સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરોને શોધવા પોલીસે બનાવી ૧૫ ટીમ

16 April, 2024 02:59 PM IST  |  Mumbai | Prakash Bambhroliya

મુખ્ય પ્રધાન એક​નાથ​ શિંદેએ વાત કરી સલમાન સાથે : સિક્યૉરિટી વધારવામાં આવી

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરોને શોધવા પોલીસે બનાવી ૧૫ ટીમ

બૉલીવુડના અભિનેતા સલમાન ખાનના બાંદરા વેસ્ટમાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર ગઈ કાલે સવારના પાંચેક વાગ્યે પાંચ રાઉન્ડ ફાયરિંગ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. પાંચમાંથી ત્રણ ગોળી દીવાલ પર, એક ગોળી નેટને ચીરીને બાલ્કનીમાં તો એક ગોળી અપાર્ટમેન્ટની નીચે પડી હતી. ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન સહિત કોઈ બહાર નહોતું એટલે આ ગોળીબારમાં કોઈને ઈજા નહોતી પહોંચી, પણ ફાયરિંગનો અવાજ સાંભળીને ગૅલૅક્સી અપાર્ટમેન્ટ અને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. આ ફાયરિંગ મોટરસાઇકલ પર આવેલા બે જણમાંથી પાછળ બેઠેલી વ્યક્તિએ કર્યું હોવાનું આ ઘટનાના વિડિયોના ફુટેજમાં જણાઈ આવ્યું છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરોપીઓને શોધવા માટે ૧૫ ટીમ બનાવી છે. એ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે અને સલમાન ખાનની સિક્યૉરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. સલમાન ખાને આ ઘટના વિશે કંઈ નથી કહ્યું, પરંતુ તેના પિતા સલીમ ખાને કહ્યું હતું કે જાનથી મારી નાખવા માટે નહીં પણ પબ્લિસિટી મેળવવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે એટલે પરેશાન થવાની જરૂર નથી.

ગયા વર્ષે માર્ચ મહિનામાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીની ઈ-મેઇલ તેના મૅનેજરને મળી હતી. આ ધમકી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના નામથી આપવામાં આવી હોવાનું જણાતાં પોલીસે તેમની સામે FIR નોંધીને તપાસ હાથ ધરી હતી અને સલમાનના ઘરની બહાર પોલીસની ગાડી ઊભી રાખીને તેની સિક્યૉરિટી વધારવામાં આવી હતી. પોલીસની ગાડી હોવા છતાં ગઈ કાલે સવારના અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવતાં બધા ચોંકી ઊઠ્યા છે.

પાંચ રાઉન્ડ ફાયરિંગમાં જોકે કોઈને ઈજા નથી થઈ અને સલમાનનો પરિવાર સુરક્ષિત હોવા છતાં તેના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. સલમાનના પિતા સલીમ ખાને ચિંતા જેવી કોઈ વાત ન હોવાથી ફૅન્સને પરેશાન ન થવા કહ્યું છે.

બિલ્ડિંગમાં રહેતા પ્રોડ્યુસરે શું કહ્યું?

ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં રહેતા ફિલ્મ-પ્રોડ્યુસર પ્રેમ રાજ સોનીએ કહ્યું હતું કે ‘વહેલી સવારે અમે ભરઊંઘમાં હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ સાંભળીને જાગી ગયા હતા. એ સમયે કોઈ મોટી ઘટના થઈ હોવાની આશંકાથી અમે ખૂબ ડરી ગયા હતા. સલમાન ખાન એકદમ ઠીક છે. અમને પોલીસની ટીમ પર ભરોસો છે. બધી બાબતનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. ગભરાવાની જરૂર નથી. ઈમાનદારીથી કહું તો અમને ઑથોરિટી પર ભરોસો છે. અમે બધા સેફ છીએ.’

કોણે જવાબદારી લીધી?

સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી સંબંધી એક ફેસબુક પોસ્ટ સામે આવી છે જે કોઈક અનમોલ બિશ્નોઈ નામની વ્યક્તિના અકાઉન્ટમાંથી કરવામાં આવી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે આ ગોળીબાર કરાવ્યો છે. એમાં લખવામાં આવ્યું છે કે ‘અમે અમન ચાહીએ છીએ, જુલ્મ સામેનો ફેંસલો જંગથી થતો હોય તો જંગ કરીશું. સલમાન ખાન, અમે આ તને ટ્રેલર દેખાડ્યું છે જેથી તું અમારી તાકાત સમજી શકે. અમારી તાકાતની વધુ પરીક્ષા ન લે. આ પહેલી અને છેલ્લી વૉર્નિંગ છે, આ પછી ગોળી માત્ર ઘર પર નહીં ચાલે. તેં જે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માન્યા છે એમના નામના અમે બે કૂતરા પાળ્યા છે. વધુ બોલવાની અમને આદત નથી. જય શ્રીરામ, જય ભારત. લૉરેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રાર, કાલા જઠેડી, રોહિત ગોદારા.’

અનમોલ બિશ્નોઈ કૅનેડા કે અમેરિકામાં રહેતો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

શૂટરના ફોટો સામે આવ્યા

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શૂટરના ફોટો પોલીસને હાથ લાગ્યા છે. બાંદરા રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં તેઓ ઝડપાઈ ગયા છે, જેમાં એક શૂટર સફેટ ટી-શર્ટમાં તો બીજો લાલ ટી-શર્ટમાં હોવાનું જણાય છે. આ મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ શરૂ કરી છે, જેમાં મહત્ત્વની માહિતી હાથ લાગી છે. સલમાનના ઘરે ફાયરિંગ કરનારા શૂટર્સ હરિયાણા અને રાજસ્થાનના હોવાની શક્યતા છે. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલા રાજસ્થાનના કુખ્યાત રોહિત ગોદારાની ગૅન્ગે શૂટરો અરેન્જ કર્યા હોવાનું કહેવાય છે. CCTV કૅમેરામાં પાછળ ઊભેલો યુવક હરિયાણાના ગુરુગ્રામનો વિશાલ ઉર્ફે કાલુ હોવાની શક્યતા છે. તે રોહિત ગોદારા ગૅન્ગનો શૂટર છે જેણે તાજેતરમાં જ હરિયાણાના રોહતકમાં એક બુકીની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં બુકીની મમ્મીને પણ ગોળી વાગી હતી. ફોટો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસની સાથે દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ છે.

સેન્ટ મૅરી ચર્ચ પાસે મોટરસાઇકલ

બાંદરા પોલીસે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા અજાણ્યા શૂટરો સામે સલમાનના ગાર્ડના નિવેદનને આધારે FIR નોંધીને તપાસ શરૂ sjh છે. બપોરના સમયે સલમાનના ઘરની નજીક આવેલા સેન્ટ મૅરી ચર્ચની બહાર એક મોટરસાઇકલ મળી આવી હતી, જે શૂટરોની હોવાની શક્યતા છે. અહીંથી શૂટરો ઑટોરિક્ષામાં બાંદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હોવાનો અંદાજ છે.

સિક્યૉરિટી વધારવામાં આવી

ડેપ્યુટી પોલીસ કમિશનર રાજતિલક રોશને આ ઘટના સંબંધે કહ્યું હતું કે ‘વહેલી સવારના પાંચેક વાગ્યે ફાયરિંગ થવાની ઘટના બાદ સલમાન ખાન અને તેના ઘરની આસપાસની સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે. વિડિયો ફુટેજમાં જણાઈ આવ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા લોકોએ આ ગોળીબાર કર્યો છે. તેમને પકડવા માટે ૧૫ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ગયા વર્ષે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેના ઘરની બહાર પોલીસની એક ગાડી તહેનાત છે.’

મુખ્ય પ્રધાને વાત કરી

ફાયરિંગ થવાની ઘટનાની જાણ થતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે વાત કરી હતી અને તેમણે સુરક્ષામાં વધારો કરવાની સાથે આરોપીઓને પકડવા માટે બાંદરા પોલીસ સ્ટેશનની સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી આપી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આ ખૂબ જ ગંભીર ઘટના છે. મેં પોલીસ કમિશનરને સઘન તપાસનો નિર્દેશ આપ્યો હતો અને સલમાન ખાન સાથે વાત કરીને તમામ સહયોગ આપવાનું કહ્યું હતું. કાયદો હાથમાં લેનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે.’

Salman Khan bandra mumbai police mumbai mumbai news entertainment news