19 June, 2025 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના સનફ્લાવર ટાવર નામના બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળની બાલ્કનીમાંથી પ્લાસ્ટરના પોપડા ઊખડીને પડ્યા હતા. ૪૦ વર્ષ જૂના આ સાત માળના બિલ્ડિંગમાં ઘણીબધી તિરાડ પડી હતી અને બાકીનું પ્લાસ્ટર પણ લટકી રહ્યું હતું. બિલ્ડિંગમાં રહેવું ભયજનક જણાતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના અધિકારીઓએ આ બિલ્ડિંગ ખાલી કરાવીને એનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાનું જણાવ્યું હતું.
TMCના ડિઝૅસ્ટર મૅનજમેન્ટ સેલના અધ્યક્ષ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ‘બુધવારે સવારે ૯.૪૫ વાગ્યે બીજા અને ત્રીજા માળની બાલ્કનીમાંથી પ્લાસ્ટરના મોટા પોપડા પડ્યા હતા. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને ફાયર-બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બનાવમાં કોઈને જાનહાનિ નહોતી થઈ, પરંતુ રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. આ બિલ્ડિંગ ભયજનક બિલ્ડિંગની યાદીમાં આવતું નથી. એમ છતાં અહીં રહેતા પાંચ પરિવારોને થોડા સમય માટે બહાર લાવીને બિલ્ડિંગનું ઑડિટ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ હજી આવ્યો નથી.’
આ બિલ્ડિંગમાં ૨૪ રૂમ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર બે ગોડાઉન છે.