07 July, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાર સ્ટેશન પર અટવાયેલી ટ્રેનો અને મુસાફરોને ચા-નાસ્તો કરાવતા લોકો.
મુંબઈથી લગભગ ૫૦૦ જૈનો અને ઑલઓવર ઇન્ડિયામાંથી ૧૩૦૦ લોકો ચ્યવન કલ્યાણકની ઉજવણી માટે પાલિતાણા ગયા હતા. ગઈ કાલે મુંબઈ પાછા ફરતી વખતે ભારે વરસાદને કારણે ટ્રેન વિરાર રેલવે-સ્ટેશન પર અટકાવી દેવામાં આવતાં તેઓ કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. સવારે ૭ વાગ્યાથી રાહ જોયા બાદ બપોરે ૩.૩૦ વાગ્યે મુંબઈથી થાર ગાડી બોલાવીને કેટલાક મેમ્બરો કાંદિવલી તરફ રવાના થયા હતા.
આ સંદર્ભે ‘મિડ-ડે’ને માહિતી આપતાં શ્રી મુંબઈ જૈન સંઘ સંઘઠન અને વર્ધમાન પરિવારનાં દૃષ્ટિ શાહે જણાવ્યું હતું કે ‘ભારતભરમાંથી વિધિ પરિવારના ૧૩૦૦ જૈન સભ્યો પાલિતાણા ગયા હતા. અન્ય જૈન સંઘના સભ્યો મળીને લગભગ ૫૦૦૦ લોકો હતા. એમાંથી મુંબઈથી ૫૦૦ સભ્યો હતા. વિધિ પરિવાર દ્વારા અમારું આયોજન હતું. પાલિતાણામાં ચ્યવન કલ્યાણકની ઉજવણી હતી. ભગવાન માતાના ગર્ભમાં આવે એને ચ્યવન કલ્યાણક કહે છે. જેઠ વદ ચોથના દિવસે શનિવારે આદીશ્વર ભગવાનનું જ ચ્યવન કલ્યાણક હતું. એ દિવસે સ્નાત્ર મહોત્સવ, સંધ્યાભક્તિ, ચ્યવન કલ્યાણકની ઉજવણી વગેરે કાર્યક્રમો યોજાયા હતા. અલગ-અલગ ધર્મશાળાઓમાં અને મહારાષ્ટ્ર ભવનમાં ઉતારો આપ્યો હતો. કાર્યક્રમ બાદ બધાએ પાલિતાણાની યાત્રા કરી હતી. રવિવારે સાંજે ૬ વાગ્યાની મુંબઈની પહેલી ટ્રેન હતી અને ૭ વાગ્યે બીજી ટ્રેન હતી ૧૨૯૭૨ ભાવનગર-બાંદરા એક્સપ્રેસ. સવાર સુધી ટ્રેન બરાબર ચાલી હતી. દહાણુ પછી વરસાદ ચાલુ થઈ ગયો. વિરારમાં ટ્રેન રોકી દેવામાં આવી, કારણ કે નાલાસોપારા-વસઈમાં પાણી ભરાઈ ગયાં હતાં. નાલાસોપારામાં ચાર-ચાર અને પાંચ-પાંચ ફુટ પાણી પ્લૅટફૉર્મ સુધી આવી ગયાં હતાં. એને કારણે લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ હતી. અમારી સાથે-સાથે હાપાથી ટ્રેન આવી, પછી દુરૉન્તો અને જમ્મુ-તવી અને બીજી એક ટ્રેન પણ આવી હતી. ઘણાબધા જૈનોનાં એકાસણાં હતાં અને ઘરે કેમ પહોંચાશે એની ચિંતા થતી હતી. હજારો મુસાફરો ટ્રેનમાં ભૂખ્યા-તરસ્યા ફસાયા હોવાના સમાચાર મળતાં જ શ્રી વિરાર અચલગચ્છ જૈન સંઘ-ગીતા સ્મૃતિ ભવનના કાર્યકરો તાત્કાલિક વહારે આવ્યા હતા. વૉટ્સઍપ ગ્રુપો દ્વારા મેસેજ વહેતા કરીને સંઘે જાહેરાત કરી કે કોઈ પણ મુસાફરને રહેવા, ખાવા કે ચા-પાણીની તકલીફ હોય તો તેમની ધર્મશાળાની રૂમો નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જૈન સંઘના કાર્યકરો ધોધમાર વરસાદની પરવા કર્યા વગર સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે આખી ટ્રેનમાં ફસાયેલા તમામ મુસાફરો માટે ગરમ-ગરમ ચા, નાસ્તો, ખીચડી અને પૌંઆની અને શ્રાવકોનાં એકાસણાંની વ્યવસ્થા કરી હતી. વિરારથી આગળ જવાની શક્યતા જણાતી નહોતી. હેવી રેઇનફૉલની આગાહી જોતાં અમે વિરાર ઊતરી ગયા અને થારમાં કાંદિવલી સાઇડ જવા નીકળ્યા હતા. અન્ય કેટલાક લોકો પણ બાય રોડ નીકળી ગયા હતા.’
