24 April, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શૈલેશ કળથિયા.
કાંદિવલી-વેસ્ટમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) લાઇફ ઇન્શ્યૉરન્સની બ્રાન્ચમાં એક વર્ષથી કામ કરી રહેલા સુરતના ૪૩ વર્ષના શૈલેશ હિંમતભાઈ કળથિયાએ મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યો હતો.
મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા ધ્રુફણિયા ગામના વતની અને લેઉવા પટેલ સમાજના શૈલેશ કળથિયા ૯ વર્ષથી SBIની વડોદરા બ્રાન્ચમાં કામ કરતા હતા. ગયા વર્ષે મુંબઈમાં બદલી થવાથી તેઓ પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે મુંબઈમાં રહેતા હતા. ૨૩ એપ્રિલે એટલે કે ગઈ કાલે બર્થ-ડે આવતો હતો એટલે ફૅમિલી સાથે કાશ્મીરની ટૂર પર જવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ શૈલેશ કળથિયા ફૅમિલી સાથે ત્રણ દિવસ પહેલાં મુંબઈથી કાશ્મીર ગયા હતા.
મંગળવારે બપોરના શૈલેશ કળથિયા ફૅમિલી સાથે પહલગામમાં મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે ઓળખાતા સ્થળે ટટ્ટુ પર બેસીને ગયા હતા ત્યારે આતંકવાદીએ તેમનું નામ અને ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી.
શૈલેશ કળથિયાનાં માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું એટલે તેમના પિતા વતનમાં એકલા રહે છે. ચાર બહેનમાં તેઓ એક જ ભાઈ હતા. સુરતના નાના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરિકુંજ સોસાયટીમાં શૈલેશ કળથિયાની માલિકીનું મકાન છે, જે તેઓ મુંબઈ રહેવા આવી ગયા બાદથી બંધ છે. મકાનનો ઉપરનો માળ ભાડા પર છે.
શૈલેશ કળથિયાનું આતંકવાદી હુમલામાં અવસાન થયું હોવાની જાણ થતાં તેમના કઝિન સુરતથી કાશ્મીર જવા માટે મંગળવારે રવાના થયા હતા. ગઈ કાલે તેઓ રાતે ૧૦.૩૦ વાગ્યે શૈલેશભાઈના મૃતદેહ અને તેમની ફૅમિલી સાથે સુરત પહોંચ્યા હતા.