06 October, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનિવારની રાત્રે મુંબઈમાં સૌપ્રથમ વાર યુનિક ઑલ-વાઇટ થીમ પર રાસ-ગરબા
શનિવારની રાત્રે મુંબઈમાં સૌપ્રથમ વાર યુનિક ઑલ-વાઇટ થીમ પર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સફેદ ટ્રેડિશનલ ડ્રેસિસમાં સજ્જ ખેલૈયાઓથી સાયનના માનવસેવા સંઘના આખા હૉલનો માહોલ સુંદર અને ભવ્ય લાગતો હતો. બધા જ ખેલૈયાઓ વાઇટ આઉટફિટ્સમાં હોવાથી શરદ પૂનમની ચાંદનીમાં રાસ રમાતા હોય એવું નયનરમ્ય વાતાવરણ વાઓ ફ્રીડમ ગ્રુપના આ યુનિક સફેદ રાસમાં ઊભું થયું હતું.
આ આયોજનમાં યંગસ્ટર્સે નાઇટ-ક્લબિંગ, પબ્સ અને લાઉડ DJ પાર્ટીઓના ટ્રેન્ડને છોડીને પોતાની મૂળ પરંપરા, ગરબા અને સંસ્કૃતિને ઉત્સાહપૂર્વક અપનાવી હતી. આ પ્રકારના યુનિક સ્ટાઇલમાં ગરબાના આયોજનને પગલે યુવાનોમાં ટ્રેડિશનલ રાસ અને લોકસંગીત પ્રત્યેનો ક્રેઝ, મૉડર્ન લાઇફસ્ટાઇલ વચ્ચે સંસ્કૃતિ સાથે જોડાવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
જાણીતા કલાકાર ફોરમ દેઢિયા ગોગરી અને તેમના લાઇવ બૅન્ડ દ્વારા રજૂ કરાયેલાં પરંપરાગત ગરબા, લોકગીતો અને તાલબદ્ધ સંગીતે ખેલૈયાઓને મોડી રાત સુધી ડોલાવ્યા હતા. આયોજક શશિન શાહે કાર્યક્રમની સફળતા બાબતે કહ્યું હતું ‘યુવાધનને અશ્ળીલતા કે ક્લબિંગના મોહમાંથી બહાર લાવીને આપણી અમીર વિરાસત અને ગરબાની ગરિમા તરફ વાળવાનો મૂળ હેતુ સફળ રહ્યો.’
સોશ્યલ મીડિયા પર પણ સફેદ રાસનો ક્રેઝ જોવા મળ્યો હતો. વાઇરલ રીલ્સ અને સફેદ રાસમાં હાજર ખેલૈયાઓની પોસ્ટને લોકોએ ખૂબ લાઇક કરી હતી.