Palghar Crime: માએ ચિકન લૉલિપૉપ તો ન આપ્યું પણ સાત વર્ષના દીકરાને જ.....

29 September, 2025 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Palghar Crime: બે સંતાનોએ મમ્મી પાસે ચિકન લૉલિપૉપ ખાવાની જીદ કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલી માએ બન્નેને વેલણ લઈને ઢોર માર માર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના પાલઘરમાંથી એક ચોંકાવનારા સમાચાર (Palghar Crime) સામે આવી રહ્યા છે. એક માતાએ પોતાના દીકરાને વેલણથી એટલો બધો ફટકાર્યો કે એના રામ રમી ગયા. પ્રાપ્ત અહેવાલોનુસાર બે સંતાનોએ મમ્મી પાસે ચિકન લૉલિપૉપ ખાવાની જીદ કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલી માએ બન્નેને વેલણ લઈને ઢોર માર માર્યો. જેમાં એક દીકરાએ જીવ ગુમાવ્યો છે. પોલીસે સાત વર્ષના છોકરાની માતાની ધરપકડ કરી છે. જે છોકરો મોતને ભેટ્યો છે એનું નામ ચિન્મય ધુમડે છે.

પાલઘરમાં (Palghar Crime) જૂના સતપતિ રોડ પર કાશીપાડા ખાતે ઘોડેલા કોમ્પ્લેક્સમાં શામ રીજેન્સી નામની બિલ્ડીંગમાં ૪૦ વર્ષીય પલ્લવી ધુમડે તેમના સંતાનો સાથે રહે છે. જેમાં તેને સાત વર્ષનો ચિન્મય નામનો દીકરો અને દસ વર્ષની લાવ્યા નામની દીકરી છે. પલ્લવીનું તેના પતિ જોડે જામતું નહોતું, આ જ કારણોસર તે પોતાના પતિથી દૂર આવીને રહેવા લાગી હતી. તે ભાયન્દરમાંથી પાલઘરના કાશીપાડામાં પોતાના સંતાનો ચિન્મય અને લાવ્યા સાથે આવીને રહેતી હતી. બન્યું એવું કે આ બન્નેએ પલ્લવી પાસે ચિકન લૉલિપૉપ ખાવાની જીદ પકડી હતી. પણ પલ્લવીબેને સંતાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હાલ નોરતાં ચાલી રહ્યા છે માટે ઉપવાસ છે. એટલે હમણાં ચિકન લૉલિપૉપ નહીં મળી શકે. પણ સંતાનોએ ચિકન લૉલિપૉપ ખાવાની જીદ પકડી જ રાખી. એટલે ગુસ્સે ભરાયેલ પલ્લવીબેને બંને બાળકોને વેલણ વડે ફટકારવાનું શરુ કર્યું. આ મારપીટમાં ચિન્મયને ગંભીર ઈજાઓ (Palghar Crime) થઇ હતી. ચિન્મયને પાલઘર જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો અને ત્યાં તેની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે સારવાર ચાલી રહી હતી તે સમયે ચિન્મયે દમ તોડી નાખ્યો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આરોપી પલ્લવી ધુમડે સામે પાલઘર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પલ્લવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાથી વિસ્તારમાં શોક ફેલાઈ ગયો છે.

વિસ્તારમાં લોકો વાતો કરી રહ્યા છે કે એક માતા પોતાના બાળકનો જીવ કેવી રીતે લઈ શકે? એ પણ માત્ર ચિકન લૉલિપૉપ માગ્યું એમાં તો માતાએ પોતાનાં સંતાનોને માર માર્યો. લોકોને એવો પ્રશ્ન થઇ રહ્યો છે કે શું પલ્લવી માનસિક રીતે બીમાર હતી કે શું? હાલમાં પોલીસે પલ્લવીને હથકડી પહેરાવીને પૂછપરછ (Palghar Crime) શરુ કરી છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. વધુ વિગતો હવે પછી સામે આવી શકે છે. પલ્લવીએ હાલ એ તો કબૂલી જ લીધું છે કે તેણે મારપીટ કરી હતી તેને લીધે જ તેના પુત્ર ચિન્મયનું મોત થયું છે. સ્થાનિક રહેવાસીઓ માને છે કે આ ઘટના પાછળ અન્ય કારણો હોઈ શકે છે. પોલીસ દ્વારા વિગતવાર તપાસ કર્યા પછી જ આ ઘટના પાછળનું સત્ય બહાર આવશે.

mumbai news mumbai palghar Crime News mumbai crime news mumbai police murder case maharashtra news