બહાર તાળું અને અંદર કામ ચાલુ

16 May, 2021 08:31 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વસઈ-વિરારમાં શટર બંધ રાખીને કામકાજ કરતી પચાસથી વધુ દુકાનોને સીલ કરવામાં આવતાં દુકાનદારોમાં ભયનું વાતાવરણ

નાલાસોપારાની અનેક દુકાનોમાં ગ્રાહકોને દુકાનની અંદર લઈ બહારથી તાળું મારીને કામકાજ થતું હોવાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે.

રાજ્ય સરકારે અતિ આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હોવા છતાં મુંબઈ સહિત વસઈ-વિરારમાં અનેક દુકાનો બહારથી બંધ અને અંદરથી ચાલુ રહેતી હોવાનું પ્રશાસનના ધ્યાનમાં આવતાં એણે કાર્યવાહી શરૂ કરી છે. વસઈ-વિરારમાં છૂપી રીતે કામકાજ કરતી દુકાનો પર પોલીસે કડક કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે. એથી વસઈ-વિરારના દુકાનદારોમાં ચિંતાનું વાતવરણ ઊભું થયું છે.

નાલાસોપારા (ઈસ્ટ)માં આવેલી કપડાંની એક દુકાનમાં ૨૦થી ૨૫ ગ્રાહકોને દુકાનની અંદર લઈ બહારથી તાળું મારીને ધંધો થતો જોવા મળ્યો હતો. જોકે પોલીસમાં આ વિશે ફરિયાદ મળતાં પોલીસ અને વસઈ-વિરાર મહાનગરપાલિકાના અધિકારીઓએ દુકાને પહોંચીને કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ અન્ય દુકાનોમાં તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. આમ પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે મળીને વસઈ-વિરારમાં પચાસથી વધુ દુકાનો સીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘તાજેતરમાં અમને માહિતી મળી હતી કે દુકાનોની અંદર કામકાજ થઈ રહ્યું છે અને બહારથી તાળું મારવામાં આવે છે. એથી પોલીસે આવી દુકાનોમાં જઈને તપાસ કરીને કાર્યવાહી કરી છે. કપડાંની એક દુકાનમાં ૨૦થી ૨૫ ગ્રાહકો હતા અને દુકાનદારે તેમને અંદર લઈને બહારથી તાળું મારી દીધું હતું. આવી દુકાનો પર કાર્યવાહી કરીને એમને સીલ કરી દેવામાં આવી રહી છે. અન્ય દુકાનોમાં પણ તપાસ કરતાં અમુક દુકાનોનું શટર ખોલ્યું તો એમાં ૧૫થી ૨૦ ગ્રાહકો મળી આવ્યા હતા.’

mumbai mumbai news vasai virar preeti khuman-thakur lockdown coronavirus covid19