28 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનોમિક ઑફેન્સિસ વિંગ (EOW)ને તપાસ દરમ્યાન નવી-નવી હકીકતો જાણવા મળી રહી છે. પોલીસને પહેલા દિવસથી એવું લાગતું હતું કે આ કામ કોઈ એક-બે વ્યક્તિનું નથી, આ તો મિલીભગતનું મહાનેટવર્ક છે.
EOWને તપાસમાં જાણવા મળ્યું છે કે બૅન્કની પ્રભાદેવી બ્રાન્ચમાં રેકૉર્ડ મુજબ ૧૨૨.૦૨૮ કરોડ રૂપિયા હોવા જોઈતા હતા, પણ ૧૧ ફેબ્રુઆરીએ રિઝર્વ બૅન્કના અધિકારીઓએ ઇન્સ્પેક્શન કર્યું ત્યારે સેફમાં એ રૂપિયા નહોતા. જોકે આ બધા વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે જે સેફમાં ૧૨૨ કરોડ રૂપિયા હોવાનું બુક્સમાં બતાવવામાં આવ્યું હતું એ સેફની કૅપેસિટી જ ૧૦ કરોડ રૂપિયા રાખવાની છે.
બૅન્કની બૅલૅન્સ-શીટમાં પ્રભાદેવી અને ગોરેગામ બ્રાન્ચમાં કુલ ૧૩૩.૪૧ કરોડ રૂપિયા બતાવવામાં આવ્યા છે. જોકે રિઝર્વ બૅન્કના અધિકારીઓને ઇન્સ્પેક્શન દરમ્યાન પ્રભાદેવી બ્રાન્ચના સેફ વૉલ્ટમાંથી ૬૦ લાખ અને ગોરેગામની બ્રાન્ચના સેફ વૉલ્ટમાંથી ૧૦.૫૩ કરોડની રોકડ મળી આવી હતી. ગોરેગામ બ્રાન્ચના સેફ વૉલ્ટની પણ ૧૦ કરોડ રૂપિયા રાખવાની જ કૅપેસિટી છે.
હવે EOW એ વાતની તપાસ કરી રહી છે કે બૅન્કના ફાઇનૅન્શિયલ રેકૉર્ડ્સ તપાસનારા ઑડિટર્સે રોકડા ગુમ હોવાની નોંધ પોતાના રિપોર્ટમાં કેમ નહોતી કરી. આ જ કારણસર EOWએ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીના બૅન્કના સ્ટેચ્યુટરી અને ઇન્ટર્નલ ઑડિટરને પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા માટે સમન્સ મોકલાવ્યા છે.
EOWએ અત્યાર સુધી બૅન્કના એક ઑડિટર મેસર્સ સંજય રાણે અસોસિએટ્સના પાર્ટનર અભિજિત દેશમુખનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે. જોકે હવે આ જ કંપનીના બીજા પાર્ટનર સંજય રાણેને સ્ટેટમેન્ટ નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે મેસર્સ યુ. જી. દેવી ઍન્ડ કંપની, મેસર્સ ગાંધી ઍન્ડ અસોસિએટ્સ એલએલપી, મેસર્સ શિંદે-નાયક ઍન્ડ અસોસિએટ્સ, મેસર્સ જૈન ત્રિપાઠી ઍન્ડ કંપની અને મેસર્સ એસ. આઇ. મોગલ ઍન્ડ કંપનીને પણ સ્ટેટમેન્ટ નોંધાવવા કહ્યું છે. જરૂર જણાશે તો બૅન્કના ફાઇનૅન્શિયલ રેકૉર્ડ્સનું ફૉરેન્સિક ઑડિટ કરવાની પણ પોલીસે તૈયારી કરી છે.
મલાડનો બિઝનેસમૅન હજી ફરાર
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં EOWએ અત્યાર સુધીમાં બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતા, કાંદિવલીના બિલ્ડર ધર્મેશ પૌન અને બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અભિમન્યુ ભોઅનની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે હિતેશ મહેતાએ ૧૨૨ કરોડ રૂપિયામાંથી ૭૦ કરોડ રૂપિયા ધર્મેશ પૌનને આપ્યા હતા અને બીજા ૪૦ કરોડ રૂપિયા મલાડના બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈને આપ્યા હતા. જોકે અરુણભાઈ હજી પોલીસના હાથમાં નથી આવ્યો. RBIએ બૅન્કના કારભાર પર ૧૪ ફેબ્રુઆરીથી રોક લગાવી દીધી હતી.