ઇન્દિરા કરીમ લાલાને મળતાં હતાંની કમેન્ટને મુદ્દે સંજય રાઉતનો યુ-ટર્ન

17 January, 2020 08:17 AM IST  |  Mumbai | Dharmendra Jore

ઇન્દિરા કરીમ લાલાને મળતાં હતાંની કમેન્ટને મુદ્દે સંજય રાઉતનો યુ-ટર્ન

સંજય રાઉત

શિવસેનાના રાજ્યસભાના સભ્ય અને પક્ષના મુખપત્ર ‘સામના’ના તંત્રી સંજય રાઉતની ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ગૅન્ગસ્ટર કરીમ લાલાને નિયમિત મળતાં હોવાની ટિપ્પણીથી કૉન્ગ્રેસ નારાજ થતાં રાઉતે પીછેહઠ કરીને એ ટિપ્પણી પાછી ખેંચી હતી. રાઉતની પીછેહઠ પછી મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ બાળાસાહેબ થોરાત અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ વિવાદ પર પડદો પાડવાની જાહેરાત કરી હતી.

કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતે સંજય રાઉતની ટિપ્પણીઓને ખોટી અને અયોગ્ય ગણાવતાં જણાવ્યું હતું કે ‘આવી હરકતો સહન કરવામાં નહીં આવે, સંજય રાઉતે તેમની ટિપ્પણી પાછી ખેંચી હોવાથી હવે એ વિવાદનો અંત આવે છે, પરંતુ ભવિષ્યમાં તેમણે આવું કંઈ પણ બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ. ભવિષ્યમાં આવું કંઈ પણ બનશે તો કૉન્ગ્રેસ સહન નહીં કરે.’

રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આ નારાજગીની જાણ કરતાં સંજય રાઉત સહિત શિવસેનાના તમામ નેતાઓને એલફેલ બોલવા સામે ચેતવણી આપી હતી. કૉન્ગ્રેસના અન્ય અનેક નેતાઓએ તેમનો રોષ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ વિરોધ પક્ષોએ અંધારી આલમ સાથેના સંબંધો વિશે કૉન્ગ્રેસ તરફથી સ્પષ્ટતાની માગણી કરી હતી અને પક્ષના મોવડીઓ સંજય રાઉતની ટિપ્પણી બાબતે શા માટે શાંત છે? એવો સવાલ કર્યો હતો.

બાળાસાહેબ થોરાતે પુણેના લોકમત મીડિયા ગ્રુપના ઇન્ટરવ્યુમાં સંજય રાઉતના બયાન બાબતે ગઈ કાલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘એ ખોટું નિવેદન હતું. આવું કોઈએ બોલવું ન જોઈએ. કોઈ મહાન વ્યક્તિને ઉતારી પાડતું બયાન આપવું ન જોઈએ. અમને આવાં બયાનોથી નિરાશા થઈ છે. અમે અમારી નારાજગી વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે.’

બાળાસાહેબ થોરાતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર ઇન્દિરા ગાંધીએ અંધારી આલમની કરોડરજ્જુ તોડી હોવાનો દાવો કરતાં કરીમ લાલા, હાજી મસ્તાન અને યુસુફ પટેલ પર ભીંસ વધાર્યાનાં ઉદાહરણો આપ્યાં હતાં. બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે ‘સૌને યાદ હશે કે ઇન્દિરાજીએ અપરાધી પ્રવૃત્તિના આગેવાન કરીમ લાલા અને હાજી મસ્તાનને જેલમાં નાખ્યા હતા અને મુંબઈમાંથી દાણચોરીને નષ્ટ કરવા માટે મોરચો ખોલ્યો હતો.’ કૉન્ગ્રેસવાળા ચૂંટણીઓ જીતવા માટે અંધારી આલમના ખૂંખાર ગૅન્ગસ્ટર્સને મળવા માટે મુંબઈ આવતા હોવાના બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસના ઉલ્લેખના જવાબમાં થોરાતે જણાવ્યું હતું કે ફડણવીસ પોતે નાગપુરમાં મુન્ના યાદવ જેવા ગુંડાને રક્ષણ આપે છે અને યાદવને રાજ્ય સરકારના એક નિગમના અધ્યક્ષપદે પણ નિયુક્ત કર્યો હતો. કૉન્ગ્રેસના નેતાઓ મિલિન્દ દેવરા અને સંજય નિરુપમે પૂરતી માહિતીના અભાવે કરેલી ટિપ્પણીઓ પાછી ખેંચવાનો સંજય રાઉતને અનુરોધ કર્યો હતો.

