દબાણની કોઈ પ્રયુક્તિઓ હું નથી અજમાવી રહી : પંકજા મુંડે

14 July, 2021 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન અને અમિત શાહ મારા નેતા છે, દબાણની કોઈ પ્રયુક્તિઓ હું નથી અજમાવી રહી : પંકજા મુંડે

પંકજા મુંડે

નવા ફેરફારો પામેલી કેન્દ્રીય કૅબિનેટમાં સ્થાનિક સંસદસભ્ય પ્રીતમ મુંડેને સ્થાન ન મળવાના વિરોધમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી બીજેપીના ઘણા ઑફિસ-બેરર્સ રાજીનામું ધરી રહ્યા છે ત્યારે પ્રીતમ મુંડેનાં બહેન અને બીજેપીનાં રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડેએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાને તેમના નેતા ગણાવ્યા હતા અને ‘બાણની પ્રયુક્તિઓ’ અજમાવી રહ્યા હોવાના અહેવાલોને મંગળવારે રદિયો આપ્યો હતો.
મુંડેના વતન બીડ તથા રાજ્યના અન્ય ભાગથી મુંબઈ આવેલા બીજેપી કાર્યકરોને સંબોધતાં પંકજા મુંડેએ મહાભારતનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે હજી ધર્મયુદ્ધનો સમય પાક્યો નથી.
તેમણે મરાઠીમાં કહ્યું હતું કે ‘... હું આ જગ્યાએ ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખીશ જ્યાં સુધી એમાં ‘રામ’ હશે. જ્યારે રામ નહીં હોય ત્યારે શું કરવું એ વિચારીશ.’
ઉલ્લેખનીય છે કે સામાન્યપણે કામમાં રહેલા સત્ત્વના સ્વરૂપમાં ‘રામ’ શબ્દ પ્રયોજાતો હોય છે.
સંબોધન દરમિયાન તેમણે પક્ષના કાર્યકરોને વારંવાર અપીલ કરતાં કહ્યું હતું કે ‘હું ખતમ નથી થઈ ગઈ. મારા કાર્યકરો મારી તાકાત છે.’
તેમના સંબોધન બાદ જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે તેમણે શા માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નામ તેમના નેતા તરીકે ન લીધું? એના જવાબમાં પંકજા મુંડેએ જણાવ્યું હતું કે ‘હું રાષ્ટ્રીય સ્તરે કામ કરું છું અને આથી મારા નેતાઓ મોદી, શાહ અને નડ્ડા છે.’
દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત તેમણે રાજ્યની વિધાનસભામાં હાલ વિપક્ષના નેતા અને રાજ્ય બીજેપીના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું નામ પણ નહોતું લીધું.

Mumbai Mumbai news narendra modi amit shah pankaja munde