ઘૂંટણનો દુખાવો દૂર કરવા જતાં થયું ફ્રૉડ

07 December, 2022 11:57 AM IST  |  Mumbai | Mehul Jethva

જલદી ઇલાજ કરવાના નામે અંધેરીના ૭૨ વર્ષના સિનિયર સિટિઝન સાથે બોગસ ડૉક્ટર અને તેના સાથીઓએ કરી ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

અંધેરીમાં રહેતા ૭૨ વર્ષના સિનિયર સિટિઝન સાથે ઘૂંટણનો દુખાવો દૂર કરવા પગમાંથી ખરાબ લોહી કાઢી આપવાના નામે નકલી ડૉક્ટર અને તેના સાથીઓએ ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સિનિયર સિટિઝન જલદી સ્વસ્થ થવા માગતા હોવાથી તેમણે પોતાની એફડી તોડીને આરોપીઓને પૈસા ચૂકવ્યા હતા. જોકે ઇલાજ પછી પણ સારું ન થતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી તેમના ધ્યાનમાં આવી હતી. એ પછી તેમણે આંબોલી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

અંધેરી-વેસ્ટમાં ન્યુ લિન્ક રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષના સંતોષ ટેકચંદાણીએ કરેલી ફરિયાદ અનુસાર તેમને થોડા મહિના પહેલાં ઘૂંટણની પરેશાની થઈ હતી. એ પછી તેમને વારંવાર દુખાવો થતો હતો. આશરે બે મહિના પહેલાં તેઓ અંધેરી વિસ્તારમાં મૉર્નિંગ વૉક માટે ગયા હતા. ત્યારે ચાલતી વખતે એક યુવક તેમની પાસે આવ્યો અને કહ્યું કે તમે લંગડાતા કેમ ચાલો છો? પછી તે યુવાને કહ્યું કે મારા પિતાને પણ આવી જ પરેશાની હતી, હું તમને એક ડૉક્ટરનો નંબર આપું છું તેમને મળો. એમ કહીને તેણે ડૉ. આર. થાણાવાલાનો નંબર આપ્યો હતો. ફરિયાદીએ એ નંબર પર ફોન કરીને ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. એ પછી ડૉ. થાણાવાલા તેમના ઘરે આવીને તેમને મળ્યો હતો. તેની સાથે અન્ય એક સાથી પણ હતો. ડૉક્ટરે સિનિયર સિટિઝનને તપાસ્યા બાદ કહ્યું હતું કે તમારા શરીરમાં સફેદ લોહી છે જેને દૂર કરવાની જરૂર છે. એ માટે તૈયાર થયેલા સિનિયર સિટિઝને ઇલાજ માટે ૧૦.૧૦ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ તેમને દવા પણ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે એ દવા લીધા પછી તેઓ જલદી સાજા થઈ જશે. દવા લીધા પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો એટલે તેમણે ડૉક્ટરને ફોન કર્યો ત્યારે તેમનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ સિનિયર સિટિઝન ડૉક્ટરના ઘરના સરનામે ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે આ નામનો કોઈ ડૉક્ટર ત્યાં રહેતો જ નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે ડૉ. આર. થાણાવાલા, સમીર મહેતા અને ઇમરાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

આંબોલી પોલીસ સ્ટેશન સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ પોતાનો ઇલાજ જલદી થાય એ માટે પોતાની એફડી તોડાવી હતી અને આરોપીઓને પૈસા આપ્યા હતા. હાલમાં અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news andheri mehul jethva