જ્યાં સંયમ લીધો ત્યાં જ સમાધિ

06 August, 2022 10:58 AM IST  |  Mumbai | Rohit Parikh

મુનિશ્રી વિકસ્વરવિજયજી મહારાજસાહેબે જે ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં સંયમ ગ્રહણ કર્યો તેમના જ સાંનિધ્યમાં કાળધર્મ પામ્યાની વિરલ ઘટના

મુનિશ્રી વિકસ્વરવિજયજી મહારાજસાહેબની ગઈ કાલે મુલુંડના રાજમાર્ગો પરથી નીકળેલી પાલખીયાત્રા

મૂળ ધોલેરા-સાણંદના ઘાટકોપરમાં રહેતા વિનોદ બાબુલાલ શાહ અને જ્યોતિકા વિનોદ શાહને તેમના નાના એન્જિનિયર પુત્રએ સંયમમાર્ગ ગ્રહણ કર્યાનાં પાંચ વર્ષ પછી સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગ અપનાવવાના ભાવ થયા અને ૬૩ વર્ષની આસપાસ પહોંચેલા વિનોદભાઈએ અને તેમનાં પત્નીએ દીક્ષા ગ્રહણ કરી હતી. બીએ ગ્રૅજ્યુએટ વિનોદભાઈની દીક્ષા ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના સોમવારે મુલુંડ-વેસ્ટમાં આવેલા શ્રી મુલુંડ જૈન સંઘના નેજા હેઠળ થઈ હતી. એ સમયે તેમને રજોહરણ અત્યારે ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિપદ પર બિરાજમાન જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે આપવામાં આવ્યો હતો. સંયમમાર્ગ ગ્રહણ કર્યા બાદ વિનોદભાઈ જૈનાચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય બનીને મુનિ શ્રી વિકસ્વરવિજયજી મહારાજસાહેબ બન્યા હતા. ત્યાર પછી તેમની વડી દીક્ષા ૧૧ માર્ચ ૨૦૦૨ના મલાડમાં થઈ હતી એ વડી દીક્ષા પણ જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે જ આપવામાં આવી હતી.  

આ ચોમાસામાં તેઓ ડોમ્બિવલીની પાંડુરંગવાડીના જૈન સંઘમાં બિરાજમાન હતા. પંદર દિવસ પહેલાં મુનિ શ્રી વિકસ્વરવિજયજી મહારાજસાહેબ અચાનક પડી જતાં તેમના પગના થાપામાં ફ્રૅક્ચર આવતાં થાપાનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી તેમને શરદી અને લન્ગ્ઝ ઇન્ફેકશન થતાં ડોમ્બિવલીની નોબલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા. એ પછી તેમને બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. ત્યાં તેમની તબિયત વધુ લથડતાં ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખવાની સલાહ આપી હતી. જોકે ત્યાર પછી પણ તેમને મલ્ટિપલ પ્રૉબ્લેમ્સ હોવાથી ડોમ્બિવલી ઉપાશ્રયમાં પાછા લઈ જવાનું પરિવારજનો અને ડોમ્બિવલી જૈન સંઘ વિચારી રહ્યો હતો.  

આ બાબતની માહિતી આપતાં કૃપાબિંદુ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ અને આચાર્ય શ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજસાહેબનું ચાતુર્માસ અત્યારે મુલુંડના ઝવેર રોડ પર આવેલા જૈન સંઘમાં છે. તેમણે મુનિશ્રી વિકસ્વરવિજયજી મહારાજસાહેબને મુલુંડના જૈન સંઘના ઉપાશ્રયમાં લાવવા કહ્યું હતું. આથી અમે લીલાવતી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને તેમને મુલુંડ જૈન ઉપાશ્રયમાં લઈ ગયા હતા. ત્યાં ગચ્છાધિપતિ અને અન્ય જૈનાચાર્યો સહિત ૫૦થી વધુ સાધુભગવંતોની વચ્ચે ગુરુવારે રાતના ૭.૪૨ વાગ્યે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.’

આજે ગુણાનુવાદ સભા
મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન સંઘમાં આજે સવારે ૭.૧૫થી ૮.૩૦ વાગ્યા સુધી ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ શ્રી આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ અને આચાર્ય મુક્તિવલ્લભવિજયજી મહારાજસાહેબની નિશ્રામાં મુનિશ્રી વિકસ્વરવિજયજી મહારાજસાહેબની ગુણાનુવાદ સભા યોજવામાં આવી છે. 

mumbai mumbai news mulund rohit parikh