મર્ડરનો આરોપી જેલમાં, તેના બર્થ-ડેનાં હોર્ડિંગ્સ આખા કલ્યાણ-ડોમ્બિવલીમાં

30 July, 2021 08:33 AM IST  |  Mumbai | Mehul Jethva

૧૫ ગુનાના આરોપી ધર્મેશ શાહને જન્મદિન વિશ કરતાં હોર્ડિંગ્સ લાગ્યા પછી મહાનગપાલિકાની ઊંઘ ઊડી : હોર્ડિંગ્સ તો કાઢ્યાં, સાથે પોલીસ ફરિયાદ પણ કરી

કલ્યાણના એક બસ-સ્ટૉપ પર લાગેલું ગુજરાતી આરોપી ધર્મેશ શાહનું હોર્ડિંગ

મર્ડર, હાફ મર્ડર અને ખંડણી જેવા ૧૫ ગુનાઓમાં આરોપી અને હાલમાં થાણે જેલમાં બંધ કલ્યાણના ગુજરાતી ધર્મેશ શાહ ઉર્ફે નન્નુના બર્થ-ડે પર તેના સમર્થકોએ કલ્યાણ-ડોમ્બિવલીમાં વીસથી વધારે જગ્યાએ જન્મદિવસની શુભેચ્છા આપતાં હોર્ડિંગ્સ લગાવતાં એનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ પણ આવા આરોપીનાં શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ લાગતાં એને કાઢી નાખવાનો આદેશ આપીને ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવા બદલ બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આખા પ્રકરણમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ધર્મેશ આરોપી હોવા છતાં કલ્યાણ-ડોમ્બિવલીના યુવાનોમાં તેનું ફૅન-ફૉલોઇંગ જબરદસ્ત છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં બસ-સ્ટૉપ, રેલવે સ્ટેશનની બહાર તેમ જ માર્કેટ જેવા વિસ્તારોમાં આ આરોપીને શુભેચ્છા આપતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં.

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં જિજ્ઞેશ ઠક્કર નામની એક વ્ય‌ક્તિની હત્યાના આરોપસર ધર્મેશ અત્યારે થાણે જેલમાં છે. આ સિવાય તેના પર મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં બીજા ૧૪ કેસ છે. ધર્મેશ શાહે પોતાની ધાક અકબંધ રાખવાના ઇરાદાથી પોતાના મળતિયાઓ પાસે હોર્ડિંગ્સ લગાવ્યાં હોવાની પોલીસને શંકા છે. જોકે અમુક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા નાગરિકોએ એનો વિરોધ કરતાં એને કાઢી નાખવામાં આવ્યાં હતાં અને હોર્ડિંગ્સ લગાડનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

બાઝારપેઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર આહિરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓની વિના પરવાનગી હોર્ડિંગ્સ લગાડવા અંગેની ફરિયાદ આવી હતી. એના આધારે અમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હોર્ડિંગ્સ લગાડવા પાછળ કોણ છે એની તપાસ હાથ ધરાઈ છે. જે આરોપીના બર્થ-ડેનું હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું તેના પર મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધાયેલો છે.’

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યં  હતું કે ‘નાગરિકોની ફરિયાદ બાદ કલ્યાણમાંથી મોટા ભાગનાં હોર્ડિંગ્સ અમે ઉતારી દીધાં છે. આ હોર્ડિંગ્સ મારફત આરોપી પોતાની દહેશત વધારવા માગતો હોવાનું અમારા ધ્યાનમાં આવતાં તેમ જ એ પરવાનગી વગર લગાવવામાં આવ્યાં હોવાથી અમે એની પોલીસમાં ફરિયાદ કરી હતી.’

mumbai mumbai news kalyan dombivli mehul jethva