| વેસ્ટર્ન રેલવેમાં ટાઇમટેબલ વગર જ ટ્રેનો ચલાવવામાં આવી, ૨૦-૨૦ મિનિટે લોકલ આવી અને ધીમી ગતિએ ચાલી

07 July, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘર જિલ્લામાં બે કલાકમાં પડ્યો ૩૦૦ મિલીમીટર વરસાદ, વેસ્ટર્ન રેલવેની લાંબા અંતરની બાવીસ ટ્રેનો અલગ-અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી

નાલાસોપારા સ્ટેશન પર ગઈ કાલે ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હતાં અને લોકો પાટા પર ચાલીને જતા જોવા મળ્યા હતા.

પાલઘર જિલ્લામાં ગઈ કાલે સવારના બે જ કલાકમાં ૩૦૦ મિલીમીટર વરસાદ ખાબકતાં વેસ્ટર્ન રેલવેનું તંત્ર ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ગઈ કાલે વેસ્ટર્ન રેલવેમાં નાલાસોપારામાં અને સફાળે-પાલઘરની વચ્ચે ટ્રૅક પર કેડ સુધી પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનો રોકી દેવી પડી હતી. વિરારની લોકલ ટ્રેનો પણ વસઈ સુધી જ દોડી રહી હતી. એ પણ બહુ જ ઓછી ટ્રેનો દોડી હતી. કેટલીક ટ્રેનો તો ભાઈંદર સુધી જ દોડાવવામાં આવી હતી. ૪૦થી વધુ ટ્રેન-સર્વિસને અસર થઈ હતી.

બપોરના બે વાગ્યા સુધીમાં જ અમદાવાદથી મુંબઈ તરફ આવી રહેલી બાવીસ જેટલી લાંબા અંતરની ટ્રેનોને વિરાર, પાલઘર વાણગાવ, દહાણુ, વાપી, વલસાડ, સુરત સુધીનાં સ્ટેશનો પર રોકી દેવી પડી હતી. કલાકો સુધી ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓને વેસ્ટર્ન રેલવેએ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ની મદદ લઈને ફૂડ-પૅકેટ્સ અને પાણીની બૉટલો વહેંચ્યાં હતાં. મુંબઈ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ સહિત મુંબઈથી ઊપડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદથી વાપી સુધી આવેલી ટ્રેનોને વાપીથી જ પાછી વાળી દેવામાં આવી હતી.
દહાણુ-બોરીવલી લોકલ પણ વિરાર સુધી જ દોડાવવામાં આવી હતી અને ત્યાંથી જ દહાણુ પાછી વાળવામાં આવી હતી. એ જ પ્રમાણે બોરીવલી-વલસાડ મેમુ ટ્રેનને વિરાર પર જ શૉર્ટ ટર્મિનેટ કરીને ત્યાંથી વલસાડ રવાના કરાઈ હતી. મુંબઈ સેન્ટ્રલ-વાપી અને વાપી-મુંબઈ સેન્ટ્રલ ટ્રેન પણ કૅન્સલ કરવામાં આવી હતી.

વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે કહ્યું હતું કે ટ્રેનના પ્રવાસીઓ માટે મુંબઈ સેન્ટ્રલ, બાંદરા, સુરત જેવાં મુખ્ય સ્ટેશનો પર હેલ્પ-ડેસ્ક ઊભી કરવામાં આવી હતી અને તેમને સહાય કરવામાં આવી હતી. ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ તેમની ટ્રેન ક્યાંથી અને કેટલા વાગ્યે છૂટશે એની ચકાસણી કર્યા બાદ જ પ્રવાસ કરવો હિતાવહ રહેશે એવું સૂચન રેલવે દ્વારા કરવામાં આવ્યું હતું.

ઓવરહેડ વાયરમાં પ્લાસ્ટિક ફસાઈ ગયું, સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનો વીસથી પચીસ મિનિટ મોડી દોડી

સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે ભારે વરસાદને કારણે ટ્રૅક પર પાણી આવી જતાં અને ટેક્નિકલ મુશ્કેલીઓ સર્જાતાં ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું અને ટ્રેનો મોડી દોડી રહી હતી. એમાં વળી છત્રપતિ શિવાજી મહરાજ ટર્મિનસ (CSMT) તરફ જતી સ્લો લાઇનના ટ્રૅક પરના ઓવરહેડ વાયરમાં કાંજુરમાર્ગ અને ભાંડુપ વચ્ચે પ્લાસ્ટિકનો મોટો ટુકડો ફસાઈ જતાં ટ્રેનો અટકી પડી હતી. પ્લાસ્ટિકનો એ ટુકડો લાઇવ વાયરમાંથી નીકળી શકે એમ નહોતો એટલે આખી લાઇનનો પાવર પહેલાં સ્વિચ્ડ-ઑફ કરવા પડ્યો હતો. એ પછી પ્લાસ્ટિકનો ટુકડો કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પાવર ફરી રીસ્ટોર કરવામાં આવ્યો હતો. એ પછી ટ્રેનો રાબેતા મુજબ દોડતી થઈ હતી. જોકે વરસાદને કારણે અને આવા ટેક્નિકલ પ્રૉબ્લેમ્સને કારણે ટ્રેનો વીસથી પચીસ મિનિટ લેટ દોડી રહી હતી.

