તેજસ એક્સપ્રેસના કર્મચારીઓને ગુજરાતી પહેરવેશ આપ્યો જ કેમ: મનસે

17 January, 2020 08:48 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

તેજસ એક્સપ્રેસના કર્મચારીઓને ગુજરાતી પહેરવેશ આપ્યો જ કેમ: મનસે

રેલવેની વેબસાઈટ પર મુકાયેલી તસવીર.

રેલવે ભારતની બીજી ખાનગી ધોરણે સંચાલિત તેજસ એક્સપ્રેસ ટ્રેન માટે સજ્જ છે જે રાજવી ઠાઠમાઠ સાથે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. જોકે એ ટ્રેન દોડતા દોડશે, પણ એ પહેલાં જ વિવાદ ઊભો થઈ ગયો છે એના રેલવે-કર્મચારીઓને અપાયેલા પરંપરાગત ગુજરાતી પહેરવેશનો. એમએનએસે એવી ધમકી આપી છે કે બદલી નાખો આ પહેરવેશ, નહીં તો ટ્રેનને મુંબઈમાં જ પ્રવેશવા નહીં દઈએ.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ જણાવ્યું હતું કે ‘ટ્રેન પરના હૉસ્ટ અને હૉસ્ટેસને આપવામાં આવેલો પરંપરાગત ગુજરાતી યુનિફોર્મ જો બદલવામાં આવશે નહીં તો તેઓ આ ટ્રેનને મુંબઈમાં પ્રવેશવા દેશે નહીં.’

ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્ર એ બન્ને રાજ્યોને સેવા પૂરી પાડે છે અને એમાં માત્ર ગુજરાતી પોષાકને જ યુનિફોર્મ તરીકે રાખવામાં આવે એ અયોગ્ય છે એમ એમએનએસ પક્ષના મિલિન્દ પંચાલે જણાવ્યું હતું.

આ ટ્રેન માટે વેસ્ટર્ન રેલવેએ એની વર્તમાન ૧૩ ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ટ્રેનમાં મળતી સુવિધાઓમાં ટ્રેનને વિલંબ થયે નાણાકીય વળતર અને પચીસ લાખ રૂપિયાના ઇન્શ્યૉરન્સ કવરની સાથે મુસાફરી દરમ્યાન થતી ચોરી સામે કવરનો પણ સમાવેશ થાય છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલ શુક્રવારે આ ટ્રેનને લીલી ઝંડી આપશે તથા ૧૯ જાન્યુઆરીથી આ ટ્રેન મુસાફરો માટે નિયમિતપણે દોડશે.

ટ્રેનના મેન્યુમાં કોમ્બડી રસ્સા, ભાખરવડી, કોંકણી ચિકન, ગુજરાતી કઢી તથા ખાખરા સહિત ગુજરાતી અને મરાઠી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ-મુંબઈના સિંગલ પ્રવાસની ટિકિટ ૧૬૦૦ રૂપિયા છે તથા બાળકો માટે કોઈ વળતર રાખવામાં આવ્યું નથી. ટ્રેન માગ અનુસાર ટિકિટ દર ધરાવે છે. મંદ, વ્યસ્ત અને તહેવારોની મોસમ અનુસાર ભાડું જુદું-જુદું રહેશે.

આઇઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આઇઆરસીટીસીની ટ્રેનમાં પ્રવાસ કરનારા તમામ મુસાફરોને ૨૫ લાખ રૂપિયા સુધીનો રેલ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ વિનામૂલ્યે આપવામાં આવશે.’

તેમણે ઉમેર્યું હતું કે આ કોમ્પ્લિમેન્ટરી ટ્રાવેલ ઇન્શ્યૉરન્સમાં મુસાફરોના પ્રવાસના સમય દરમ્યાન ચોરી કે લૂંટ સામે એક લાખ રૂપિયાના કવરેજનો પણ સમાવેશ થાય છે આ વિશિષ્ટ લાક્ષણિકતા ઉપરાંત જો ટ્રેન એક કલાક કરતાં વધુ મોડી પડી તો આઇઆરસીટીસી ૧૦૦ રૂપિયા વળતરપેટે અને બે કલાક કરતાં વધુ મોડી પડી તો ૨૫૦ રૂપિયા વળતરપેટે પ્રત્યેક પ્રવાસીને ચૂકવશે એમ તેમણે જણાવ્યું હતું.

ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્ર એ બન્ને રાજ્યોને સેવા પૂરી પાડે છે અને એમાં માત્ર ગુજરાતી પોષાકને જ યુનિફોર્મ તરીકે રાખવામાં આવે એ અયોગ્ય છે

- મિલિન્દ પંચાલ, એમએનએસ

આવું જે પણ વિચારે છે એ ખોટું વિચારે છે, કારણકે તેજસ એક્સપ્રેસનું ઉદ્ઘાટન અમદાવાદથી થવાનું હોવાથી કર્મચારીઓને કાઠિયાવાડી પરિવેશ અપાયો છે. આ ડ્રેસ બદલાયા કરશે.

- શ્રી હિમાલયન, આઈઆરસીટીસી ગ્રુપ જનરલ મૅનેજર