નિયમભંગ કર્યો તો ટ્રાફિક-પોલીસના કૅમેરાથી હવે બચી નહીં શકો

09 February, 2026 09:36 AM IST  |  Mumbai | Shirish Vaktania

મુંબઈની ટ્રાફિક-પોલીસને મળશે અપગ્રેડેડ બૉડી-વૉર્ન કૅમેરા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિકને સતત સુવ્યવસ્થિત રાખવાની સાથે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવતી ટ્રાફિક-પોલીસને હવે બૉડી-કૅમેરાની સવલત આપવામાં આવશે. મુંબઈની ટ્રાફિક-પોલીસ પાસે જૂના બૉડી-વૉર્ન કૅમેરા હતા. એની બૅટરી-લાઇફ ઓછી હોવાની અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી. તેથી હવે અપગ્રેડેડ બૉડી-કૅમથી ટ્રાફિક-પોલીસને સજ્જ કરવામાં આવશે. આ ફરજ દરમ્યાન કૅમેરા બંધ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત મુજબ ટ્રાફિક-કર્મચારીઓ ટૂંક સમયમાં ઍડ્વાન્સ્ડ બૉડી-વૉર્ન કૅમેરાથી સજ્જ થશે. હાલમાં ૧૮૦૦ જેટલા કૅમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે જે ૧૪ કલાક સુધી સ્ટૅન્ડબાય ટાઇમ અને ૧૦ કલાક રેકૉર્ડિંગ ટાઇમની કૅપેસિટી ધરાવે છે. જોકે અધિકારીઓના કહેવા મુજબ વાસ્તવિકતા જુદી છે. કેટલાંક ડિવાઇસ તો ફક્ત પંદરથી ૨૦ મિનિટમાં જ સંપૂર્ણ બંધ થઈ જાય છે. મુંબઈમાં લગભગ ૩૦૦૦ ટ્રાફિક-પોલીસ બે શિફ્ટમાં કામ કરે છે. ખરાબ કૅમેરા ઘણી વાર પોલીસની કામગીરીમાં નડતરરૂપ બને છે. પોલીસ વિભાગે પુષ્ટિ આપી છે કે સુધારેલી બૅટરી બૅકઅપ અને લેટેસ્ટ અપડેટ સાથે અપગ્રેડેડ ડિવાઇસ ટૂંક સમયમાં જ ખરીદવામાં આવશે.

કેવા છે પોલીસના બૉડી-વૉર્ન કૅમેરા?

મૅન્યુફૅક્ચરર : સંચાર
વિશેષતાઓ : ઑડિયો અને વિડિયો રેકૉર્ડિંગ  ૩૬ મેગાપિક્સલ ફોટો નાઇટ વિઝન  GPS ટ્રૅકિંગ  Wi-Fi કનેક્ટિવિટી  ડિજિટલ ડિસ્પ્લે  વન-ટચ રેકૉર્ડિંગ 
સ્ટોરેજ : 128 GB ઇન્ટર્નલ  5 GB એક્સ્ટર્નલ
બૅટરી :  4000 mAh
લાઇવ લિન્ક :  રિયલ-ટાઇમ ઑડિયો, વિડિયો અને ફોટો ટ્રાફિક-પોલીસ કન્ટ્રોલ-રૂમમાં મોકલવામાં આવે છે.  લાઇવ મૉનિટરિંગ માટે યુનિફૉર્મ કૅમેરા લગાવાય છે.
બૉડી-વૉર્ન કૅમેરાની સંખ્યા 
 ૨૦૨૧ : ૧૩૮૮ કૅમેરા 
 ૨૦૨૩–૨૪ : ૧૬૦૦ કૅમેરા
 હાલમાં : ૧૮૦૦ કૅમેરા ઉપયોગમાં છે

mumbai news mumbai mumbai traffic mumbai traffic police columnists exclusive maharashtra government devendra fadnavis