26 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં આજે સવારે આગ લાગવાની ઘટના (Mumbai Fire) બની હતી. સાંતાક્રુઝ ઈસ્ટમાં આવેલી વિન્ડસર નામની બિલ્ડિંગમાં આગ ભભૂકી હોવાની માહિતી મળી રહી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે આવી ગઈ હતી. આ સાથે લોકલ પોલીસ, અદાણી પાવર સ્ટાફ, 108 એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફ સહિત ઇમરજન્સી સેવાઓ પૂરી પાડતો સ્ટાફ ઘટનાસ્થળે આવી ગયો હતો.
વિન્ડસર બિલ્ડિંગ 14 સીએસટી રોડ, કોલીવરી વિલેજ, એમએમઆરડીએ વિસ્તાર, કલીના, સાંતાક્રુઝ પૂર્વમાં આવેલ છે. જે વિન્ડસર રિયલ્ટી દ્વારા ડેવલપ કરવામાં આવેલ કમર્શિયલ બિલ્ડિંગ છે. લગભગ 65,003 ચોરસ ફૂટની એકંદર બિલ્ટ-અપ જગ્યા સાથે જી + 7 સ્ટ્રક્ચર ધરાવતી આ કમર્શિયલ બિલ્ડિંગ જાણીતી છે. ત્યાં આજે સવારે આગ લાગી હતી.
કેટલા વાગ્યે લાગી હતી આગ? ક્યાં ક્યાં સુધી ફેલાઈ આ આગ?
પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યા છે કે આ આગ (Mumbai Fire) આજે સવારે 6.04 વાગ્યે લાગી હતી. ત્યારબાદ મુંબઈ ફાયર ડીપાર્ટમેન્ટને આ વિષયે જાણ કરાઇ હતી. લગભગ 6.32 વાગ્યે સીએસટી રોડ પર આવેલ આ વિન્ડસર બિલ્ડિંગમાં લાગેલી આગને પહેલા લેવલની આગ ઘોષિત કરવામાં આવી હતી. આગ બેઝમેન્ટની સાથે ગ્રાઉન્ડ ફ્લોર તેમ જ આઠ માળની બિલ્ડિંગના સાતમા માળે આવેલ આરએમસી ઓફિસમાં ફેલાઈ હતી.
આગને કારણે કેટલું નુકસાન થયું છે?
પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ (Mumbai Fire)માં ઇલેક્ટ્રિક વાયરિંગ, વિવિધ ઈન્સ્ટોલેશન, ફર્નિચર, સર્વર પેનલ્સ, પેનલ બેટરીઓ, ઓફિસ રેકોર્ડ્સ અને અન્ય સામગ્રીઓને નુકસાન થયું છે. આશરે 1,000થી 1,500 ચોરસ ફૂટના વિસ્તારમાં આ આગ ફેલાઈ હતી.
અગ્નિશમન દળનાં વાહનો અને સ્ટાફ ઘટનાસ્થળે હાજર થઈ ગયા હતા અને આગ હોલવવાની કામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરી પણ કરવામાં આવી હતી. સાતમો માળ ધુમાડાથી જાણે ઢંકાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલીથી બચાવ ટીમે પોતાનું કામ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈના ઇજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.
હજી હમણાં જ લાગી હતી અનુપમા ટીવી શોના સેટ પર આગ
આ પહેલાં સોમવારે સવારે મુંબઈના ફિલ્મ સિટી કોમ્પ્લેક્સમાં જાણીતા ટેલિવિઝન સિરિયલ `અનુપમા` ના સેટ પર આગ (Mumbai Fire) લાગી હતી. માહિતી અનુસાર આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. લગભગ ચાર કલાક પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ ઘટના હિન્દી સિરિયલ `અનુપમા` ના સેટ પર બની હતી. સિવિક બૉડીએ કહ્યું કે શરૂઆતમાં સેટને બીજું નામ અપાયું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડને સવારે 6.10 વાગ્યે ગોરેગાંવ (પૂર્વ) વિસ્તારના દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં સ્થિત મરાઠી બિગ બોસ સેટની પાછળના ટીવી શોના ટેન્ટમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી.