ગણેશોત્સવ દરમ્યાન મેટ્રો 2A અને 7 મધરાત સુધી દોડશે

25 August, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય દિવસોમાં રાતના ૧૧ વાગ્યા સુધી દોડતી આ મેટ્રો ગણેશોત્સવ દરમ્યાન મધરાતના ૧૨ વાગ્યા સુધી દોડાવવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવ દરમ્યાન મુંબઈગરાઓને અલગ-અલગ વિસ્તારોના ગણપતિનાં દર્શન કરવા જવા-આવવામાં અનુકૂળતા રહે એ માટે મુંબઈ મેટ્રો 2A (યલો લાઇન - દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટ) અને મેટ્રો 7 (દહિસર-ઈસ્ટથી ગુંદવલી)ના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં રાતના ૧૧ વાગ્યા સુધી દોડતી આ મેટ્રો ગણેશોત્સવ દરમ્યાન મધરાતના ૧૨ વાગ્યા સુધી દોડાવવામાં આવશે. આ સુવિધા ૨૭ ઑગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી ૧૧ દિવસ મળી શકશે. 
 

કઈ રીતે રહેશે મેટ્રોની સુવિધા?
સોમવારથી શુક્રવાર
 કુલ ૩૧૭ સર્વિસ (આ પહેલાંની ૩૦૫ સર્વિસમાં ૧૨ સ​ર્વિસનો વધારો)
 પીક અવર્સમાં દર પાંચ મિનિટ ૩૦ સેકન્ડે એક ટ્રેન
 પીક અવર્સ ન હોય ત્યારે દર ૯ મિનિટ ૩૦ સેકન્ડે એક ટ્રેન
શનિવાર
 કુલ ૨૫૬ સર્વિસ (આ પહેલાંની ૨૪૪ સર્વિસમાં ૧૨ સર્વિસ વધારવામાં આવી)
 પીક અવર્સમાં દર ૮ મિનિટ ૬ સેકન્ડે એક ટ્રેન
 પીક અવર્સ ન હોય ત્યારે ૧૦ મિનિટ ૨૫ સેકન્ડે એક ટ્રેન
રવિવાર
કુલ ૨૨૯ સર્વિસ (આ પહેલાંની ૨૧૭ સર્વિસમાં ૧૨ સર્વિસનો વધારો)
દર ૧૦ મિનિટે એક ટ્રેન
 પ્રવાસીઓની ડિમાન્ડ હશે તો વધારાની સર્વિસ પણ દોડાવવામાં આવશે.

ઇન્ડિયન રેલવે ગણેશોત્સવમાં વધારાની ૩૮૦ ટ્રેન દોડાવશે

કોકણના રહેવાસીઓ દ્વારા ગણેશોત્સવમાં ગણપતિની સ્થાપના તેમના વતનના ગામમાં અથવા મૂળ ઘરમાં કરવાની પરંપરા છે એટલે હજારોની સંખ્યામાં મુંબઈમાં રહેતા કોકણવાસીઓ તેમના મૂળ વતનના ઘરે જતા હોય છે. મુંબઈ જ નહીં, આજુબાજુનાં શહેરો અને રાજ્યોમાંથી પણ કોકણવાસીઓ ગણપતિમાં વતન જતા હોય છે. તેમને આવવા-જવામાં સરળતા રહે એ માટે આ વર્ષે ઇન્ડિયન રેલવે ૩૮૦ વધારાની ટ્રેનો દોડાવવાની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગણેશોત્સવની સ્પેશ્યલ ટ્રેનોમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૩માં ૩૦૫ અને ૨૦૨૪માં ૩૫૮ ટ્રેન દોડાવવામાં આવી હતી અને આ વર્ષે ૩૮૦ વધારાની ટ્રેન દોડાવવામાં આવશે.

આ ૩૮૦ ટ્રેનમાંથી ૨૯૬ ટ્રેન કોકણ માટે જ ફાળવવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે ૫૬, સાઉથ વેસ્ટર્ન રેલવે બાવીસ અને કોકણ રેલવે ૬ વધારાની ટ્રેન દોડાવશે. કોકણ તરફ જનારી આ ટ્રેનો કોલાડ, માણગાવ, ચિપલૂણ, રત્નાગિરિ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાળ, સાવંતવાડી રોડ, મડગાવ, કારવાર ઉડુપી અને સુરથકલ સ્ટેશનો પર ઊભી રહેશે.

mumbai news mumbai mumbai metro ganesh chaturthi mumbai metropolitan region development authority indian railways festivals