05 September, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સફાળેમાં રહેતી ૨૫ વર્ષની ગર્ભવતી યુવતી ડિલિવરી માટે સફાળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી. ડિલિવરીમાં કૉમ્પ્લીકેશનની સંભાવના લાગતાં આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરે યુવતીને પાલઘરની મોટી હૉસ્પિટલમાં જવાની સલાહ આાપી હતી. વિધિ સામ્બરે નામની આ યુવતીને સોમવારે વહેલી સવારે ૨.૫૦ વાગ્યે પાલઘરની હૉસ્પિટલમાં લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. રસ્તામાં જ મહિલાની પ્રસૂતિની પીડા વધી જતાં ઍમ્બ્યુલન્સમાં હાજર મેડિકલ ઑફિસર ડૉ. રુખસાના શૌખે ચાલતી ઍમ્બ્યુલન્સમાં જ યુવતીની ડિલિવરી કરવી હતી. મમ્મી અને દીકરી બન્ને સ્વસ્થ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ બનાવને લીધે પાલઘર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અંગે પ્રશ્ન ઊભો થયો છે. અગાઉ પણ પાલઘર જિલ્લામાં ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જતી વખતે ડિલિવરી થઈ હોય એવા કિસ્સા નોંધાયા છે. એ અંગે આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે સ્પષ્ટ સૂચના આપી છે કે ગર્ભવતી મહિલાઓને છેલ્લા તબક્કામાં મોટી હૉસ્પિટલોમાં મોકલવી નહીં, તેમના જીવનું જોખમ ઊભું થાય છે. એમ છતાં હજી આવા બનાવો બનવા ચિંતાનો વિષય છે.