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે રેલવેવ્યવહાર ખોરવાઈ જતાં હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. નાલાસોપારા અને વસઈ રેલવે-ટ્રૅક પર ચારથી પાંચ ફુટ પાણી ભરાઈ જવાને કારણે અંદાજે ૩૦ જેટલી ટ્રેનો રદ કે સસ્પેન્ડ કરવી પડી હતી. આવી કપરી પરિસ્થિતિમાં વિરાર સ્ટેશને અટવાયેલી ૪ ટ્રેનોના ૧૩૦૦થી વધુ મુસાફરો માટે સ્થાનિક જૈન સંઘો અને જીવદયાપ્રેમીઓ દેવદૂત બનીને આવ્યા હતા અને કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તમામ મુસાફરોની નિઃશુલ્ક સેવા કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
૧૩૫ મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા
શ્રી વિરાર અચલગચ્છ જૈન સંઘના કૅપ્ટન તરુણ વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભારે વરસાદમાં ફસાયેલા ૩૦૦થી વધુ લોકોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી હતી. સંઘ દ્વારા સવારે ચા-નાસ્તો અને બપોરનું ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. ઉપરાંત ૧૩૫ મુસાફરોને ગીતા સ્મૃતિ ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.’
વર્ષીતપ કરી રહેલા ૮ તપસ્વીઓ માટે ૧૨ બ્યાસણાં, ઉકાળેલા પાણી તેમ જ ૧૮ એકાસણાંની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર સેવા કાર્યમાં સંઘના ૩૫ સેવકોએ સેવા આપી હતી. મુસાફરો માટેનું ભોજન પણ સેવકોએ પોતાના હાથે તૈયાર કર્યું હતું.
ભારે વરસાદના કારણે ગઈ કાલે સવારે ટ્રેનવ્યવહાર ખોરવાતાં કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભિલાડ રેલવે-સ્ટેશન પર પાંચ કલાક અટકી પડી હતી. લાંબા સમય સુધી ટ્રેન ઊભી રહેવાના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા અને પરેશાન થઈ ગયા હતા. આ મુશ્કેલ સમયમાં મુસાફરોની વહારે આવીને ભિલાડ જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રુપે તાત્કાલિક ધોરણે ટ્રેનમાં અટકેલા આશરે ૭૦૦ મુસાફરો માટે નાસ્તો, બિસ્કિટ, કેળાં, પાણીની બૉટલ તેમ જ પૌષ્ટિક ગરમ ભોજનની સુંદર વ્યવસ્થા કરી હતી. જૈન સોશ્યલ ગ્રુપની આ સમયસરની મદદથી મુસાફરોને મોટી રાહત મળી હતી અને તમામ નાગરિકોએ સંસ્થાની આ ઉમદા કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી આભાર માન્યો હતો.