કોલ્ડ સ્ટોરેજ સામે વેપારીઓ ગરમ

25 January, 2023 09:22 AM IST  |  Mumbai | Mehul Jethva

આ સ્ટોરેજમાં ચાલી રહેલા ગેરકાયદે વેપાર સામે એપીએમસીના વેપારીઓ ભડક્યા : બજાર સમિતિ, પોલીસ-પ્રશાસન અને સુધરાઈની સંયુક્ત મીટિંગ યોજાઈ : ગેરકાયદે વેપાર બંધ કરીને નિયંત્રણ રાખવા એક કમિટી બનાવવામાં આવશે

અફઘાનિસ્તાનના ગેરકાયદે વેપારીઓ સામે ગઈ કાલે થયેલી મીટિંગ.


મુંબઈ : મૅફ્કો માર્કેટ કોલ્ડ સ્ટોરેજમાં ચાલતા ગેરકાયદે વેપાર સામે બજાર સમિતિમાં વેપારી મંડળોએ અવાજ ઉઠાવ્યો હતો. એના પર ગઈ કાલે પોલીસ-પ્રશાસન, કોલ્ડ સ્ટોરેજના ચાલકો અને ફ્રૂટમાર્કેટનાં વેપારી મંડળોના હોદ્દેદારોની એક જૉઇન્ટ મીટિંગ યોજાઈ હતી. એમાં આ ગેરકાયદે વેપારને તાત્કાલિક બંધ કરવાની માગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. લાઇસન્સ વગર વેપાર કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી. આ જૉઇન્ટ મીટિંગમાં ગેરકાયદે વેપાર પર અંકુશ લગાવવા માટે એક કમિટી તૈયાર કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુંબઈ ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં સરકારે કૃષિ વેપારમાં ઉપયોગી થાય એ માટે અહીં કોલ્ડ સ્ટોરેજ માટે પ્લૉટ આપ્યા છે, જેમાં વિવિધ કંપનીઓ અને બજાર સમિતિના કોલ્ડ સ્ટોરેજ આવેલાં છે. આ સ્થળોએ કૃષિ ચીજવસ્તુઓનો સંગ્રહ થવો જોઈએ, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક કોલ્ડ સ્ટોરેજ પરિસરમાં ફળોનો ગેરકાયદે વેપાર ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનના સફરજન-વિક્રેતાઓ સાંજે ૬થી ૧૨ વાગ્યા સુધી આ વેપાર ચલાવે છે. અફઘાનિસ્તાનના વેપારીઓ ફ્રૂટ્સ વેચવા માટે ગેરદાયદે ફુટપાથ પર કબજો કરીને લાઇસન્સ વિના બિન્દાસ રોજ ૩૦થી ૪૦ ટ્રક માલ વેચી રહ્યા હોવાની માહિતી વેપારીઓને મળી હતી. આ વિશે ફ્રૂટમાર્કેટના વેપારીઓએ અવાજ ઉઠાવ્યો હતો. અગાઉ સરકારે પણ આ વેપાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સમિતિના વેપારીઓ આક્રમક થતાં બજારના વહીવટી તંત્રે ગઈ કાલે તમામ ઘટક મંડળીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં એપીએમસી પોલીસ સ્ટેશનનના પોલીસ અધિકારીઓ, બજાર સમિતિના અધિકારીઓ, વેપારી પ્રતિનિધિઓ અને કોલ્ડ સ્ટોરેજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગેરકાયદે વેપાર કરતા લોકો સામે લાલ આંખ કરીને એક કમિટી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કોલ્ડ સ્ટોરેજના બે પ્રતિનિધિઓ, બજાર સમિતિના બે પ્રતિનિધિઓ, વેપારી મંડળીના બે પ્રતિનિધિઓની ટીમ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો:અભી તો યે અંગડાઇ હૈ, આગે ઔર લડાઈ હૈ

એપીએમસી ફ્રૂટમાર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાનથી આવતા વેપારીઓ ગેરકાયદે કોલ્ડ સ્ટોરેજની બહાર લાઇસન્સ વગર વ્યવસાય કરતા હોવાનું સામે આવ્યું હતું, જેનો ફ્રૂટમાર્કેટના કેટલાક વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ પહેલાં તેમને વૉર્નિંગ આપવામાં આવી હતી, પણ એમાં કોઈ સુધારો ન થતાં અમે ગઈ કાલે પોલીસ-પ્રશાસન, પાલિકા-પ્રશાસન અને વેપારીઓ તેમ જ કોલ્ડ સ્ટોરેજના પ્રતિનિધિઓ સાથે એક સંયુક્ત મીટિંગ કરી હતી, જેમાં આ ગેરકાયદે વેપારને રોકવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી.’ 
ગેરદાયદે વ્યવસાય કરતા વેપારીઓની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘વિક્રેતાઓ સફરજન જેવાં ફ્રૂટ્સ અફઘાનિસ્તાનથી મોટા પ્રમાણમાં લીવીને માર્કેટની બહાર વેચતા હોય છે, જેનું કોઈ બિલ નથી બનતું અને કોઈ જગ્યા પર એની એન્ટ્રી પણ નથી થતી. આ સફરજનની ક્વૉલિટી પણ ચેક કરવામાં નથી આવતી. મુંબઈ, થાણે, નવી મુંબઈમાં નાના વેપારીઓ સામાન્ય જનતાને આવાં સફરજન વેચતાં હેલ્થ-ઇશ્યુ પણ આવી શકે છે. આ તમામ ચીજોનું ધ્યાન કરીને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.’

mumbai news apmc market