૩૯૫ જણને પાછી મળી ટોટલ દોઢ કરોડ રૂપિયાની ખોવાયેલી-ચોરાયેલી માલમતા

06 August, 2025 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરથી મુલુંડ સુધીનાં ૮ પોલીસ-સ્ટેશનના વિસ્તારના લોકોને ૧,૫૨,૭૯,૬૭૫ની માલમતા પાછી આપવા પોલીસે યોજ્યો કાર્યક્રમ

મુલુંડની એમસીસી કૉલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકોને તેમની માલમતા પાછી સોંપવામાં આવી હતી.

મુંબઈ પોલીસના ઝોન સાત દ્વારા મુલુંડ-વેસ્ટની એમસીસી કૉલેજમાં આયોજિત રિટર્ન ઑફ પ્રૉપર્ટીના કાર્યક્રમમાં સોમવારે છેલ્લા દોઢ વર્ષમાં ચોરાયેલી આશરે ૧,૫૨,૭૯,૬૭૫ રૂપિયાની માલમતા મૂળ માલિકોને પાછી આપવામાં આવી હતી. ઝોન સાત હેઠળ આવતાં ઘાટકોપર, પંતનગર, વિક્રોલી, પાર્કસાઇટ, ભાંડુપ, કાંજુરમાર્ગ, મુલુંડ અને નવઘર પોલીસ-સ્ટેશનના ૩૯૫ નાગરિકોને તેમની ચોરાયેલી મિલકત પાછી મળતાં તેમણે પોલીસનો આભાર માન્યો હતો. આ મિલકત વિતરણ કાર્યક્રમમાં પૂર્વીય પ્રાદેશિક વિભાગના ઍડિશનલ કમિશનર ડૉ. મહેશ પાટીલ અને ઝોન સાતના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) રાકેશ ઓલા તેમ જ વિવિધ પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઝોન સાતના DCP રાકેશ ઓલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝોન સાત અંતર્ગત આવતાં આઠ પોલીસ-સ્ટેશનમાં ચોરાયેલી તેમ જ અમુક કેસોમાં ખોવાયેલી વસ્તુઓ નાગરિકોને સરળતાથી પાછી મળી રહે એ માટેના કાર્યક્રમનું ગઈ કાલે મુલુંડની એમસીસી કૉલેજમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૧,૫૯,૬૦૦ રૂપિયાના ૩૫૯ મોબાઇલ ફોન તેમ જ ૩૬ ગુનાઓમાં જપ્ત કરાયેલી ૧,૦૧,૨૦,૦૭૫ રૂપિયાની માલમતા મૂળ માલિકોને પાછી આપવામાં આવી હતી. નાગરિકોને અમે કાયદો અને વ્યવસ્થાના કાર્યમાં સહયોગ આપવાની અપીલ કરી હતી તેમ જ જો ગુનાહિત ઘટનાઓમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે તો તપાસ ઝડપી બનીને વસ્તુઓ સરળતાથી પાછી મળવાની શક્યતા વધી જાય છે એ પણ સમજાવ્યું હતું.’

mumbai police mulund kanjurmarg news mumbai crime news crime news mumbai mumbai news ghatkopar vikhroli