મુંબઈને પાણી આપતાં ૭ જળાશયોમાંથી પહેલું મોડકસાગર છલકાયું, મુંબઈગરાઓને ૨૬૦ દિવસ ચાલે એટલું પાણી જમા

10 July, 2025 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે ૭ જળાશયોમાં મળીને કુલ ૧૦.૫૦ લાખ મિલ્યન લીટર એટલે કે કુલ ક્ષમતાના ૭૨.૬૧ ટકા પાણી જમા થઈ ગયું છે.

મોડકસાગર

થાણે જિલ્લામાં સતત વરસતા વરસાદે મોડકસાગર જળાશયને છલકાવી દીધું છે. આ સાથે જ મુંબઈગરાઓને ૨૬૦ દિવસ સુધી ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે. મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે ૭ જળાશયોમાં મળીને કુલ ૧૦.૫૦ લાખ મિલ્યન લીટર એટલે કે કુલ ક્ષમતાના ૭૨.૬૧ ટકા પાણી જમા થઈ ગયું છે.

ગયા વર્ષે મોડકસાગર તળાવ ૨૫ જુલાઈએ ભરાયું હતું. આ વર્ષે ૧૫ દિવસ વહેલું છલકાઈ જતાં મુંબઈમાં પીવાના પાણી માટે રાહતના સમાચાર છે. મોડકસાગર ઓવરફ્લો થતાં એનો એક દરવાજો એક ફુટ જેટલો ખોલવામાં આવ્યો છે જેમાંથી ૧૦૨૨ ક્યુસેક (ક્યુબિક ફીટ પર સેકન્ડ) પાણી છોડાઈ રહ્યું છે. ૨૦૨૩માં ૯ જુલાઈએ મુંબઈનાં જળાશયોમાં કુલ ૨.૯૬ લાખ મિલ્યન લીટર પાણી હતું. એની સરખામણીએ આ વર્ષે સારું ચોમાસું રહ્યું છે.

મધ્ય વૈતરણા તળાવ પણ સોમવારે એની ક્ષમતાના ૯૦ ટકા સુધી ભરાઈ ગયું હતું. એના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પહેલી ઑક્ટોબર સુધીમાં મુંબઈનાં તમામ જળાશયોમાં કુલ ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણી હોય તો મુંબઈમાં પાણીની તંગી નિવારી શકાય.

thane thane municipal corporation mumbai mumbai news news brihanmumbai municipal corporation Weather Update mumbai water levels maharashtra maharashtra news monsoon news mumbai monsoon mumbai weather