કોરોનાના રિપોર્ટની રામાયણથી ટેન્શન

13 April, 2021 08:36 AM IST  |  Mumbai | Rohit Parikh

દરદીઓને કોરોનાનો રિપોર્ટ મળવામાં વિલંબ થવાને લીધે હૉસ્પિટલમાં ઍડ્‍‍મિશન નથી મળી રહ્યાં અને આને કારણે પેશન્ટ અને તેમના પરિવારજનો અત્યારે ભયંકર માનસિક તાણમાં

ગોરેગામના જવાહર નગરમાં કોવિડની ટેસ્ટ કરાવવા માટે ગઈ કાલે લાંબી લાઇનો લાગી હતી અને એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડી દેવાયા હતા (તસવીર: સતેજ શિંદે)

મુંબઈમાં કોરાનાના કેસ વધતા જાય છે. હૉસ્પિટલમાં પણ જગ્યા નથી. કોવિડ ટેસ્ટના આરટી-પીસીઆર રિપોર્ટ મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને ઘણા કેસમાં તો પાંચ-પાંચ દિવસ લાગી રહ્યા છે. કોરોનાના પેશન્ટોને કોવિડ ટેસ્ટના રિપોર્ટ વગર હૉસ્પિટલમાં ઍડ્મિશન મળતું નથી અને જરૂરી ઇન્જેક્શન પણ મળતાં નથી. આ પરિસ્થિતિમાં કોવિડ પેશન્ટો અને તેમના પરિવારજનો ભયંકર માનસિક ટેન્શનમાંથી પસાર થઈ રહ્યા છે.

ભાનુશાલી સમાજના અગ્રણી સામાજિક કાર્યકર ભાવેશ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને સ્વાનુભવની માહિતી આપતાં કહ્યું હતું કે ‘માર્ચ મહિનાના અંતમાં મને કોવિડનાં લક્ષણો દેખાતાં તરત જ મેં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી હતી. સરકાર અને મહાનગરપાલિકાના કાયદા પ્રમાણે આ ટેસ્ટનો રિપોર્ટ ૨૪ કલાકમાં મળવો જોઈએ, પરંતુ મારો રિપોર્ટ ૩૨ કલાકે મળ્યો હતો. એ પણ મેં મારી લાગવગ લગાડી હતી એટલે. ત્યાર પછી મારા જ એક મિત્રના બનેવીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. તેમને કોવિડ માટે  રેમડેસિવીર ઇન્જેક્શન લેવાનું હતું, પરંતુ આ ઇન્જેક્શન કોવિડ પૉઝિટિવનો રિપોર્ટ બતાવ્યા પછી જ મળે છે. તેમણે ૪ એપ્રિલે કોવિડ ટેસ્ટ કરાવી હતી, જ્યારે તેમનો રિપોર્ટ ૭ એપ્રિલે એ પણ થોડી બૂમાબૂમ કર્યા પછી લૅબમાંથી મળ્યો હતો. નવાઈની વાત એ હતી કે તેમના રિપોર્ટમાં કલેક્શનની તારીખ ૪ એપ્રિલને બદલે લૅબ તરફથી ૬ એપ્રિલ બતાવવામાં આવી હતી.

ભાવેશ ભાનુશાલીએ વધુમાં કહ્યું હતું કે ‘આજકાલ હૉસ્પિટલોમાં પણ જ્યાં સુધી પૉઝિટિવ રિપોર્ટ ન આવે ત્યાં સુધી દરદીને ઍડ્મિટ કરતા નથી. આ સિવાય સરકારના આદેશને કારણે હવે મોટી ઑફિસોમાં, ઇન્ડસ્ટ્રીમાં, માર્કેટોમાં કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત થઈ ગયો છે, જેને કારણે લૅબ પર બોજો વધવો સ્વભાવિક છે. આમ છતાં લોકોને સમયસર રિપોર્ટ મળે એના માટે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.’

બોરીવલી (વેસ્ટ)ના બાભઈનાકા પાસે રહેતા દવાના એક મૅન્યુફૅક્ચરર ધર્મેશ મહેતાએ રિપોર્ટમાં થઈ રહેલા વિલંબના સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને કોવિડનાં લક્ષણો દેખાતાં પહેલાં હું હોમ-ક્વૉરન્ટીન થઈ ગયો હતો. ત્યાર બાદ ત્રણ દિવસ પહેલાં મેં કોવિડ ટેસ્ટ કરાવી હતી. એ જ સમયમાં મારા ૮૪ વર્ષના કાકા સિરિયસ થતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. મારે તેમની પાસે રહેવું જરૂરી હતું એટલે મેં લૅબને ફોન કરીને ઇમર્જન્સી દર્શાવી હતી, જેને પરિણામે મને ૨૪ કલાકને બદલે ૪૮ કલાકે ઓરલ રિપોર્ટ મળ્યો હતો. નહીંતર ક્યારે રિપોર્ટ મળ્યો હોત એની ખબર નહોતી.’

ગયા અઠવાડિયે કોરોનાના કેસ એક સમયે ૧૧,૦૦૦ સુધી ગયા બાદ દસ હજારની રૅન્જમાં રહેતા હતા ત્યારે સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થયો હતો. એમાં કહ્યું હતું કે આવતા બે દિવસ તમે કોવિડના દરદીઓમાં અચાનક ઘટાડો જોશો, કારણ કે બધી મોટી પ્રયોગશાળાઓમાં કામનો બોજો વધી ગયો હોવાથી તેમણે રવિવાર સુધી કોવિડ ટેસ્ટ બંધ કરી દીધી છે. જોકે, આ વાતને રદિયો આપતા ગયા અઠવાડિયે મુંબઈ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાઇરલ થયેલી વાતમાં કોઈ જ તથ્ય નથી. મુંબઈમાં રોજ ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. અમે બધી જ લૅબને મહાનગરપાલિકાએ નક્કી કરેલા સમયમાં કોવિડ ટેસ્ટનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. આમ છતાં કોઈની રિપોર્ટમાં વિલંબ થવાની ફરિયાદ હોય તો તેઓ ચોક્કસ અમારો સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે. અમે સંબંધિત લૅબ વિરુદ્ધ કાર્યવાહી કરીશું.’

આમ છતાં મોટી સંખ્યામાં લોકો રિપોર્ટ ન આવવાની તેમ જ ટેસ્ટ ન થતી હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. ગઈ કાલે પણ તમામ ટેસ્ટિંગ સેન્ટર પર લાંબી લાઇનો લાગી હતી. ગઈ કાલે શહેરમાં રોજના દસેક હજારની આસપાસ રહેતા નવા કેસોની સંખ્યામાં ત્રીસેક ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, નવા ૬,૯૦૫ કેસની સામે ૩૯,૩૯૮ ટેસ્ટ જ કરવામાં આવી હતી જે સુધરાઈના ઍડિશનલ કમિશનરના દાવાથી વિપરીત છે. આ બાબતે તેમનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.

રિપોર્ટ આવવામાં થતાં વિલંબ અને નવી ટેસ્ટમાં કરવામાં આવેલા ઘટાડા વિશે સ્પષ્ટતા કરવા માટે મુંબઈની પ્રતિષ્ઠિત લૅબોરેટરી મેટ્રોપોલિસ લૅબનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી જવાબ આવ્યો નહોતો.

coronavirus covid19 mumbai mumbai news rohit parikh