કેટલીક લાંબા અંતરની ટ્રેનો જેને અસર પહોંચી હતી

 બાંદરા ટર્મિનસ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા
 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત
 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
 મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ
 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
 બાંદરા ટર્મિનસ-ચંડીગઢ એક્સપ્રેસ
 બાંદરા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ
 બાંદરા ટર્મિનસ-અમ્રિતસર એક્સપ્રેસ
 બાંદરા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસ
 બાંદરા ટર્મિનસ–વેરાવળ એક્સપ્રેસ 

ભોરઘાટ પર ભેખડો ધસી પડી, મુંબઈ-પુણેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો: લોનાવલા-ખંડાલા વીક-એન્ડ માણવા ગયેલા લોકો અટવાયા

ભારે વરસાદને કારણે કર્જત અને ભોરઘાટ રેલવે-ટ્રૅક પર ભેખડો ધસી પડવાને કારણે સેન્ટ્રલ રેલવે પણ ખોટકાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે મુંબઈ અને પુણે વચ્ચેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો અને વીક-એન્ડ મનાવવા લોનાવલા-ખંડાલા જઈને સોમવારે પાછા આવી જવાનું વિચારીને ગયેલા મુંબઈગરાઓના પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું હતું.

આ ઘટના બાદ સેન્ટ્રલ રેલવેએ પ્રવાસીઓને મુંબઈ અને પુણે દરમ્યાન દોડતી ટ્રેનોનું સ્ટેટસ જાણ્યા પછી જ પ્રવાસ કરવાની સૂચના આપી છે. રવિવારે મધરાત બાદ ૩.૦૫ વાગ્યે બનેલી આ ઘટનાને કારણે અનેક ટ્રેનો રદ કરવી પડી હતી અને લાંબા અંતરની અનેક ટ્રેનોને ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.

સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઈ અને પુણે વચ્ચે આવેલા ભોરઘાટ - જેને ખંડાલા ઘાટ પણ કહેવાય છે એ ક્ષેત્રમાં ૩ લાઇન ઑપરેટ કરવામાં આવે છે. એમાં મુંબઈ તરફ જતી અપ લાઇન, પુણે તરફ જતી ડાઉન લાઇન અને મિડલ લાઇનનો સમાવેશ થાય છે. ભેખડો ધસી પડવાને કારણે આ ત્રણેય લાઇન પર ચાલતી ટ્રેન-સર્વિસને અસર થઈ છે.

પાણી ભરાવાથી અને ઝાડ તૂટી પડવાથી BESTની બસના રૂટ બદલવામાં આવ્યા

મુંબઈમાં સતત વરસાદ અને ઝાડ તૂટી પડવાને કારણે BESTની બસોનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું. રોડ પર પાણી ભરાઈ જવાથી અંધેરી, ભાંડુપ, ઍન્ટૉપ હિલ અને કોલાબામાં અનેક બસના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા.  BEST ઉપક્રમે વહેલી સવારથી મુંબઈમાં પાણી ભરાઈ જવાની, વૃક્ષો ઊખડી જવાની અને માળખાગત સુવિધાઓને નુકસાન થવાની ઘટનાઓને પગલે અનેક બસના રૂટ ડાઇવર્ટ કર્યા હતા, કેટલાક શૉર્ટ કર્યા હતા જ્યારે કેટલાક રૂટ વન-વે કર્યા હતા. મુલુંડ, ગોરેગામ, કોલાબા અને દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં પણ વૃક્ષો ઊખડી જવાથી રસ્તાઓ બ્લૉક થયા હતા, જેને કારણે અનેક રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ટીમો ઝાડની ડાળીઓ કાપીને એ સાફ કરવા અને ટ્રાફિક-વ્યવસ્થા નિયમિત કરવા માટે કામ કરી રહી હોવાથી ઘણી સેવાઓ કાં તો કૅન્સલ કરવામાં આવી હતી અથવા એ રસ્તો ક્લિયર થયા બાદ ફરી ચાલુ કરવામાં આવી હતી.

૧૨ કલાક બાદ કર્જત-ખોપોલી વચ્ચે ટ્રેનો શરૂ થઈ

રાયગડના કર્જત અને ખોપોલી વચ્ચે ભારે વરસાદને કારણે લૌજી અને ડોળવલી સ્ટેશન વચ્ચે રેલવે-ટ્રૅક નીચેના પથ્થરો ધોવાઈ જતાં ટ્રેન-સર્વિસ ૧૨ કલાક માટે રોકી દેવાઈ હતી. સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યા અનુસાર રેલવે-ટ્રૅકનું સમારકામ કરીને સૌપ્રથમ ૧૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાઈ હતી અને ત્યાર પછી ટ્રેનોને ૩૦ કિલોમીટરની ઝડપે દોડાવીને અહીંથી ટ્રેન દોડાવવી સુરક્ષિત છે કે નહીં એની ચકાસણી કરવામાં આવી હતી.

mumbai news mumbai western railway mumbai traffic brihanmumbai electricity supply and transport nalasopara karjat khopoli mumbai transport