10 July, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ (Navi Mumbai)ના રહેવાસીને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ડરાવીને આશરે ૧.૫૫ કરોડ રૂપિયા પડાવી લેવાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કમાં (Navi Mumbai Digital Arrest Scam) સામેલ ૨૪ વર્ષીય યુવકની ગુજરાત (Gujarat)માંથી ધરપકડ કરવામાં આવી છે, તેમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
આરોપીની ઓળખ ઉમંગ વિજયભાઈ લાકોડ તરીકે થઈ છે, જેની નવી મુંબઈ પોલીસ (Navi Mumbai Police)ની તપાસ બાદ ૩ જુલાઈના રોજ વડોદરા (Vadodara)થી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલો ઉમંગ ઓનલાઈન ફ્રોડ ઓપરેશન ચલાવતા સાયબર ગુનેગારોને સિમ કાર્ડ એક્ટિવેટ કરીને સપ્લાય કરવામાં મદદ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ કથિત રીતે ૧,૦૦૦થી વધુ સિમ કાર્ડ એક્ટિવેટ કરીને કંબોડિયા (Cambodia) મોકલ્યા હતા, જ્યાં તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ (Cyber Crime)ને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો.
નવી મુંબઈ પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર વ્યક્તિને આ વર્ષે ૨૩ માર્ચથી ૩૧ માર્ચની વચ્ચે નિશાન બનાવવામાં આવી હતી. છેતરપિંડી કરનારાઓએ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (Anti-Terrorism Squad - ATS)ના અધિકારીઓ હોવાનો ડોળ કરીને વોટ્સએપ (WhatsApp) અને સિગ્નલ (Signal) એપ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો.
આરોપીઓએ ભોગ બનનારના મનમાં ડર પેદા કરવા અને પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ લાવવાના હેતુથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India - RBI)ના નામ અને લોગોવાળો એક નકલી પત્ર અને એક નકલી ધરપકડ વોરંટ મોકલ્યું હતું.
પોલીસ યાદીમાં જણાવ્યા અનુસાર, ‘છેતરપિંડી કરનારાઓએ વીડિયો કોલ દ્વારા ભોગ બનનારને `ડિજિટલ અરેસ્ટ` હેઠળ રાખીને ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું હતું. કાનૂની પરિણામોથી `બચાવવા` માટે, તેઓએ અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો આપી અને ભોગ બનનારને રુપિયા ૧,૫૪,૯૮,૦૦૦ની મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે મજબૂર કર્યા હતા.’
આ છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા વોટ્સએપ એકાઉન્ટ્સ, સિગ્નલ પ્રોફાઇલ્સ અને મોબાઈલ નંબરોના ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન પછી, પોલીસે ઉમંગ લાકોડનું લોકેશન ગુજરાતમાં ટ્રેસ કર્યું અને વડોદરાથી તેની ધરપકડ કરી.
પોલીસે તેની પાસેથી વિવિધ ટેલિકોમ કંપનીઓના ૩૪૭ સિમ કાર્ડ પાઉચ, ત્રણ મોબાઈલ ફોન, બે ડેબિટ કાર્ડ, છ ચેકબુક, એક પાસબુક અને બે આધાર કાર્ડ રિકવર કર્યા છે.
તપાસકર્તાઓએ જણાવ્યું કે, ઉમંગ કથિત રીતે તે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ એક્ટિવેટ કરતો હતો જેનો ઉપયોગ પાછળથી છેતરપિંડી કરનારાઓ પીડિતોનો સંપર્ક કરવા માટે કરતા હતા. આ ઉપકરણો અને સિમ કાર્ડ્સ એક મોટા સાયબર ક્રાઈમ ઓપરેશનના ભાગરૂપે કંબોડિયા મોકલવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં તેણે ૧,૦૦૦ થી વધુ સિમ કાર્ડ ત્યાં મોકલ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સત્તાવાળાઓએ લોકોને મેસેજિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા વપરાશકર્તાઓ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી છે.
પોલીસે નાગરિકોને સલાહ આપી છે કે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર સરળ કમાણી, ઓનલાઈન અસાઇનમેન્ટ અથવા રોકાણ પર અસાધારણ ઊંચા વળતરની ખાતરી આપતા શંકાસ્પદ મેસેજનો જવાબ ન આપવો કે કોઈ ફાઈલ ડાઉનલોડ ન કરવી. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને છે, તો તેણે તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ અથવા રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તેની જાણ કરવી જોઈએ.