બિહારની 50 બેઠકો પર શિવસેના ચૂંટણી લડશે : અનિલ દેસાઈ

12 October, 2020 06:30 PM IST  |  Mumbai | Agency

બિહારની 50 બેઠકો પર શિવસેના ચૂંટણી લડશે : અનિલ દેસાઈ

શિવસેના

બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં શિવસેના કોઈ પણ અન્ય પક્ષ જોડે ગઠબંધન વિના ૫૦ બેઠકો પર ઉમેદવારી કરનાર હોવાનું પક્ષના રાજ્યસભાના સભ્ય અનિલ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જે પ્રાંતો-ક્ષેત્રોમાં શિવસૈનિકો જનસેવા અને સાર્વજનિક કાર્યોમાં સક્રિય હોય એવા મતવિસ્તારોમાં પક્ષના ઉમેદવારો ઊભા રાખ્યા છે. ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી ૨૮ ઑક્ટોબર, ૩ અને ૭ નવેમ્બરે ત્રણ તબક્કામાં યોજાશે. ૧૦ નવેમ્બરે મતગણતરી યોજાશે.

બિહારમાં જનતા દળ (યુનાઇટેડ)નું ચૂંટણી પ્રતીક ‘તીર’ હોવાથી શિવસેનાનું સ્થાપિત ચૂંટણી પ્રતીક ‘ધનુષ્યબાણ’ ચૂંટણી પંચે મંજૂર કર્યું નહોતું. તેથી વિકલ્પ રૂપે ચૂંટણી પંચે ચૂંટણી પ્રતીક ‘રણશિંગું-તુતારી વગાડતો માણસ’ ફાળવ્યું છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે સહિત બિહારમાં પ્રચાર માટે જનારા શિવસેનાના ૨૨ નેતાઓની યાદી અનિલ દેસાઈએ જાહેર કરી હતી. બિહાર ચૂંટણીમાં શિવસેનાના પ્રચાર માટે સુભાષ દેસાઈ, સંજય રાઉત, અનિલ દેસાઈ, વિનાયક રાઉત, અરવિંદ સાવંત, પ્રિયંકા ચતુર્વેદી, રાહુલ શેવાળે અને કૃપાલ તુમણેનો સમાવેશ છે.

mumbai maharashtra mumbai news shiv sena bihar elections