11 October, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં જુલાઈથી ચાલી રહેલા કબૂતરખાનાં બચાવો અભિયાન અંતર્ગત આજે રાજસ્થાની છતીસ કોમ કમિટી-કોલાબા અને અરિહંત ગ્રુપ દ્વારા દાદરના યોગી સભાગૃહમાં સવારે ૯ વાગ્યે ‘કબૂતર શાંતિદૂત બચાવો સનાતનીઓં કી પુકાર વિશાલ ધર્મસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન જૈન નરેશમુનિ મહારાજસાહેબના નેજા હેઠળ યોજાનારી આ ધર્મસભામાં સનાતની સાધુ-સંતો પણ હાજર રહેશે.
આ બાબતની માહિતી આપતાં નરેશમુનિ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે જુલાઈ મહિનામાં મુંબઈનાં ૫૧ કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જાહેર આરોગ્યની ચિંતાઓને કારણે રહેણાક વિસ્તારોમાં કબૂતરો ખવડાવવાનાં જાહેર સ્થળો બંધ કરવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશ પછી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ અને ઉપનગરોમાં ૧૩ સંભવિત નવાં કબૂતરખાનાં માટે જગ્યા પણ શોધી રાખી છે. પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ બોરીવલીના નૅશનલ પાર્ક પરિસરમાં આવેલા દિગંબર જૈન મંદિર પાસે એક કબૂતરખાનું શરૂ કરવા માટે પહેલ કરી હતી, પરંતુ પર્યાવરણવાદીઓ અને સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે નૅશનલ પાર્ક ઇકો ઝોનમાં આવતો હોવાથી અને કબૂતરખાનાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા વધી શકે છે. મરાઠી એકીકરણ સમિતિ પણ કબૂતરખાના માટે શોધેલી જગ્યાઓનો વિરોધ કરી રહી છે. આ વિવાદો વચ્ચે હજારો કબૂતરો એમનો જીવ ગુમાવી રહ્યાં છે. ફરી એક વાર જીવદયાપ્રેમીઓને કબૂતરખાનાના મુદ્દે જાગૃત કરવા માટે અમે શનિવારે ધર્મસભા ભરવાનું નક્કી કર્યું છે. એમાં અમે દિવાળીના તહેવારો પછી આઝાદ મેદાનમાં અનશન પર ઊતરવાની જાહેરાત કરીશું.’