પાલઘરમાં મહિલાની અંતિમક્રિયા બાબતે પુત્રો વચ્ચે ખેંચતાણ

22 November, 2020 10:05 AM IST  |  Thane | Agency

પાલઘરમાં મહિલાની અંતિમક્રિયા બાબતે પુત્રો વચ્ચે ખેંચતાણ

પ્રતીકાત્મક તસવીર

થોડાં વર્ષો પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર એક મહિલાનું તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘરમાં અવસાન થયા બાદ તેના એક પુત્રએ તેની દફનવિધિ કરી હતી, તો બીજા પુત્રએ હિન્દુ વિધિ અનુસાર તેની પ્રતીકાત્મક અંતિમક્રિયા કરી હતી.

મહિલાના એક પુત્રએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, તો બીજો પુત્ર હિન્દુ ધર્મને અનુસરે છે આથી મહિલાની અંતિમવિધિના મુદ્દે બન્ને ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી.

૬૫ વર્ષના ફુલઈ ધાબડેનું ૧૮ નવેમ્બરે અવસાન થયું હતું. ફુલઈબાઈએ પતિ મહાડુ અને નાના પુત્ર સુધને થોડાં વર્ષો અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, જ્યારે મોટા પુત્ર સુભાષ હિન્દુ ધર્મને વળગી રહ્યો હતો, એમ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દિલીપ પવારે જણાવ્યું હતું.

બન્ને પુત્રોએ માતાની અંતિમવિધિ તેમના ધર્મની પરંપરા અનુસાર કરવાનો આગ્રહ રાખ્યો હતો, જેના કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો. વિશાળ સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હોવા છતાં બન્નેમાંથી એક પણ ભાઈ નમતું જોખવા તૈયાર ન હતો.

મામલાની ગંભીરતા પારખીને પોલીસ તંત્ર અને ગ્રામજનો વચ્ચેના મધ્યસ્થ ‘પોલીસ પાટીલે’ વાડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

પોલીસ અધિકારી સુધીર સાંખેએ મૃતકના પરિવારજનો સાથે વાત કરી હતી અને મૃતક મહિલાની અંતિમવિધિ ખ્રિસ્તી ધર્મ અનુસાર કરવાનું નક્કી થયું હતું અને મૃતદેહને વસઈ નજીકના પાચુ ટાપુ ખાતે દફન કરાયો હતો.

જોકે બીજો પુત્ર આ નિર્ણયથી નાખુશ હતો અને તેણે ચિતા પર ઢીંગલી મૂકીને પ્રતીકાત્મક અંતિમવિધિ કરી હતી, એમ પવારે જણાવ્યું હતું.

palghar maharashtra mumbai mumbai news