ઘાટકોપર એલબીએસ માર્ગની 500થી વધુ દુકાનો પર હથોડો પડશે

Published: Nov 08, 2019, 12:16 IST | Jaydeep Gatrana | Mumbai

ઘાટકોપર એલબીએસ માર્ગ પર આવેલી ૫૦૦થી વધુ દુકાનો પર કટિંગનું જોખમ તોળાઈ રહ્યું છે.

ગંગાવાડી ગલીના કૉર્નર પર પાલિકાએ દુકાનોનું કટિંગ કરવામાં આવશે એવી સૂચના આપતી નોટિસ મૂકી હતી.
ગંગાવાડી ગલીના કૉર્નર પર પાલિકાએ દુકાનોનું કટિંગ કરવામાં આવશે એવી સૂચના આપતી નોટિસ મૂકી હતી.

ઘાટકોપર એલબીએસ માર્ગ પર આવેલી ૫૦૦થી વધુ દુકાનો પર કટિંગનું જોખમ તોળાઈ રહ્યું છે. આવતા અઠવાડિયે પૂરતું પોલીસસંરક્ષણ મળ્યા બાદ મહેન્દ્ર પાર્કથી વિક્રોલી પાર્કસાઇટ સુધીમાં આવેલી દુકાનો પર પાલિકા ગમે ત્યારે હથોડો ઉગામવાની છે. અમે પાલિકાને પૂરતું પ્રૉટેક્શન આપીશું, પણ તહેવારોને કારણે હાલની સ્થિતિમાં સંરક્ષણ પૂરું પાડવું શક્ય નથી એવું ડીસીપીએ જણાવ્યું હતું. એલબીએસ માર્ગ પર રસ્તો પહોળો થવાથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે અને પાલિકા હાઈ કોર્ટના આદેશનું પાલન કરી રહી છે એવું અહીંના સ્થાનિક વિધાનસભ્યએ જણાવ્યું હતું. જે દુકાનો કટિંગ થવાની છે તેના દુકાનદારોનો પણ કોઈ વિરોધ નથી, પણ પહેલાં પાલિકા અમને કેટલું કૉમ્પેન્સેશન આપશે એની સ્પષ્ટતા કરે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૦૦ના વર્ષમાં રોડ પરની દુકાનો તોડવી હોય તો એ દુકાનો ૪૦ વર્ષથી જૂની હોય તો એને હટાવતાં પહેલાં કૉમ્પેન્સેશન આપવું જરૂરી છે. એના આધારે હાઈ કોર્ટે ‘એન’ વૉર્ડના એલબીએસ વિસ્તારમાં રસ્તા પર આવતી દુકાનોનું કટિંગ કરવાનો આદેશ પાલિકાને આપ્યો હતો. હાઈ કોર્ટના આદેશ અનુસાર ‘એન’ વૉર્ડના એલબીએસ માર્ગ પર આવેલી દુકાનોનું કટિંગ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હતો. જોકે બૉટલનેક પૉલિસીમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ભાગને તોડતાં પહેલાં કૉમ્પેન્સેશન આપવું જોઈએ. પણ પાલિકા શું કૉમ્પેન્સેશન આપવાની છે એની હજી સુધી દુકાનદારોને કોઈ પણ પ્રકારની જાણકારી નથી.

ઘાટકોપર-વેસ્ટના બીજેપીના વિધાનસભ્ય રામ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એલબીએસ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી રહી છે. જે દુકાનો રોડના ભાગમાં આવે છે એને કટિંગ કરવાના હાઈ કોર્ટના આદેશનું પાલન પાલિકા કરી રહી છે. એક વાર રોડ મોટો થઈ જશે એટલે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી જશે.’

ઘાટકોપર ‘એન’ વૉર્ડના પાલિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટના ‘એન’ વૉર્ડ ક્ષેત્રમાં આવતી મહેન્દ્ર પાર્કથી વિક્રોલી પાર્કસાઇટની ૫૦૦થી વધુ દુકાનો કટિંગ કરવામાં આવશે એવી નોટિસ અમે ચારેક દિવસ પહેલાં મૂકી હતી. ૬ઠ્ઠી નવેમ્બરે આ દુકાનોનું કટિંગ કરવાની કાર્યવાહી કરવાની હતી, પણ પોલીસસંરક્ષણ ન મળવાને કારણે અમે આવતા અઠવાડિયે કાર્યવાહી કરીશું.’

વધારાનો અખત્યાર ધરાવતા ઝોન-૭ના ડીસીપી ચંદ્રકિશોર મીનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એલબીએસ માર્ગ પર દુકાનોનું કટિંગ કરવા માટે પાલિકાએ માગેલું પોલીસસંરક્ષણ અમે પૂરું પાડીશું, પણ ઈદેમિલાદના તહેવારને કારણે સંરક્ષણ આપવું શક્ય નથી.’

આ પણ વાંચો : ઉદ્ધવની જીદ સામે બીજેપી ઝૂકશે તો જ...

ઘાટકોપરના એલબીએસ માર્ગ પર આવેલી ૫૦૦થી વધુ દુકાનો કટિંગ માટે પાલિકા સજ્જ છે ત્યારે દુકાનદારો પણ કહે છે અમને પાલિકાની કાર્યવાહીથી કોઈ ઑબ્જેક્શન નથી. ગંગાવાડી વિસ્તારમાં ચશ્માંની દુકાન ધરાવતા મનીષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ અને બૉટલનેક પૉલિસીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ દુકાનનો ભાગ તોડવામાં આવે ત્યારે એ માટે દુકાનદારને કૉમ્પેન્સેશન આપવું જોઈએ. ગયા વર્ષે પણ પાલિકા તોડકામ કરવાની કાર્યવાહી કરવા આવી હતી, પણ એની સામે હાઈ કોર્ટનાં પગથિયાં ચડ્યાં હતાં. આ વખતે પણ પાલિકાએ દુકાનો કટિંગ કરવા માટેની નોટિસ તો મૂકી છે, પણ હજી સુધી કૉમ્પેન્સેશન માટે કોઈ સ્પષ્ટતા નથી કરી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK