નિર્ભયા પથકે હવે પ્રેગ્નન્ટ મહિલાની રોડ પર ડિલિવરી કરાવીને કરી મદદ

18 October, 2021 11:46 AM IST  |  Mumbai | Mehul Jethva

બાળક અડધું બહાર આવી ગયું હતું એવી ગર્ભવતી મહિલા રોડ પર પીડાતી દેખાતાં ગણતરીની મિનિટોમાં આવી પહોંચેલી આ ટીમે ત્યાં જ કરાવી સુવાવડ

બાળક અને તેની માતાની સાથે તેમને હૉસ્પિટલમાં લઈ જનાર મહિલા કૉન્સ્ટેબલ

મુંબઈ પોલીસે મહિલાઓની મદદ માટે બનાવેલું નિર્ભયા પથક કેટલું સારું કામ કરી રહ્યું છે કે એનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આગ્રીપાડા વિસ્તારમાં એક પ્રેગ્નન્ટ મહિલા રોડ પર પીડાતી દેખાતાં એક માણસે પોલીસને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં આવી પહોંચેલી નિર્ભયા પથકની મહિલા કૉન્સ્ટેબલે મહિલાની ડિલિવરી રોડ પર જ કરાવી હતી. ત્યાર બાદ અન્ય અધિકારીઓએ એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. હાલમાં બાળક અને તેની માતા બન્ને તંદુરસ્ત હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

શનિવારે વહેલી સવારે આગ્રીપાડા વિસ્તારમાં આવેલા ડી-માર્ટની બહાર ફુટપાથ પર એક મહિલા પેટમાં દુખાવો થવાથી પીડાઈ રહી હતી. તે જોર-જોરથી ચીસો પાડતી હોવાથી એક મહિલાની તેના પર નજર પડી હતી. તેણે સવારે અન્ય કોઈ મદદ માટે ન દેખાતાં તરત જ પોલીસને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે આવેલા અધિકારીઓને માલૂમ થયું હતું કે મહિલા પ્રેગ્નટ છે અને તેની ડિલિવરી થઈ રહી છે. એ પછી મહિલા કૉન્સ્ટેબલે તરત જ નિર્ભયા પથકની એક મહિલાના ડ્રેસના દુપટ્ટાથી તે મહિલાને ઢાંકી દીધી હતી. એ દરમ્યાન બીજી એક કૉન્સ્ટેબલ ચોખ્ખું કપડું બાજુમાંથી લઈ આવી હતી અને બાળકને એમાં વીંટાળી દીધું હતું. જોકે મહિલા અને બાળક વચ્ચે નાળ બાંધેલી હોવાથી અન્ય એક કૉન્સ્ટેબલે ઍમ્બ્યુલન્સને ઇન્ફોર્મ કરતાં તરત મહિલાને એ જ અવસ્થામાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

નિર્ભયા પથકની આગ્રીપાડા પોલીસ સ્ટેશનની કૉન્સ્ટેબલ પિન્કી નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું તો કામ જ બધાને મદદ કરવાનું છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાનું બાળક અડધું બહાર આવી ગયું હતું. એવી અવસ્થામાં તેમને હૉસ્પિટલમાં પહોંચાડવાં મુશ્કેલ હતું એટલે અમે તેની ત્યાં જ ડિલિવરી કરાવી હતી. એ માટે અમને જાણકારી હતી એટલી તેને મદદ કરી. અમે હૉસ્પિટલમાં પણ ઇન્ફોર્મ કર્યું હતું. બાળક બહાર આવી ગયા પછી તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર પછી આગળનો ઇલાજ ડૉક્ટરે કર્યો હતો.’

આગ્રીપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સાઇરામ કોનગાંવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા કૉન્સ્ટેબલે સરાહનીય કાર્ય કર્યું છે. તેમણે મહિલાની હાલત જોતાં તેમનાથી બધી જ મદદ કરી હતી. હાલમાં બાળક અને મહિલાની હાલત સારી છે.’

mumbai mumbai news mumbai police mehul jethva