પાલઘરમાં ઝવેરીઓએ ૨૦૦ મુસાફરો માટે જમવા-રહેવાની વ્યવસ્થા કરી

05 September, 2019 09:54 AM IST  | 

પાલઘરમાં ઝવેરીઓએ ૨૦૦ મુસાફરો માટે જમવા-રહેવાની વ્યવસ્થા કરી

આજના કળિયુગમાં સગાઓ મુસીબતના સમયે મોઢું ફેરવી લેતા હોય છે ત્યારે કેટલાક લોકો એવાય હોય છે જે માત્ર એક ફોનથી દોડતા આવીને સેવામાં મંડી પડે છે. ગઈ કાલે પાલઘર રેલવે સ્ટેશને વરસાદને લીધે અટકી પડેલી ટ્રેનમાં ૨૦૦ મુસાફરો રઝળી પડ્યા હતા. સવારના ૧૦.૩૦ વાગ્યે બિકાનેર-દાદર સુપરફાસ્ટ ટ્રેન બોઈસર સ્ટેશન પાસે ઊભી રહી ગઈ હતી. આ સમયે મોટા ભાગના મુસાફરો પાસે ખાવા-પીવાની કોઈ વસ્તુ નહોતી અને વરસાદ રોકાવાનું નામ ન લેતો હોવાથી ટ્રેન આગળ વધે એવા એંધાણ પણ નહોતા. 

બધા મુસાફરો ચિંતામાં હતા ત્યારે ભાઈંદરમાં પંચરત્ન જ્વેલર્સમાં કામ કરતો કાંતિ પણ ટ્રેનમાં હતો એણે પોતાના શેઠ ભંવરલાલ મહેતાને ફોન કરીને પરિસ્થિતિની જાણ કરી હતી. ભંવરભાઈએ તરત જ પાલઘર જ્વેલર્સ અસોસિએશનના કાંતિલાલજી અને અરુણજીનો સંપર્ક કરીને મુસાફરો માટે જમવા-રહેવાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો: બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું

પાલઘરના ઝવેરીઓએ ત્યાંના તેરાપંથ ભવનમાં બધા માટે જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. ટ્રેન બોઈસરથી ધીમે ધીમે આગળ વધીને પાલઘર પાસે ૧૧.૩૦ વાગ્યે પહોંચી હતી ત્યારે પરિવાર સાથેના ૨૦૦ જેટલા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારીને તેરાપંથ ભવનમાં લઈ જવાયા હતા.

mumbai mumbai rains gujarati mid-day