અનેક લોકોના જીવ બચાવનાર કેતન કારાણી કોરોનાનો ભોગ

22 September, 2020 07:42 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

અનેક લોકોના જીવ બચાવનાર કેતન કારાણી કોરોનાનો ભોગ

કેતન કારાણી

ગુજરાતીઓના ગઢ ગણાતા ઘાટકોપરમાં ૧૦,૦૦૦ જેટલા કેસ નોંધાવાથી કોરોનાનો પ્રકોપ ખતમ થવાનું નામ નથી લેતો. જાણીતા સિંગર કિશોર મનરાજા, તેમના પુત્ર હેમલભાઈ સહિત અનેક મહાનુભાવો આ વાઇરસમાં હોમાઈ ગયા છે ત્યારે ગઈ કાલે ૪૬ વર્ષના વધુ એક સેવાભાવી કાર્યકરે અઠવાડિયા સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ દમ તોડી દીધો હતો.

ઘાટકોપર (ઈસ્ટ)ના બીજેપીના સંનિષ્ઠ કાર્યકર અને જૈન જાગૃતિ સેન્ટરને ઘાટકોપરમાં ઘરે-ઘરે પહોંચાડનારા કેતન ઝવેરચંદ કારાણીનું અવસાન થવાથી ઘાટકોપર અને જૈન સમાજમાં માતમ છવાઈ ગયો છે.

ઘાટકોપર (ઈસ્ટ)માં ઓઘડભાઈ લેનમાં આવેલા તનિષ્ક હાઇટ્સમાં મૂળ કચ્છના અબડાસા તાલુકાના ડુમરા ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના કેતન કારાણી તેમના પરિવાર સાથે રહેતા હતા. અઠવાડિયા પહેલાં કેતનભાઈ અને તેમનાં પત્ની જ્યોતિબહેનને કોરોનાનાં લક્ષણ દેખાતાં કોવિડ-ટેસ્ટ કરાવવામાં આવી હતી, જે પૉઝિટિવ આવતાં બન્નેની સારવાર ઘાટકોપર સ્ટેશન પાસેની હિન્દુ મહાસભા હૉસ્પિટલમાં ચાલી રહી હતી.

કેતનભાઈના પિતરાઈ દીપકભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ સપ્ટેમ્બરે કેતનભાઈને ઍડ્મિટ કરાયા બાદ તેમની તબિયતમાં સુધારો થવાને બદલે સતત ખરાબ થતી ગઈ હતી. શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં ત્રણ દિવસથી તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. બે દિવસમાં તેમને સ્ટ્રોક આવવાની સાથે મૅસિવ હાર્ટ-અટૅક આવતાં તેમનું સોમવારે સવારે હૉસ્પિટલમાં જ અવસાન થયું હતું. તેમનાં પત્ની જ્યોતિબહેનની તબિયત સારી હોવાથી તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો હોવાથી તેઓ અત્યારે હોમ-ક્વૉરન્ટીન છે. તેમને ૧૭ વર્ષની દીકરી અને ૯ વર્ષનો દીકરો છે. તેમનું ફાર્મા કંપનીની મશીનરી બનાવવાનું કામકાજ છે.’
કેતન કારાણીના મિત્ર અને એપીએમસીમાં કામકાજ ધરાવતા દેવેન્દ્ર વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેતન મારો અંગત મિત્ર હતો. કોરોનાના કપરા સમયમાં તેણે અનેક લોકોની જિંદગી બચાવી છે. તેણે ક્વૉરન્ટીન સેન્ટરથી કોવિડ સેન્ટરમાં ખડેપગે સેવા આપી હતી. સેંકડો છોકરીઓને એજ્યુકેશન લોન અપાવવાથી માંડીને દેરાસરમાં સેવા માટે તે બધાં કામ છોડીને તત્પર રહેતો. જૈન જાગૃતિ સેન્ટર અને મુંબઈ કચ્છી મહાજનનો તે કમિટી મેમ્બર હતો. કેતન આપણી વચ્ચે નથી રહ્યો એ માનવું અઘરું છે.’

આ પણ વાંચો : ભિવંડીની બિલ્ડિંગમાંથી બે બાળકોને બચાવીને શબ્બીર કુરેશી પાછો તો ગયો, પણ...

બીજેપી પક્ષમાં કેતન ૨૨ વર્ષથી સક્રિય હતો. તેણે પક્ષની સાથે માત્ર જૈન જ નહીં, તમામ સમાજ માટે ખૂબ કામ કર્યું છે. તેનું અચાનક આવી રીતે આપણી વચ્ચેથી ચાલ્યા જવું ખૂબ જ દુખદ છે. આ ક્યારેય ન ભરી શકાય એવી ખોટ ઘાટકોપરને પડી છે. - પ્રકાશ મહેતા, બીજેપીના નેતા

કેતન કારાણી દેરાસરમાં ફૂડ-પૅકેટ તૈયાર કરાવવાથી માંડીને અનાજ-વિતરણના કામમાં સૌથી આગળ રહેતો. જૈન સમાજનું કોઈ પણ કામ હોય તે ખડેપગે રહેતો. ક્વૉરન્ટીન સેન્ટરથી લઈને કોવિડ સેન્ટરમાં પણ તે ૬ મહિનાથી સેવા આપી રહ્યો હતો. પક્ષને મોટી ખોટ પડી છે.
- પરાગ શાહ, બીજેપીના વિધાનસભ્ય

ghatkopar mumbai mumbai news coronavirus covid19 lockdown prakash bambhrolia