22 December, 2025 03:23 PM IST | Palghar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ (Vasai) પૂર્વમાં ૩૦ વર્ષીય મજૂરને છરીના ઘા મારીને હત્યા કરવાના આરોપમાં પોલીસ (Police) એ ૨૪ કલાકની અંદર ૨૮ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના પાલઘર (Palghar) જિલ્લામાં આ દુ:ખદ ઘટના બનાવથી આઘાત લાગ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુના પછી તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ જીવલેણ હુમલા પાછળનો હેતુ જાણવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
વસઈ ક્રાઈમ બ્રાન્ચ (Vasai Crime Branch) એ ૧૮ ડિસેમ્બરના રોજ થયેલા જીવલેણ હુમલાના સંબંધમાં ઝારખંડ (Jharkhand) ના વતની કુષ્નુ રામરાય હેમ્બ્રમની ધરપકડ કરી હતી, એમ મીરા-ભાયંદર (Mira-Bhayandar), વસઈ-વિરાર (Vasai-Virar) પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર (MBVV) અવિરાજ કુર્હાડેએ જણાવ્યું હતું.
અવિરાજ કુર્હાડેએ વધુમાં કહ્યું કે, વસઈ પૂર્વના ગૌરાઈપાડામાં એક ઔદ્યોગિક વસાહત નજીક ઝાડીઓમાં એક અજાણ્યો માણસ છરીના અનેક ઘા સાથે મળી આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. વાલીવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો, અને પીડિતની ઓળખ બાદમાં ટાટા કિર્સુન હેમ્બ્રમ (ઉંમર ૩૦ વર્ષ) તરીકે થઈ હતી, જે ગોલાની, વસઈ પૂર્વમાં રહેતો મજૂર હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકને છેલ્લે ૧૭ ડિસેમ્બરની રાત્રે તેના વતન ગામના એક વ્યક્તિ સાથે જોવામાં આવ્યો હતો.
આ માહિતીના આધારે, પોલીસ ટીમે વસઈ પૂર્વના ચિંચપાડા (Chinchpada) થી શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી, એમ અધિકારીએ જણાવ્યું.
વધુમાં અવિરાજ કુર્હાડેએ જણાવ્યું કે, ‘પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલ આરોપી ટાટા કિર્સુન હેમ્બ્રમે સ્વીકાર્યું કે તેણે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને કારણે પીડિતાના ચહેરા, ખભા અને ગરદન પર વારંવાર દાતરડાથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કજરી હતી.’
બીજા એક કેસમાં, પાલઘર જિલ્લાના વસઈમાં નેપાળના રહેવાસી એક વ્યક્તિની તેના ભાઈની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સૂરજ મોહન બહાદુર નેપાળી (૩૦) એ ગુરુવારે નાના વિવાદ બાદ તેના ભાઈ યોગેશ મોહન બહાદુર નેપાળી (૩૫) પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું, એમ સહાયક પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાલે જણાવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, બંને નેપાળના ભાનુમતી જિલ્લાના વતની છે અને વસઈ પૂર્વના સતીવલીમાં રહેતા હતા. બંને સ્થાનિક હોટલમાં કામ કરતા હતા. પોલીસે ગુનાના બે કલાકમાં સૂરજ મોહનની ધરપકડ કરી હતી જ્યારે તે નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. પેલ્હાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.