મુંબઈ-ગોવા હાઇવે પર ભયાનક અકસ્માત! પેસેન્જર બસ પલટી જતાં ૨ લોકોનાં મોત, ૩૮ ઘાયલ

03 April, 2026 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Goa Highway Accident: શુક્રવારે વહેલી સવારે રાયગઢમાં મુંબઈ-ગોવા હાઇવે પર એક ખાનગી બસ પલટી જતાં બે લોકોના મોત થયા હતા અને ૩૮ લોકો ઘાયલ થયા હતા; ડ્રાઇવરે વધુ સ્પિડમાં હોવાને કારણે વળાંક પર કાબુ ગુમાવતા બની મોટી દુર્ઘટના

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શુક્રવારે વહેલી સવારે મુંબઈ – ગોવા હાઈવે (Mumbai-Goa Highway) પર ભયાનક અકસ્માત થયો છે. જેમાં ખાનગી બસ પલટી જતા બે લોકોના મોત થયા છે અને ૩૮ લોકો ઘાયલ થયા છે.

રાયગઢ (Raigad)ના નાગોથાણે (Nagothane)માં સુકેલી ઘાટ (Sukeli Ghat) નજીક મુંબઈ-ગોવા હાઇવે પર એક ખાનગી પેસેન્જર બસ પલટી જતાં ભિષણ અકસ્માત (Mumbai-Goa Highway Accident) થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને ૩૮ અન્ય ઘાયલ થયા છે. આ દુ:ખદ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હતી.

સ્પિડને કારણે ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો

પ્રાથમિક માહિતી મુજબ, બસ મુંબઈથી ગોવા જઈ રહી હતી ત્યારે ઘાટ વિભાગમાં એક તીવ્ર વળાંક પર આ અકસ્માત થયો હતો. વધુ પડતી સ્પિડને કારણે ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. ટક્કરને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, ઘણા લોકો વાહનમાં ફસાઈ ગયા હતા.

સ્થાનિકોએ કરી મદદ

જોરદાર અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કટોકટી સેવાઓ પહોંચે તે પહેલાં બચાવ કામગીરીમાં મદદ કરી હતી. નાગોથાણે પોલીસ અને સ્થાનિક બચાવ ટીમોએ બાદમાં ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.

૧૦ ઘાયલોની હાલત ગંભીર

૩૮ ઘાયલોમાંથી ઓછામાં ઓછા ૧૦ ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શરૂઆતમાં, બધા ઘાયલોને સ્થાનિક તબીબી સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાગ્રસ્તોને બાદમાં અદ્યતન સારવાર માટે એમજીએમ હોસ્પિટલ (MGM Hospital)માં ખસેડવામાં આવ્યા હતા.

બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે દુર્ઘટના બની, બે લોકોનાં મોત

અહેવાલો મુજબ, ઘણા બચી ગયેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે નહીં પરંતુ ડ્રાઇવરના બેદરકાર વર્તનને કારણે થયો હતો. મુસાફરોએ દાવો કર્યો હતો કે ડ્રાઇવર મુસાફરીની શરૂઆતથી જ સ્પિડમાં અને અનિયમિત રીતે વાહન ચલાવી રહ્યો હતો. વારંવાર ચેતવણીઓ આપવા છતાં, તેણે તે અવગણી હતી.

કેટલાક મુસાફરોએ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરી ચાલુ હતી ત્યારે તેમણે રેડબસ પોર્ટલ પર ડ્રાઇવરના બેદરકાર વાહન ચલાવવા અંગે ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, કોઈ કાર્યવાહી થાય તે પહેલાં જ અકસ્માત થયો હતો.

વધુ તપાસ ચાલુ

આ અકસ્માતમાં મૃતકોની ઓળખની હજી સુધી પુષ્ટિ થઈ નથી, અને પોલીસ આ દુર્ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

અધિકારીઓએ એવો પણ સંકેત આપ્યો છે કે, અકસ્માતગ્રસ્ત બસનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, સુકેલી ઘાટનો વિસ્તાર અકસ્માતગ્રસ્ત માનવામાં આવે છે. હવે વધુ એક દુર્ઘટનાથી હાઇવે સલામતી અને ટ્રાફિક નિયમોના અમલીકરણ અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે.

road accident raigad national highway mumbai goa maharashtra maharashtra news mumbai news mumbai police