સંજય રાઉતે શું કહ્યું?

રાઉતે બયાન પાછું ખેંચતાં કહ્યું હતું કે ‘પચાસેક વર્ષ પહેલાં મુંબઈની અંધારી આલમની સ્થિતિના અનુસંધાનમાં વાતો વાગોળી હતી. જો કોઈને એમ લાગતું હોય કે મારા નિવેદનથી ઇન્દિરા ગાંધીની પ્રતિભાને હાનિ થઈ છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. મેં પચાસેક વર્ષો પૂર્વેની અંધારી આલમની તથા અન્ય ક્ષેત્રોની સ્થિતિ વિશે કહ્યું હતું. મારા કૉન્ગ્રેસના મિત્રોએ અતિશયોક્તિભર્યા પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા છે. મુંબઈનો ઇતિહાસ ન જાણતા હોય એવા લોકો મારી વાતને વિકૃત રૂપ આપે છે. મેં એવું કહ્યું હતું કે કરીમ લાલાને પઠાણ સમુદાયના પ્રતિનિધિ તરીકે મળવા ઇન્દિરાજી જતાં હતાં. ભૂતકાળમાં સ્વર્ગસ્થ ઇન્દિરાજીનું અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે તે લોકો ચૂપ બેઠા હતા અને મેં ટીકાકારોને જવાબ આપ્યો હતો. એ વખતે બાળાસાહેબ ઠાકરેના નિકટના મિત્ર એવા કૉન્ગ્રેસી નેતાની પડખે હું ઊભો હતો.’

સંજય રાઉતે કરેલા દાવા પર હાજી મસ્તાનના દીકરાએ મારી મહોર

અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાનના દત્તક પુત્ર સુંદર શેખરે શિવસેનાના નેતા સંજય રાઉતના વક્તવ્ય પર પ્રતિક્રિયા વ્યક્ત કરીને સંજય રાઉત સાચા હોવાનું જણાવ્યું હતું. ઇન્દિરા ગાંધી કરીમ લાલાને મળવા આવતાં હતાં. અન્ય નેતાઓ પણ કરીમ લાલાને મળવા માટે આવતા હતા. હાજી મસ્તાન એક વેપારી હતા અને બાળાસાહેબ ઠાકરે પણ હાજી મસ્તાનના સારા મિત્ર હતા, એવું બોલીને સુંદર શેખરે પડદા પાછળનું રહસ્ય ખોલ્યું હતું.

આ પણ વાંચો : તેજસ એક્સપ્રેસના કર્મચારીઓને ગુજરાતી પહેરવેશ આપ્યો જ કેમ: મનસે

રાઉતની ટિપ્પણીને યોગ્ય સંદર્ભમાં સમજવામાં આવી નથી : આદિત્ય ઠાકરે

શિવસેનાના યુવા નેતા અને રાજ્યના પર્યટન અને પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ ઇન્દિરા ગાંધી વિશેની ટિપ્પણી બાબતે સંજય રાઉતનો બચાવ કર્યો હતો. આદિત્યે પત્રકારોને જણાવ્યું હતું કે ‘શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને ઇન્દિરા ગાંધી માટે ખૂબ માન હતું અને તેમના વિશે પક્ષના નેતા સંજય રાઉતના બયાનને યોગ્ય સંદર્ભ અને પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવ્યું નથી. અમારા પક્ષના કાર્યકરો ભૂતપૂર્વ વડાં પ્રધાન વિરુદ્ધ કોઈ અયોગ્ય ટિપ્પણી ન કરી શકે. કરીમ લાલાજી પઠાણ સમુદાયના આગેવાન હતા. તેઓ પછીથી શું કરતા હતા અને શું બન્યા હતા એ હું જાણતો નથી. એક મુલાકાત વિશેની ટિપ્પણી રાઉતજીએ પાછી ખેંચી હોવાથી વિવાદનો અંત આવે છે.

sanjay raut mumbai news shiv sena bharatiya janata party congress devendra fadnavis