મહારાષ્ટ્ર દંગલ : હૉર્સ ટ્રેડિંગનો ડર, શિવસેનાના ધારાસભ્યો હોટેલમાં કેદ

08 November, 2019 12:23 PM IST  |  Mumbai

મહારાષ્ટ્ર દંગલ : હૉર્સ ટ્રેડિંગનો ડર, શિવસેનાના ધારાસભ્યો હોટેલમાં કેદ

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયાંને આજે ૧૫મો દિવસ છે એ છતાં હજી સુધી સરકાર રચાઈ નથી. બીજેપી અને એના મુખ્ય ભાગીદાર શિવસેના તથા અન્ય પક્ષોની બનેલી મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે છતાં હજી સરકાર રચાઈ નથી, કારણ કે મામલો મુખ્ય પ્રધાનપદના મુદ્દે બીજેપી-શિવસેના વચ્ચે થયેલા ઝઘડાને કારણે અટક્યો છે. મહારાષ્ટ્રની વિધાનસભાનો કાર્યકાળ ૯ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે ત્યાં સુધીમાં નવી સરકારનું ગઠન જરૂરી છે. આ જ કારણથી શનિવાર સુધીનો સમય મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વનો માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર બીજેપી એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું કહેવું છે કે તેઓ આજે રાજ્યપાલ કોશિયારીને મળ્યા હતા અને સરકારની રચનામાં થયેલા વિલંબ પાછળનાં કારણો વિશે તેમને માહિતગાર કર્યા હતા. પાટીલે કહ્યું કે મહાયુતિને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે એટલે સરકાર તો એણે જ રચવી જોઈએ. ટૂંક સમયમાં જ એ વિશેની જાણકારી અપાશે. બીજેપી કે શિવસેનામાંથી એકેય પાર્ટીએ હજી સુધી સરકાર રચવાનો દાવો કર્યો નથી.

બીજી તરફ ઠાકરે પરિવારના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં શિવસેના ધારાસભ્યોની ઉદ્ધવ ઠાકરે સાથે મહત્ત્વની બેઠક થઈ. શિવસેનાને ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. શિવસેના ધારાસભ્યો સાથે બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે કંઈ વધારે નથી માગ્યું, જે પહેલાં નક્કી થયું હતું અમારે એ જ જોઈએ. બીજેપી નેતાઓ સાથે મારી કોઈ સીધી વાત નથી થઈ. અમારી પાસે તમામ વિકલ્પ છે, પરંતુ અમે નથી ઇચ્છતા કે તેના પર અમે વિચાર કરીએ. શિવસેના ધારસભ્યોએ એક અવાજમાં કહ્યું છે કે ઉદ્ધવ જે નિર્ણય લેશે, તમામ તેમની સાથે છે. મીટિંગ બાદ શિવસેના ધારાસભ્યોને શારદા હોટેલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં ધારાસભ્યોને તેમના મોબાઇલ સ્વિચ ઑફ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. પાર્ટીને ડર છે કે તેમના ધારાસભ્યોને ખરીદી લેવામાં આવી શકે છે.

શિવસેના ૫૦-૫૦ ટકાના ધોરણે સત્તાની વહેંચણી ઇચ્છે છે. એટલે કે અઢી વર્ષ માટે બીજેપીના મુખ્ય પ્રધાન સરકાર ચલાવે અને અઢી વર્ષ શિવસેનાનો મુખ્ય પ્રધાન. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે ૫૦-૫૦ની ફૉર્મ્યુલા અંગે તેમની અને બીજેપીપ્રમુખ અમિત શાહ વચ્ચે લોકસભાની ગઈ ચૂંટણી પૂર્વે સમજૂતી થઈ હતી, પરંતુ હવે બીજેપી એ ફૉર્મ્યુલા સ્વીકારવા તૈયાર નથી. બીજેપીને ૧૦૫ બેઠક મળી છે, શિવસેનાને ૫૬, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીને ૫૪ અને કૉન્ગ્રેસ પાર્ટીને ૪૪ સીટ મળી છે. અન્ય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ વિધાનસભ્યોએ ૨૮ સીટ કબજે કરી છે. બીજેપીની બાદબાકી કરીને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી અને કૉન્ગ્રેસ સાથે મળીને શિવસેના સરકાર રચવા માગતી હોવાનું કહેવાય છે, પરંતુ કૉન્ગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી શિવસેનાને ટેકો આપવા તૈયાર નથી એવું એમની પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે.

સત્તાની સાઠમારીઃ શરદ પવાર પ્રવાસ અધવચ્ચે મૂકીને મુંબઈ પાછા ફર્યા

‘મહારાષ્ટ્રની જનતાએ અમને વિરોધ પક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે અને અમે એ આદેશનું સન્માન રાખીશું’ એવું કહીને રાજ્યના વિવિધ ઠેકાણે ખેડૂતો સાથે સંવાદના કાર્યક્રમો માટે નીકળેલા એનસીપીના નેતા શરદ પવાર અચાનક મુંબઈ પાછા ફર્યા છે. બીજેપી અને શિવસેના સરકાર રચવાની દિશામાં આગળ વધી ન શકતાં પવારે ચાર દિવસનો ‘શેતકરી સંવાદ’ પશ્ચિમ મહારાષ્ટ્રના કરાડમાં આટોપી લીધો હતો.

આ પણ વાંચો : ઘાટકોપર એલબીએસ માર્ગની 500થી વધુ દુકાનો પર હથોડો પડશે

શરદ પવારે બુધવારે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ‘જનતાએ બીજેપી અને શિવસેનાને સત્તા સ્થાપનાનો આદેશ આપ્યો છે. જનમતને માન આપીને એ બન્ને પક્ષોએ વહેલી તકે સરકાર બનાવવી જોઈએ. જનતાએ મહારાષ્ટ્રના કૉન્ગ્રેસી મોરચાને વિરોધ પક્ષમાં બેસવાનો મોકો આપ્યો છે. જનાદેશ દ્વારા સોંપાયેલી એ ભૂમિકા સક્ષમતાથી પાર પાડવા અમે તૈયાર છીએ.’

mumbai news devendra fadnavis uddhav thackeray shiv sena bharatiya janata party