કોઈએ સીએએ, એનપીઆરથી ડરવાની જરૂર નથીઃ ‍ઉદ્ધવ ઠાકરે

22 February, 2020 07:54 AM IST  |  Mumbai

કોઈએ સીએએ, એનપીઆરથી ડરવાની જરૂર નથીઃ ‍ઉદ્ધવ ઠાકરે

પીએમ મળ્યા સીએમને: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ ગઈકાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસવીર : પીટીઆઈ)

કોઈએ પણ સીએએથી ડરવાની જરૂર નથી અને એનપીઆર કોઈને દેશની બહાર નહીં કાઢી મૂકે તેમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યા બાદની ઠાકરેની મોદી સાથેની આ પ્રથમ મુલાકાત હતી. શિવસેના અગાઉ બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએનો એક ભાગ હતી, પરંતુ ભગવા પક્ષ સાથે છેડો ફાડ્યા બાદ એણે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ અને નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે ‘મહા વિકાસ આઘાડી’ સરકારની રચના કરી હતી.

‘મહારાષ્ટ્રને લગતા પ્રશ્નો અંગે મારે વડા પ્રધાન સાથે સારીએવી ચર્ચા થઈ હતી. મેં વડા પ્રધાન સાથે સીએએ, એનપીઆર તથા એનઆરસી મુદ્દે ચર્ચા કરી હતી. કોઈએ પણ સીએએથી ડરવાની જરૂર નથી. એનપીઆર કોઈને પણ દેશમાંથી બહાર નહીં હાંકી કાઢે,’ એમ ઠાકરેએ વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે વડા પ્રધાને તેમને મહારાષ્ટ્ર સરકારને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સોનિયા સાથે પણ ઉદ્ધવ ઠાકરેની મીટિંગ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શુક્રવારે સોનિયા ગાંધીને દિલ્હીમાં મળ્યા હતા અને દેશમાં તાજેતરમાં ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિઓની ચર્ચા કરી હતી. બંને વચ્ચે સીએએ, એપીઆર અને એનઆરસી બાબતે પણ ચર્ચા થઇ હતી.
ઉદ્ધવ ઠાકરે સોનિયા ગાંધીને તેમના ૧૦ જનપથ સ્થિત ઘરે મળ્યા હતા. મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા પછી બંને વચ્ચેની આ પહેલી મુલાકાત હતી જે અંદાજે અડધો કલાક ચાલી હતી. મીટિંગમાં એઆઇસીસીના મહામંત્રી મલિક્કાર્જુન ખડગે, શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલી સીએએ અને એનપીઆરની તરફેણના કારણે વિવાદ સર્જાયો હતો કારણ કે, કોન્ગ્રેસ અને એનસીપી આ બીલના વિરોધમાં છે.

uddhav thackeray aaditya thackeray narendra modi shiv sena bharatiya janata party mumbai news caa 2019