09 June, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવિનાશ ધોડી, અશોક ધોડી
દહાણુના શિવસેનાના પદાધિકારી અશોક ધોડીનું જાન્યુઆરી મહિનામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેનો મૃતદેહ કારમાં મૂકીને સંજાણ પાસે આવેલા સરીગામ પાસેની પથ્થરની ખાણના તળાવમાં ફેંકી દેવાયો હતો. આ કેસમાં પાલઘર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ગઈ કાલે પરોઢિયે પાંચ વાગ્યે કેસના મુખ્ય આરોપી અને અશોક ધોડીના સગા ભાઈ અવિનાશ ધોડીને સિલવાસાથી ઝડપી લીધો હતો. આ કેસમાં આ પાંચમી ધરપકડ થઈ હતી. હજી ત્રણ નાસતા ફરતા આરોપીઓને પોલીસ શોધી રહી છે.
પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ યતીશ દેશમુખે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ કેસના મુખ્ય આરોપી અવિનાશ ધોડીનો તેના મોટા ભાઈ અશોક સાથે જમીનને લઈને અને અવિનાશ ગેરકાયદે દારૂના ધંધામાં સંડોવાયેલો હતો એટલે આ બાબતોને લઈને લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. એથી આ હત્યા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. અવિનાશને હત્યા બાદ પોલીસે ઝડપી લીધો હતો, પણ તે પોલીસની કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ એ ઘટના સાથે સંકળાયેલા પોલીસ-કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને તેમની સામે ઇન્ક્વાયરી ચાલુ કરવામાં આવી હતી. કેટલાકને શોકૉઝ નોટિસ પણ આપવામાં આવી હતી.’
એ પછી અવિનાશને ઝડપી લેવા ૫૦ પોલીસ કર્મચારીઓની કેટલીક ટીમ તૈયાર કરવામાં આવી હતી. તેમણે પાંચ રાજ્યોમાં જઈને અવિનાશની શોધ ચલાવી હતી. ઘણીબધી ટેક્નિકલ માહિતી ભેગી કરવામાં આવી હતી અને ઝીણવટભરી તપાસ બાદ આખરે ગઈ કાલે સવારે તેને ગુજરાતના સિલવાસાથી ઝડપી લેવામાં આવ્યો હતો.’