લૉકડાઉન માટેના નિયમોનું ઉલ્લંઘન

11 May, 2021 09:07 AM IST  |  Mumbai | Rohit Parikh

રવિવારે અંબરનાથમાં દુકાનદારોએ સમયમર્યાદાનો અને કોવિડના નિયમોનો ભંગ કરતાં તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી

લૉકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરીને દુકાન ખુલ્લી રાખવા બદલ કાર્યવાહી કરતા અધિકારીને રોકી રહેલો દુકાનદાર.

રવિવારે નગરપરિષદ આરોગ્ય વિભાગની બંધ ઑફિસનો લાભ લઈને અંબરનાથમાં દુકાનદારોએ તેમની દુકાનો ખોલી નાખી હતી. જોકે લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે નવ દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરીને ૪૬,૫૦૦ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. એમાં બે વાઇન શૉપનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં નગરપરિષદે દોઢ લાખ રૂપિયા વસૂલ કર્યા છે. આ કાર્યવાહી અંબરનાથ છત્રપતિ શિવાજી ભાજી માર્કેટ પથકના અધિકારીઓએ પોલીસની સાથે રહીને કરી હતી. એક દુકાનદાર સામે પોલીસે કેસ નોંધ્યો છે. 

આ બાબતની માહિતી આપતાં નગરપરિષદ આરોગ્ય વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં જીવનાવશ્યક વસ્તુઓની દુકાનોને જ ફક્ત સવારના ૭થી ૧૧ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. એને બદલે રવિવારે બે વાઇન શૉપ, સાડી સેન્ટર, મીઠાઈની દુકાનો સહિતની અનેક દુકાનો રવિવારે ખોલી નાખવામાં આવી હતી. આ દુકાનદારોએ દુકાનો ખોલ્યા પછી સમયમર્યાદાનો પણ ભંગ કર્યો હતો. એને પરિણામે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય અમુક દુકાનોમાં કોવિડના નિયમો અંતર્ગત માસ્ક ન પહેરવા માટે પણ એક જણ પાસેથી ૫૦૦ રૂપિયા પ્રમાણે ૧૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ દુકાનોમાં સ્ટેશન રોડ પર આવેલી સાગર વાઇન શૉપ, અંબર વાઇન શૉપ, મહાવીર ક્લોથ સ્ટોર, જયશંકર સ્વીટ્સ, રમેશ ફૅબ્રિકસ, ન્યુ શિંગાર સ્ટોર, સાંઈબાબા કિરાણા સ્ટોર સાથે નવ દુકાનો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. 

અંબરનાથ વ્યાપારી મહાસંઘના વેપારી નેતા રૂપસિંહે નગરપરિષદની કાર્યવાહી સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંબરનાથ નગરપરિષદના અધિકારીઓ લૉકડાઉનના સમયમાં પણ દુકાનદારો સામે નરમાઈશભર્યું વર્તન કરે છે. જોકે દુકાનદારો એનો ગેરલાભ લે છે. અમારી આસપાસનાં ઉપનગરોમાં સંપૂર્ણ લૉકડાઉન છે. અમારા તરફથી અમે સોશ્યલ મીડિયાના માધ્યમથી દુકાનદારોને લૉકડાઉનના અને કોવિડના નિયમોનું કડકપણે પાલન કરવા કહીએ છીએ. આમ છતાં દુકાનદારો ભલમનસાઈનો લાભ લઈને કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, જેને પરિણામે તેઓ દંડાત્મક કાર્યવાહીનો ભોગ બને છે.’ 

mumbai mumbai news rohit parikh coronavirus covid19 lockdown maharashtra ambernath