મહારાષ્ટ્ર કૉન્ગ્રેસનું સુકાન રાહુલ ગાંધીના વિશ્વાસુને આપવાની વકી

09 January, 2021 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસનું સુકાન રાહુલ ગાંધીના વિશ્વાસુને આપવાની વકી

બાળાસાહેબ થોરાત, રાજીવ સાતવ

મુંબઈમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ બદલ્યા બાદ હવે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ બદલવા બાબતે પક્ષમાં હિલચાલ ચાલી રહી છે, કારણ કે અત્યારના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે દિલ્હીમાં સંગઠન જનરલ સેક્રેટરી વેણુગોપાલની મુલાકાત લઈને રાજીનામું આપવાની વાત કરી છે. બાળાસાહેબ થોરાતનું રાજીનામું સ્વીકારાય તો મહારાષ્ટ્રમાં પક્ષ કોને કૅપ્ટન બનાવશે એના પર સૌની નજર છે. મરાઠા અને દલિત બેમાંથી એક વર્ગના તથા રાહુલ ગાંધીના નજીકના હોય એવા નવા પ્રદેશાધ્યક્ષ થવાની શક્યતા છે. રાજ્યસભાના સભ્ય ૪૬ વર્ષના રાજીવ સાતવ હોવાથી તેમનું નામ સૌથી ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું હતું.

બાળાસાહેબ થોરાત પાસે એકસાથે ત્રણ મોટી જવાબદારી છે. મહેસૂલ ખાતું, પ્રદેશાધ્યક્ષ અને વિધાનસભામાં પક્ષના ગ્રુપ લીડર. તેમના ભાણેજ સત્યજિત તાંબે પાસે યુવા કૉન્ગ્રેસ અધ્યક્ષપદની જવાબદારી છે. આથી કેટલાક કૉન્ગેસી નેતાઓમાં નારાજગી છે. એક જ પરિવાર પાસે આટલા પદ યોગ્ય ન હોવાનું તેમનું માનવું છે. આ વાત સમજીને બાળાસાહેબ થોરાતે પ્રદેશાધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. થોરાતનું રાજીનામું સ્વીકારાય તો તેમની જગ્યાએ વિદર્ભના નેતા વિધાનસભા અધ્યક્ષ નાના પાટોલે, વિદર્ભના જ પ્રધાન વિજય વડેટ્ટીવાર, નીતિન રાઉત અને યશોમતી ઠાકુરના નામની પણ ચર્ચા ચાલી રહી છે. પક્ષમાં આ વખતે પ્રદેશાધ્યક્ષ મરાઠવાડામાંથી બનાવવાની ચર્ચા છે. અહીંથી અમિત દેશમુખ અને માલી સમાજમાંથી આતા રાજીવ સાતવના નામ ચાલી રહ્યા છે.

રાહુલ ગાંધી એકાદ દિવસમાં વિદેશથી આવી જવાની શક્યતા છે. રાજીવ સાતવ યુવા નેતા છે. રાહુલ ગાંધી પક્ષપ્રમુખ બનશે તો રાજીવ સાતવને મહારાષ્ટ્રમાં મોકો મળી શકે છે. મુંબઈ અધ્યક્ષ મરાઠા નેતા ભાઈ જગતાપને સોંપાયું હોવાથી બીજા મરાઠા નેતાને મહત્ત્વનું પદ સોંપાવાની શક્યતા ઓછી હોવાનું જાણવા મળ્યું છે.

mumbai mumbai news maharashtra congress