હેવ અ નાઇસ જર્ની બની મોતની સફર, બસ અકસ્માતમાં પાંચ મૃત્યુ પામ્યાં

22 October, 2020 11:54 AM IST  |  Mumbai | Mumbai Correspondent

હેવ અ નાઇસ જર્ની બની મોતની સફર, બસ અકસ્માતમાં પાંચ મૃત્યુ પામ્યાં

પ્રતીકાત્મક તસવીર

જળગાવ-મલકાપુરથી સુરત જવા નીકળેલી ખાનગી બસનો નૅશનલ હાઇવે નંબર-૬ પર નંદુરબાર જિલ્લામાં ધુળે-સુરત રોડ પર કોંડાઇબારી ઘાટમાં મંગળવારે મધરાત બાદ બુધવારે પરોઢિયે બેથી અઢીની વચ્ચે અકસ્માત થયો હતો અને બસ ૬૦ ફુટ નીચે ખાઈમાં પડી હતી. આ ઘટનામાં બસ-ડ્રાઇવર, ક્લીનર અને ૩ પ્રવાસીઓનાં મોત થયાં છે, જ્યારે ૩૪ જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજા થઈ છે. મોટા ભાગના પ્રવાસીઓને ફ્રૅક્ચર્સ થયાં છે. આ સંદર્ભે વિસરવાડી પોલીસ સ્ટેશનમાં નોંધ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

વિસરવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂષણ બૈતાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અન્ય વાહનને ઓવરટેક કરવા ગયો હતો એ વખતે સામેથી ટ્રક આવી રહી હતી. એનાથી બસને બચાવવાના ચક્કરમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કન્ટ્રૉલ ગુમાવતાં બસ ૬૦ ફુટ નીચે ખીણમાં પટકાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, સરકારી અધકારીઓ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહેવાસીઓ બધા જ મદદ માટે દોડ્યા હતા.’

નંદુરબારના સુપરિન્ટેન્ડન્ટ મહેન્દ્ર પંડિતે કહ્યું હતું કે ‘આ ઘટનામાં ડ્રાઇવર, ક્લિનર અને ત્રણ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. ૩૪ ઘાયલોમાંથી ૨૬ જણને નંદુરબારની સિવિલ હૉસ્પિટલમાં, ૪ ઘાયલોને વિસરવાડીની સરકારી હૉસ્પિટલમાં અને ૩ જણને સુરત લઈ જવાયા છે, જ્યારે એક ઘાયલને સારવાર માટે જળગાવ લઈ જવાયો છે.

સુરતમાં સહારા દરવાજા પાસે આવેલી શુભ ટ્રાવેલ્સના કર્મચારી સુનીલ ખટોલે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં અમારો ૨૪ વર્ષનો ડ્રાઇવર પપ્પુ અને ૨૩ વર્ષનો ક્લિનર ઘનશ્યામ સહિત ત્રણ પ્રવાસીઓ જેમાં એક મહિલા છે તેમનાં મોત થયાં છે. અમારા શેઠ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.’

surat jalgaon mumbai maharashtra