દિલ્હીના આંદોલનના સમર્થનમાં મુંબઈમાં હૅટ-ટ્રિક, ત્રીજા દિવસે પણ ઠેર-ઠેર પ્રદર્શન

23 July, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ દ્વારા દિલ્હીમાં આંદોલનકારીઓ પર અત્યાચાર કરાયો હોવાનું કહી હર્ષવર્ધન સપકાળે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી.

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ અને નેતા વિજય વડેટ્ટીવારની પોલીસે મોરચા દરમ્યાન અટકાયત કરી હતી.

દિલ્હીમાં જંતરમંતરમાં ચાલી રહેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથેના આંદોલનના સમર્થનમાં મુંબઈમાં પણ સોમવારથી ઠેર-ઠેર વિરોધ પક્ષો તથા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનો અને વિરોધ-પ્રદર્શન શરૂ છે જે બુધવારે પણ શરૂ જ હતાં. બુધવારે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાઉથ મુંબઈમાં આવેલા હેડક્વૉર્ટર પર મોરચો લઈ જવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે જે રીતે દિલ્હીમાં મંગળવારે વ્યવહાર કરાયો અને તેમની અટકાયત કરાઈ અેના વિરોધમાં તથા વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં આ મોરચો કાઢવામાં આવ્યો હતો. જોકે આ દરમ્યાન મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ અને વિજય વડેટ્ટીવાર સહિત મોરચામાં સામેલ થનારા અેના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ગાંધી ભવનથી શરૂ થયેલા મોરચાનો હેતુ BJPની ઑફિસમાં જઈ બંધારણની કૉપી આપવાનો હતો. જોકે પોલીસે અધવચ્ચે જ તેમને અટકાવીને તાબામાં લઈ લીધા હતા. પોલીસ દ્વારા દિલ્હીમાં આંદોલનકારીઓ પર અત્યાચાર કરાયો હોવાનું કહી હર્ષવર્ધન સપકાળે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી.

રાહુલ ગાંધી સૌથી પહેલાં તો પોતાનો પાસપોર્ટ બતાવે

વિરોધ પક્ષો સામે BJPનો કાઉન્ટર-અટૅક, મોરચો કાઢીને CJPના આંદોલનનું સમર્થન કરનારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો હુરિયો બોલાવ્યો

એક બાજુ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં વિરોધ પક્ષો ઠેર-ઠેર આંદોલનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ કાઉન્ટર-અટૅક શરૂ કરી દીધો છે. બુધવારે સાઉથ મુંબઈમાં BJPએ તેમના નેતા તથા વિધાનસભ્ય અમીત સાટમના નેતૃત્વ હેઠળ મોરચો કાઢ્યો હતો જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, અખિલેશ યાદવ, મમતા બૅનરજી સહિતના નેતાઓને ભારતવિરોધી ગણાવીને તેમની વિરુદ્ધ નિશાન તાકવામાં આવ્યાં હતાં.
મોરચા દમ્યાન અમીત સાટમે રાહુલ ગાંધી વારંવાર વિદેશ જઈને ભારતમાં અંધાધૂંધી ફેલાવવા માટે પ્રયત્નો કરતા હોવાનો આરોપ મૂકીને તેમણે પોતાનો પાસપોર્ટ લોકોની સમક્ષ જાહેર કરવો જોઈએ એવી માગણી કરી હતી. ‘રાહુલ ગાંધી ભારતના દુશ્મનો છે અેવા કયા લોકોને મળે છે અેની માહિતી તેમણે લોકો સમક્ષ જાહેર કરવી જોઈએ. તેમણે તેમનો પાસપોર્ટ દેખાડવો જોઈએ’, એમ અમીત સાટમે જણાવ્યું હતું. 
ભારતની પ્રગતિને રોકવા માટે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રોકવા માટે કાવતરું ઘડાઈ રહ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો. બધા જ વિરોધ પક્ષોએ ભારતવિરોધી તાકાતો સાથે હાથ મિલાવ્યા હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો.

આંદોલનકારીઓને છોડાવવા પહોંચ્યા આદિત્ય-અમિત

ચેમ્બુરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ગાર્ડનમાં લોકોએ પ્રદર્શન યોજ્યું હતું અને ત્યાં ભારે સંખ્યામાં પોલીસકર્મીઓને પણ તહેનાત કરવામાં આવ્યા હતા. એજ્યુકેશન સિસ્ટમમાં સુધારાની માગણી કરી પ્લૅકાર્ડ્સ દર્શાવતા આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. તેમને છોડાવવા માટે શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા તથા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અટકમાં લેવાયેલા આંદોલનકારીઓને છોડાવ્યા હતા. 

ઠાકરે ફૅમિલી મેદાનમાં

૨૪મીએ આદિત્યની તિરંગાયાત્રા, આજે રાજ ઠાકરેની પત્રકાર પરિષદ, ૨૬મીએ ઠાકરે બંધુઓનું સાથે આંદોલન

CJPના આંદોલનને પૂરું સમર્થન આપી તેમના માટે આંદોલન કર્યા બાદ હવે આદિત્ય ઠાકરેએ મુંબઈમાં ૨૪ તારીખે તિરંગાયાત્રા યોજવાનું એલાન કર્યું છે. દાદરના શિવાજી પાર્કમાં સાંજે પાંચ વાગ્યે હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રગીત ગાવાનું આહ્‍‍વાન તેમણે કર્યું છે. શુક્રવારે આદિત્ય ઠાકરે તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓ સાથે તિરંગો લઈને વિરોધ-પ્રદર્શન યોજશે.
રાજ ઠાકરેએ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે ગઈ કાલે બેઠક કરીને તેમનાં મંતવ્યો સાંભળ્યાં હતાં. આજે રાજ ઠાકરે આ જ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને પોતાના વિચારો રજૂ કરશે. આ સિવાય ૨૬ જુલાઈએ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બન્ને સાથે મોરચો કાઢશે એવી જાહેરાત કરવામાં આવી છે.

શિવસેના (UBT) દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દેખાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે શિવસેના (UBT) દ્વારા મુંબઈમાં વિવિધ ઠેકાણે વિરોધ-પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં. દાદરમાં આવેલા શિવસેના (UBT)ના હેડક્વૉર્ટર શિવસેના ભવનની બહાર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો વિરોધ-પ્રદર્શનમાં જોડાયા હતા તથા મોટા ભાગના વિદ્યાર્થીઓએ પણ અેમાં ભાગ લીધો હતો. અમુક આંદોલનકારીઓની પરવાનગી વગર ભેગા થવા બદલ પોલીસે અટકાયત કરી હતી.

રાજીનામાની રામાયણ

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) અને ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)ના પેપર લીક થવાની જવાબદારી લઈ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એવી માગણી સાથે દાદરના શિવાજી પાર્કમાં સેંકડોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. એ દરમ્યાન તેમણે જય ભીમ, ઇન્કલાબ ઝિંદાબાદ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો એવાં પ્લૅકાર્ડ્‌સ પકડીને નારાઓ લગાવ્યા હતા. (તસવીર: અતુલ કાંબળે)

mumbai news mumbai cockroach janata party neet exam uddhav thackeray shiv sena maharashtra navnirman sena aaditya thackeray bhartiya janta party bjp amit thackeray