટીવી કૅમેરા તપાસ્યા હતા, જેમાં એક માઇનર આરોપી દેખાઈ આવ્યો હતો એ પછી એની વધુ તપાસ કરતાં એ આરોપીની અંધેરી પોલીસે ધરપકડ કરી હોવાની ખબર પડી હતી. જોકે આરોપી ચિલ્ડ્રન્સ હોમમાંથી પણ ભાગી ગયો હતો. ચોરી કરવા પાછળનું કારણ આરોપીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેનાં માતા-પિતા પશ્ચિમ બંગાળમાં રહે છે અને તેમની પાસે જવા માટે પૈસા ન હોવાથી ચોરી કરવાની શરૂઆત કરી હતી. આવતા દિવસોમાં કોર્ટના આદેશ પછી અમારી એક પોલીસ ટીમ આરોપીને પશ્ચિમ બંગાળ મૂકવા જશે.’ 

mumbai mumbai news Crime News bhandup prabhadevi lower parel mehul jethva mumbai crime news