હવે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ફરી આરોગ્ય અને પોલીસની ટીમો તહેનાત

06 December, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસના સહયોગથી તૈનાત કરવામાં આવેલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ફફડાટ ફેલાયો છે, ત્યારે અગમચેતીના પગલાં રૂપે રાજ્યોએ દ્વારા ફરી બોર્ડર પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એવા સમયે ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટો પર વાહનોમાં ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાની ભીલાડ ચેકપોસ્ટ નજીક પણ આરોગ્ય વિભાગની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.

પોલીસના સહયોગથી તૈનાત કરવામાં આવેલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મુંબઇ અને મહારાષ્ટ્ર  સહીત  વિદેશથી જે પ્રવાસીઓ રોડ માર્ગે  ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે.  તેવા પ્રવાસીઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રવેશતા લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની  નોંધ કરવામાં આવી રહી છે.

સાથે જ રાજ્યમાં પ્રવેશતા લોકોનું  મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે લોકોમાં કોરોનાના સંકાસ્પદ લક્ષણો જણાય, તેમને આરટીપીસીઆર  ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તેઓએ રસી લીધી છે કે કેમ, તે પણ તપાસવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે પ્રથમ લોકડાઉનથી જ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તહેનાત કરવામાં આવી હતી.

જોકે, કોરોનાના કેસ ઓછા થતા ચેક પોસ્ટ પરથી આરોગ્ય વિભાગની ટીમોને  હટાવી લેવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત હવે ઓમિક્રોન વેરિયન્ટને કારણે સલામતી અને સાવચેતીના  ભાગરૂપે ફરી એક વખત ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો મોકલવામાં આવી છે.

gujarat news gujarat maharashtra