26 November, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દહિસર-ઈસ્ટમાં એસ.વી. રોડ પર માનવ કલ્યાણ કેન્દ્ર સિગ્નલ નજીક રવિવારે સવારે ૧૦ વાગ્યે એક અકસ્માતમાં ડમ્પરની અડફેટે આવતાં ૬૪ વર્ષનાં ઉર્વશી શાહનું મૃત્યુ થયું હતું. નવનીત હૉસ્પિટલ પાસે આવેલી અમીઝરણા સોસાયટીમાં રહેતાં ઉર્વશીબહેન તેમના રોજિંદા ક્રમ મુજબ આદિનાથ દેરાસરમાં ભગવાનનાં દર્શન કરીને પગપાળા ઘરે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે માનવ કલ્યાણ કેન્દ્ર સિગ્નલ નજીક રસ્તો ક્રૉસ કરતી વખતે પૂરઝડપે આવી રહેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ ડમ્પરનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત વૃદ્ધાને કોઈ પણ પ્રકારની મેડિકલ મદદ પહોંચાડ્યા વગર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે દહિસર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ટ્રેસ કર્યા બાદ ૨૦ વર્ષના ડ્રાઇવર લલિત યાદવની ધરપકડ કરી લીધી છે.
દહિસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અકસ્માત સર્જનાર ડમ્પરને જપ્ત કરીને ડમ્પરના માલિક સામે પણ ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન જે સમયે આ અકસ્માત થયો ત્યારે સવારના પીક અવર્સ દરમ્યાન એ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં હતો, છતાં પ્રવેશબંધીના નિયમોનું ઉલ્લંઘન કરીને ડમ્પર હંકારવામાં આવ્યું હતું. વધુમાં અકસ્માત બાદ નાસી છૂટેલા આરોપી ડ્રાઇવર લલિત યાદવ પાસે ભારે વાહન ચલાવવા માટેના કોઈ માન્ય અને યોગ્ય દસ્તાવેજો પણ અમને મળ્યા નથી જેના કારણે બેદરકારી અને નિયમોના ભંગના ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે.’