લાલબાગચા રાજાના દરબારમાં ૧૦૦ ચોર પકડાયા

09 September, 2025 08:50 AM IST  |  Mumbai | Shirish Vaktania

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ : પંડાલમાં ૩૦૦ CCTV કૅમેરા લગાડ્યા હતા અને ૧૦,૦૦૦ આરોપીઓના ડેટાબેઝ સ્ટોર કરીને એના આધારે ચકાસણી કરવામાં આવતી હતી : ૧૧ દિવસમાં એકેય ચેઇન ન ચોરાઈ અને પાંચ મોબાઇલ ચોરાયા એમાંથી ૩ રિકવર થઈ ગયા

લાલબાગચા રાજાના દરબારમાં ૧૦૦ ચોર પકડાયા

લાલબાગચા રાજાના વિસર્જન દરમ્યાન શ્રોફ બિલ્ડિંગની આસપાસ મોબાઇલ અને ચેઇનની ચોરીની ૧૦૦થી વધુ ઘટના બની, પણ આ વર્ષે લાલબાગચા રાજાના પંડાલમાં ગણેશોત્સવ દરમ્યાન એક પણ ચેઇનચોરીનો બનાવ બન્યો નહોતો એટલું જ નહીં, ૧૧ દિવસમાં ફક્ત મોબાઇલચોરીની પાંચ ઘટના બની હતી અને એમાંથી ૩ મોબાઇલ રિકવર કરવામાં આવ્યા હતા. આ આખી કરામત મંડળે લગાડેલા ૩૦૦ ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલને કારણે શક્ય બની શકી હતી. મુંબઈ પોલીસે ૧૦,૦૦૦ જેટલા આરોપીઓની વિગતોનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો જેમાં તેમના ફોટો પણ અપલોડ કરવામાં આવ્યા હતા એથી ૧૦૦ આરોપીઓ પકડાઈ પણ ગયા હતા.

લાલબાગચા રાજાના પંડાલની સુરક્ષા સંભાળી રહેલાં મહિલા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) આર. રાગસુધાએ કહ્યું હતું કે  ‘આ વર્ષે પંડાલની અંદર આવી રહેલા આરોપીઓને ઓળખી કાઢવા માટે અમે AI ટૂલની મદદ લીધી હતી. અમે ગરમખડા મેદાનથી મૂર્તિ સુધીના અને અન્ય એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર ખાસ પ્રકારના કૅમેરા ગોઠવ્યા હતા. એ ઉપરાંત ૧૦,૦૦૦ જેટલા પાકીટમાર, ચેઇન-સ્નૅચર અને મોબાઇલચોર આરોપીઓના ડેટાબેઝ બનાવ્યા હતા જે AI ટૂલ્સ સાથે શૅર કરવામાં આવ્યા હતા.’

આરોપીઓને કઈ રીતે ઓળખી કાઢવામાં આવતા હતા એ વિશે માહિતી આપતાં આર. રાગસુધાએ ઉમેર્યું હતું કે ‘આરોપી જેવો મેઇન ગેટમાંથી એન્ટર થાય એટલે તરત જ AI ટૂલ કૅમેરામાં ઝડપાઈ જાય. તેની ઇમેજને કારણે તેને ઓળખી કાઢે અને ગણતરીની સેકંડોમાં અમારી પાસે એની બધી ડીટેઇલ આવી જતી હતી. એ પછી તેનું લોકેશન તરત જ કાર્યકરોમાં વાઇરલ થતું એટલે કાર્યકરો એ આરોપી પર નજર રાખતા હતા. એ આરોપી દર્શન કરીને બહાર જાય ત્યાં સુધી તેના પર સતત નજર રાખવામાં આવતી હતી. AI ટૂલની મદદથી અમે ૧૦,૦૦૦ના ડેટાબેઝમાંથી ૧૦૦ આરોપીઓને ઝડપી લીધા હતા. એમાંથી કેટલાકે પાંચ મોબાઇલ ચોર્યા હતા જેમાંથી અમે ૩ પાછા મેળવ્યા હતા. AI ટૂલને કારણે ક્રાઉડ-મૅનેજમેન્ટમાં પણ મદદ મળતી હતી. થોડા દિવસ તો એવું બન્યું કે ગરમખડા મેદાન ખાલી રહેતું અને પંડાલની અંદર બહુ ભીડ રહેતી એટલે અમે એ પ્રમાણે અમારા પોલીસ-કર્મચારીઓને તહેનાત કર્યા હતા. સિસ્ટમ પ્રમાણે એ પણ જાણવા મળ્યું હતું કે મેદાનથી મૂર્તિ સુધી પહોંચવામાં ૧૫-૨૦ મિનિટ લાગતી હતી એને કારણે પણ ક્રાઉડ મૅનેજ કરવામાં મદદ મળતી હતી.’

25,00,000

૧૧ દિવસમાં આટલા લોકોએ દર્શનનો લાભ લીધો

25,000

મરાઠા અનામત માટે મુંબઈ આવેલા આટલા આંદોલનકારીઓએ લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં

lalbaugcha raja lalbaug crime news mumbai crime news mumbai police festivals ganesh chaturthi ganpati news mumbai mumbai news ai artificial intelligence