મલાડના પિંપરીપાડામાં દીવાલ પડવાના ૨૦ દિવસ પછી પણ ૪૨ પરિવાર નોધારા

22 July, 2019 07:20 AM IST  |  મુંબઈ | દિપાલી ક્રિપલાની

મલાડના પિંપરીપાડામાં દીવાલ પડવાના ૨૦ દિવસ પછી પણ ૪૨ પરિવાર નોધારા

અસરગ્રસ્તોને નથી મળ્યું વૈકલ્પિક રોકામ

મલાડમાં પિંપરીપાડાની દીવાલ ધરાશાયી થયાની ઘટનાને ૨૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે છતાં અસરગ્રસ્તો હજી સુધી છત વગર નોધારા રખડી રહ્યા છે. જોકે ઑથોરિટીઓ દ્વારા અસરગ્રસ્તોને માહુલ સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે પણ પિંપરીપાડાના રહીશો માહુલ જવા તૈયાર નથી અને તેઓ કાંદિવલી-મલાડની વચ્ચે કોઈ જગ્યાએ તેમનું સ્થળાંતર કરવામાં આવે એવો અનુરોધ કરી રહ્યા છે.

પી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજોગ કબરેએ જણાવ્યું હતું કે ‘આ કામકાજ ફૉરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, પણ સ્થળાંતર કરવા માટે માહુલ સિવાય બીએમસી પાસે અન્ય કોઈ જગ્યા નથી. અત્યારે ૧૦૦ જેટલી જગ્યા માહુલમાં ઉપલબ્ધ છે.’

ફૉરેસ્ટના અસિસ્ટન્ટ કમિશનર ડી.જે. સિંહે જણાવ્યું હતું કે ‘સ્થળાંતર માટે કામ કરી રહ્યા છીએ, પણ મોટા ભાગના પરિવારો શહેરથી બહાર છે. બીએમસીએ અમને ૧૦૦ જગ્યા આપી છે, પણ અસરગ્રસ્તો ત્યાં જવા માગતા નથી.’

પિંપરીપાડાના રહીશ અમન ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે માહુલમાં સ્થળાંતર કરાવવાના છે, પણ અમે ત્યાં જઈશું નહીં. જોકે મારી માતાએ કહ્યું હતું કે જે લોકોએ સર્વે કર્યો તેમણે જણાવ્યું હતું કે અમારું સ્થળાંતર અપ્પા પાડામાં કરાશે.’
ગુપ્તા પરિવાર સાથે દુશાદ પરિવાર હાલમાં તાડપત્રીવાળાં ઘરોમાં રહે છે.

અન્ય એક રહીશ અંકિતા પૈઠણે અને તેનો પરિવાર હાલમાં અંકિતાનાં માતા-પિતાના ઘરે રહે છે. અંકિતાએ જણાવ્યું હતું કે ‘વન વિભાગના લોકો અમને આવીને મળી ગયા હતા અને કહ્યું હતું કે કદાચ અમને કાંદિવલીમાં ખસેડાશે. ત્યાં ૯૫ જેટલા ઓરડા છે.’
પિંપરીપાડાના અન્ય એક રહેવાસી મુન્ની ગોરનો ભાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો. મુન્ની અને તેનો પરિવાર હવે દિવસ દરમિયાન ઝૂંપડામાં અને રાત્રે પાડોશીને ત્યાં ગુજારાન ચલાવે છે. જ્યારે સુનીલ સકપાલની દીકરીનું મોત પણ આ દુર્ઘટનામાં થયું હતું. તેને આશ્વાસન પેટે ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા અને ફૉરેસ્ટ વિભાગ દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

કબારેએ વધુમાં જણાવ્યું હતું કે ‘આ કામકાજ ફૉરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે પણ સ્થળાંતર કરવા માટે માહુલ સિવાય બીએમસી પાસે અન્ય કોઈ જગ્યા નથી.’ બીજી તરફ ફૉરેસ્ટના અસિસ્ટન્ટ કમિશનર ડી. જે. સિંહે જણાવ્યું હતું કે ‘એકાદ-બે દિવસમાં સ્થળાંતરનું કામ થશે.

mumbai news malad