05 March, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના અંધેરી (વેસ્ટ) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 30 વર્ષીય પુરુષે 17 વર્ષીય યુવતી પર પેટ્રોલ છાંટી તેને જીવતી સળગાવી દીધી. આ દુર્ઘટનામાં યુવતીને 60
ટકા દાઝી જતાં ઈજાઓ થઈ છે, જ્યારે આરોપી પણ દાઝી ગયો છે. હાલ બંનેની સારવાર જુહુની કૂપર હૉસ્પિટલમાં ચાલી રહી છે.
આરોપી સામે કેસ નોંધાયો, પણ હજી ધરપકડ નહીં
MIDC પોલીસ સ્ટેશનમાં જીતુ તાંબે નામના 30 વર્ષીય આરોપી સામે ગુનો નોંધાયો છે. જો કે, હાલમાં તે પણ સારવાર હેઠળ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી.
યુવતી અને આરોપી એકબીજાને જાણતા હતા
FIR મુજબ, પીડિત યુવતી પોતાના પરિવાર સાથે મરોલ વિસ્તારમાં રહે છે. આરોપી તાંબે પણ ત્યાં જ રહે છે. બંનેની પહેલી ઓળખ દોઢ વર્ષ પહેલાં થઈ હતી. બંને વચ્ચે મિત્રતા હતી. જોકે, પાડોશીએ યુવતીની માતાને જાણકારી આપી હતી કે તેમની પુત્રી આ શખ્સને મળે છે. આ વાત સાંભળીને માતાએ પુત્રીની પુછપરછ કરી હતી, પરંતુ તેણે કોઈપણ સંબંધ હોવાની વાત નકારી હતી. માતાએ આરોપી તાંબેના ઘરે જઈને પણ તેને તેની દીકરીથી દૂર રહેવા માટે ચેતવણી આપી હતી.
રાતે યુવતીને જીવતી સળગાવી
સોમવાર રાત્રે 10:30 વાગ્યે યુવતી જમ્યા બાદ થોડા સમય માટે ઘરની બહાર જઇને સીડી પર બેઠી હતી. 11:30 વાગ્યે એક પાડોશી તેમના ઘરે પહોંચ્યો અને પરિવારને જાણ કરી કે કોઈએ તેમની પુત્રીને સળગાવી દીધી છે. પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો, જ્યાં યુવતી ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવી. કોઈએ આગ બુઝાવી દીધી હતી, પરંતુ યુવતી અત્યંત ગભરાયેલી હતી. તેણીએ માતાને કહ્યું કે તેનો કોઈ વાંક નહોતો, અને તાંબે એ જ તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી.
પોલીસે કેસ નોંધ્યો, પરંતુ આરોપી હજી સારવાર હેઠળ
આ દરમિયાન એક પાડોશીએ પોલીસને જાણ કરી હતી. થોડા જ સમય પછી ઍમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. યુવતીને તાત્કાલિક કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ડૉક્ટરો અનુસાર, 60 ટકા દાઝી જતાં તેના ચહેરા, ગળા, પેટ, બંને હાથ અને પગ, પીઠના કેટલાક ભાગ અને પ્રાયવેટ પાર્ટ દાઝી ગયા છે અને ગંભીર ઇજાઓના કારણે તે બોલી શકતી નથી. પોલીસ અનુસાર આરોપી જીતુ તાંબે એક કેબલ સર્વિસ સંબંધિત નોકરી કરે છે. તેને પણ આગ લાગવાથી ઈજા થઈ છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. યુવતીની માતાએ તાંબે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 124(1) (એસિડ અથવા અન્ય નુકસાનકારક પદાર્થ વડે ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધ્યો છે.