16 July, 2026 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈ લોકલમાં થોડાક દિવસ પહેલાં ઘટેલી યુવકની હત્યાનો મામલો હજુ શાંત પણ થયો નથી, ત્યાં ફરી એક વખત લોકલ ટ્રેનમાં હિંસક ઘટનાએ મુસાફરોમાં ભય ફેલાવ્યો છે. CSMT/પરેલથી અંબરનાથ જતી લોકલ ટ્રેનના લગેજ કોચમાં સીટને લઈને મુસાફરો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જે થોડા જ સમયમાં મારામારીમાં ફેરવાઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડબ્બાની અંદર ઈજાગ્રસ્ત મુસાફરો ચીસો પાડતા જોવા મળે છે. આ હિંસક ઘટનામાં બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. મધરાતે બનેલી આ ઘટનાએ મુંબઈ ઉપનગરીય રેલવેની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર લોકો રેલવે તંત્રની કામગીરીની ટીકા કરી રહ્યા છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ મુસાફરે સમગ્ર ઘટનાની આપવીતી જણાવી હતી. તેને કહ્યું, "કામ પૂરું કરીને હું લોકલ ટ્રેનમાં બેઠો હતો. દિવા સ્ટેશન પછી ટ્રેન લગભગ ખાલી થઈ ગઈ હતી. ત્યારબાદ ડૉંબિવલી સ્ટેશનથી કેટલાક લોકો ટ્રેનમાં ચઢ્યા. ટ્રેનમાં અને સાઇડ સીટો પણ ખાલી હતી, છતાં તેઓ સીધા મારી પાસે આવ્યા." મુસાફરના જણાવ્યા મુજબ, તેઓએ મને કહ્યું, `તું સૂતો કેમ છે?` મેં જવાબ આપ્યો કે હું ઊભો થઈ જાઉં છું. હું ઊભો થવા જતો હતો, એટલામાં જ એક વ્યક્તિએ પોતાના હાથમાં પહેરેલા ભારે ધાતુના કડાથી મારા માથા પર અનેક વાર કર્યા. જેના કારણે મારા માથામાંથી લોહી વહેવા લાગ્યું. ઘાયલે વધુમાં જણાવ્યું કે હુમલાખોર સાથે એક ઊંચો અને મજબૂત વ્યક્તિ પણ હતો. તેને કહ્યું કે "આને તો ઘણી ઈજા થઈ ગઈ છે, હવે અહીંથી ભાગી જઈએ." તેને જણાવ્યું કે જ્યારે તેને એક હુમલાખોરનો કોલર પકડી લીધો, ત્યારે આરોપીઓએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકવાનો પણ પ્રયાસ કર્યો. ઘાયલ મુસાફરના જણાવ્યા મુજબ, ઠાકુર્લી સ્ટેશન આવતાં જ 4થી 5 યુવકો ડબ્બામાં ચઢ્યા અને તેમણે વચ્ચે પડીને તેમનો જીવ બચાવ્યો. ત્યારબાદ અન્ય મુસાફરોએ પણ હુમલાખોરોને પકડીને માર માર્યો.
રાત્રે લગભગ 12:30 વાગ્યે લોકલ ટ્રેન કલ્યાણ રેલવે સ્ટેશન પર પહોંચતા જ ત્યાં હાજર GRP અને RPFની ટીમે તરત કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે બંને ઘાયલ મુસાફરોને તરત જ ડબ્બામાંથી બહાર કાઢ્યા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્ટ્રેચરની મદદથી રૂક્મિણિબાઈ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમાંથી એક મુસાફરના માથામાં ગંભીર ઈજા હોવાથી તેને વધુ સારવાર માટે મુંબઈની સાયન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. આ મામલે કલ્યાણ GRPએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ વાયરલ વીડિયો અને ઠાકુર્લી સ્ટેશનના CCTV ફૂટેજના આધારે ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.