મુંબઈ : ફાર્મર બિલ પરના સ્ટેએ પડાવી વેપારીઓમાં ફાટફૂટ

01 October, 2020 07:25 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈ : ફાર્મર બિલ પરના સ્ટેએ પડાવી વેપારીઓમાં ફાટફૂટ

શશિકાંત શિંદેનું સન્માન કરી રહેલા એપીએમસી માર્કેટના દાણા બજારના ડિરેક્ટર નીલેશ વીરા અને ગ્રોમાના પદાધિકારીઓ.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ૨૪ જૂન, ૨૦૨૦ અને ૧૦ ઑગસ્ટ, ૨૦૨૦ના ફાર્મર બિલ્સના અમલ સામે ગઈ કાલે મહારાષ્ટ્રના સહકારી પ્રધાન બાળાસાહેબ પાટીલે સ્ટે આપતાં નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં વિધાનસભ્ય અને ભૂતપૂર્વ કૅબિનેટ મિનિસ્ટર શશિકાંત શિંદેનું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના અમુક વેપારીઓ બાળાસાહેબ પાટીલે આપલા સ્ટે સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. આમ કૃષિ કાનૂનના અમલ પર સ્ટે આવતાં મહારાષ્ટ્રના અને મુંબઈના વેપારીઓમાં ફાટફૂટ જેવો માહોલ ઊભો થયો છે.

શશિકાંત શિંદેએ કેન્દ્ર સરકારનાં કૃષિ બિલોના અમલથી ખેડૂતોનું શોષણ થશે અને તેમને માર્કેટના ભાવો મળશે નહીં એમ કહીને સહકારી પ્રધાન બાળાસાહેબ પાટીલ સમક્ષ કૃષિ બિલોના અમલીકરણ પર સ્ટેની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આદેશથી શેતકારી વ્યાપારી, દલાલ, માથાડી, કર્મચારીઓ પર વિપરીત અસર થશે; જેના પરિણામે બેરોજગારી સર્જાવાનો પણ ભય છે. તેમ જ ખેડૂતોનું શોષણ થશે. આથી કેન્દ્ર સરકારના કૃષિ બિલોના અમલીકરણ પર સ્ટે આપવામાં આવે. આ બાબતને બાળાસાહેબે સ્વીકારીને મહારાષ્ટ્રમાં કૃષિ બિલોના અમલીકરણ પર સ્ટે આપ્યો હતો.

સ્ટેના સમાચાર મળતાં જ નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટના દાણાબજારમાં ખુશાલીનું વાતાવરણ સર્જાયું હતું. વેપારીઓએ ફટાકડા ફોડીને સ્ટેનું સ્વાગત કર્યું હતું.

આ બાબતની જાણકારી આપતાં ગ્રોમાના સેક્રેટરી અને ટ્રસ્ટી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે કૃષિ બિલો પર નોટિફિકેશન બહાર પાડતાં વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હતું. વેપારીઓ માટે અત્યારની આર્થિક મંદીમાં બિઝનેસ કરવો શક્ય નહોતું. હવે મહારાષ્ટ્રના ખેડૂતો માર્કેટના વેપારીઓના માધ્યમથી જ માલનું વેચાણ કરશે જેથી મૉલ કલ્ચર પર નિયંત્રણ આવી જશે. કેન્દ્ર સરકારે કૃષિ બિલો પાસ કરતાં પહેલાં ખેડૂતો અને સંબંધિત વેપારીઓને વિશ્વાસમાં લીધા નથી. જોકે મહારાષ્ટ્રમાં આ બિલો પર અમલ ન હોવાથી હવે અમારા જાનમાં જાન આવી ગયો છે. અમારા માથેથી મોટું સંકટ ટળી ગયું છે.’

મહારાષ્ટ્ર સરકારના એક મિનિસ્ટરે કૃષિ બિલોના અમલીકરણ સામે આપેલા સ્ટે સામે મહારાષ્ટ્રના અનેક વેપારીઓ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે એમ જણાવતાં નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં અત્યારે કાયદાનો અમલ ટેમ્પરરી સ્થગિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તૈયાર કરેલા કાયદા સામે સરકારના એક મિનિસ્ટર સ્ટે આપી ન શકે. આ રાજનીતિમાં ફસાવવા જતાં વેપારીઓ અને એનાથી પણ વધારે ગ્રાહકોને નુકસાન છે. ગ્રાહકોને આનાથી મોંઘો માલ મળશે. માર્કેટમાં અત્યારે મલ્ટિપલ ફી લાગી રહી છે. મહારાષ્ટ્ર સરકારે જ ૨૦૧૬માં ખેડૂતોને ડાયરેક્ટ વેપારીઓ અને ગ્રાહકોને માલ વેચવાની છૂટ આપતો કાયદો બનાવ્યો હતો. આમ અત્યારે સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે. કાયદાશાસ્ત્રીઓએ આપેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે તૈયાર કરેલા કાયદા પર સ્ટે આપી શકાય નહીં. આથી મહારાષ્ટ્રના અમુક વેપારીઓ અને ગ્રાહકો કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છે.’

કેન્દ્ર સરકારે તૈયાર કરેલા કાયદા સામે સરકારના એક મિનિસ્ટર સ્ટે આપી ન શકે. આ રાજનીતિમાં ફસાવવા જતાં વેપારીઓ અને એનાથી પણ વધારે ગ્રાહકોને નુકસાન છે.
- કીર્તિ રાણા, મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ

apmc market mumbai mumbai news coronavirus covid19 maharashtra