કરફ્યુનો કકળાટ

10 January, 2022 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંક્રમણ અને મોટી ઉંમરના જવાનો વર્ક ફ્રોમ હૉમ કરી રહ્યા હોવાથી એને અમલમાં કઈ રીતે મૂકવો એની પોલીસના જવાનોમાં અસ્પષ્ટતા, જોકે પોલીસના જ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે ચિંતાની જરૂર નથી, પહેલી બે લહેરમાં પણ અમે આ કામ સિફતપૂર્વક પાર પાડ્યું છે

કરફ્યુમાં ડ્યુટી બજાવી રહેલ પોલીસ અધિકારી

આજે રાત્રે ૧૧ વાગ્યાથી શહેરમાં નાઇટ કરફ્યુ અમલમાં આવી રહ્યો છે ત્યારે ખુદ મુંબઈ પોલીસના જવાનો દ્વિધામાં છે કે તેઓ આ આદેશને અમલમાં કઈ રીતે મૂકશે. એનું કારણ એ છે કે અત્યારે મુંબઈ પોલીસના સંખ્યાબંધ જવાનો કોરોનાની ચપેટમાં છે તેમ જ તેમના સંપર્કમાં આવેલા જવાનો આઇસોલેશનમાં છે. એટલું ઓછું હોય એમ રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે ૫૫ વર્ષની ઉપરના જવાનોને વર્ક ફ્રોમ હૉમ આપી દીધું હોવાથી રાતના લોકો પાસે કરફ્યુનું સખતાઈથી પાલન કરાવવા લિમિટેડ વર્ક ફોર્સે તેમની ચિંતા વધારી દીધી છે. 
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘નવા આદેશ મુજબ અમારે રાત્રે દસ વાગ્યે હોટેલો બંધ કરાવવાની છે તેમ જ રસ્તા પર લોકો નથી નીકળી રહ્યાને એનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે હજી સુધી અમને કોઈને આ બાબતે કંઈ કહેવામાં નથી આવ્યું. અત્યારે તો અમે નાઇટની ટીમ જેમ રાઉન્ડ અપ પર નીકળતી હોય છે એ રીતના પેટ્રોલિંગ કરવાનું નક્કી કર્યું છે. કોઈ સ્પેશ્યલ ઇન્સ્ટ્રક્શન નથી.’
રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું હતું કે ‘કોરોનાના નિયમોનું પાલન નહીં કરનારાઓ પાસેથી વધુ દંડ વસૂલ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. હાલમાં માસ્ક ન પહેરનારાએ ૫૦૦ રૂપિયા અને જાહેરમાં થૂકનારાએ ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડે છે, પણ જો લોકોના વલણમાં કોઈ બદલાવ ન આવ્યો હોય તો એવા લોકો સામે એફઆઇઆર દાખલ કરવાની સાથે દંડની ઊંચી રકમ પણ વસૂલ કરવાનું અમે નક્કી કર્યું છે. એ માટે હું મારા કૅબિનેટના સાથીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યો છું.’
બીજા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘અમને સ્પેશ્યલ કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં નથી આવ્યું, પણ દંડની સાથે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ, ૨૦૦૫ની કલમ અને ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધવામાં આવશે.’
જોકે આ બાબતે મુંબઈ પોલીસના ડીસીપી સંગ્રામ સિંહ નિશાનદારે ‘મિડ-ડે’ને કહ્યંણ હતું કે ‘પહેલી અને બીજી લહેર વખતે અમે આ પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી હોવાથી આ વખતે પણ વાંધો નહીં આવે. આ બાબતની દરેક પોલીસ સ્ટેશનને ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવ્યું છે અને તેઓ આ કામ બખૂભી નિભાવશે.’

42,000
આ છે મુંબઈ પોલીસના કુલ જવાનોની સંખ્યા

coronavirus covid19 lockdown mumbai mumbai news mumbai police