શિવસેનાનો કૉર્પોરેટર 10,000 રૂપિયાની લાંચ લેતાં પકડાયો

08 May, 2019 12:41 PM IST  |  મુંબઈ | (મિડ-ડે પ્રતિનિધિ)

શિવસેનાનો કૉર્પોરેટર 10,000 રૂપિયાની લાંચ લેતાં પકડાયો

પ્રતીકાત્મક તસવીર

પોતાના વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ કરવાને બદલે આ કામને સંરક્ષણ આપવા માટે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માગવાના આરોપસર થાણે ઍન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ સોમવારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના શિવસેનાના કરોડપતિ નગરસેવક કમલેશ યશવંત ભોઈર તથા તેમના વતી લાંચની રકમ સ્વીકારનારા લેબર કૉન્ટ્રૅક્ટરની પણ ધરપકડ કરી હતી. ૨૦૧૭માં મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આરોપી કમલેશ ભોઈરે સબમિટ કરેલા સોગંદનામામાં સત્તાવાર રીતે ૧ કરોડ ૯ લાખ રૂપિયાની સંપત્તિ હોવાનું દર્શાવ્યું હતું.

એસીબીના અધિકારીએ જણાવ્યા મુજબ મીરા રોડના કાશીમીરામાં આવેલા મુનશી કમ્પાઉન્ડમાં રહેતા ફરિયાદી દ્વારા તેના ઘરમાં માળિયાનું કામ ચાલી રહ્યું હતું. આ કામ માટે પરવાનગી લીધી ન હોવાનું ધ્યાનમાં આવતાં આ વિસ્તારના પ્રભાગ-નંબર ૧૫ (ડી)ના શિવસેનાના નગરસેવક કમલેશ ભોઈરે ૨૫,૦૦૦ રૂપિયા માગ્યા હતા. આ રકમ નહીં આપે તો પાલિકાના અધિકારીને કહીને એ બાંધકામ તોડી પાડવાની ચીમકી તેમણે ફરિયાદીને આપી હતી.

ફરિયાદીએ થાણે એસીબીમાં નગરસેવક તથા લેબર કૉન્ટ્રૅક્ટર સામે લાંચ માગવાની ફરિયાદ કરવાની સાથે કેટલાક પુરાવા સોંપ્યા હતા. એસીબીએ આ મામલાની ચકાસણી કરતાં ૨૦૧૯ની ૬ઠ્ઠી મેએ નગરસેવક કમલેશ ભોઈરે ફરિયાદી પાસે લાંચ માગી હોવાનું સ્પષ્ટ થયું હતું. નગરસેવક વતી ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ સ્વીકારવાના આરોપસર પોલીસે લેબર કૉન્ટ્રૅક્ટર ૪૮ વર્ષના ગોરખનામ ઠાકુર શર્મા અને નગરસેવક કમલેશ ભોઈરની એસીબીની કલમ ૭ અને ૭અ હેઠળ ધરપકડ કરી હતી.

૧ કરોડ ૯ લાખની સંપત્તિ

નગરસેવક કમલેશ ભોઈરે ચૂંટણી વખતે સબમિટ કરેલા સોગંદનામામાં તેની પાસે ૧ કરોડ ૯ લાખ રૂપિયાની સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. તેનાં ભાઈ-ભાભી પણ શિવસેનાનાં નગરસેવક છે. આ પરિવાર સાધનસંપન્ન છે. ગર્ભશ્રીમંત પરિવારના નગરસેવકની મામૂલી રકમની લાંચ લેવાના આરોપસર ધરપકડ થતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ગેરકાયદે બાંધકામને સંરક્ષણ

લોકો પોતાના વિસ્તારનો વિકાસ કરવા માટે નગરસેવકોને ચૂંટીને પાલિકામાં મોકલે છે. આરોપી નગરસેવક કમલેશ ભોઈર જેવા નેતાઓ વિકાસ કરવાની વાત બાજુએ મૂકીને ગેરકાયદે બાંધકામ કરનારાઓને સંરક્ષણ આપતા હોવાનું આ કેસ પરથી જણાઈ આવે છે.

પાલિકાની છબિ ખરડાઈ

અગાઉ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના નરેન્દ્ર મહેતાથી માંડીને વંદના ચક્રે, વર્ષા ભાનુશાલી, અશોક તિવારી સહિતના નગરસેવકોની લાંચ લેવાના આરોપસર ધરપકડ થઈ ચૂકી છે. નગરસેવકો જ અવારનવાર ગુનો આચરતા હોવાથી પાલિકાની છબિ ખરડાઈ છે.

આ પણ વાંચો : મુંબઈ: આઇસીએસઈનાં ગુજરાતી તારલા

૨૦૧૭માં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ચૂંટણી ચારની પૅનલ સિસ્ટમથી થઈ હતી. કાશીમીરાની પૅનલ ૧૫માં બીજેપીના ૩ અને શિવસેનાના એકમાત્ર નગરસેવક કમલેશ ભોઈર ચૂંટાયા હતા. કહેવાય છે કે તેમને પણ બીજેપીમાં લાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા હતા.

mumbai shiv sena mira road bhayander Crime News mumbai crime news